ક્રિકેટર્સ પોતાના ફેન્સ માટે ભગવાનનો દરજ્જો ધરાવે છે અને કેટલાય યુવા ક્રિકેટર્સ માટે પ્રેરણા બને છે. યુવાનો તેમની સ્ટાઇલ ફોલો કરે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને હાલમાં ટીમમાંથી બહાર ચાલી રહેલા ક્રિકેટ ઇરફાન પઠાણ પણ લાખ્ખો યુવા ક્રિકેટર્સ માટે એક પ્રેરણા છે. તેમનો સંઘર્ષ, મહેનત અને લગન એક ઉદાહરણ છે. અતિ સામાન્ય પરિવારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર સફળતા મેળવવી તે પ્રશંસાને પાત્ર છે. ઇરફાનના જીવન સંઘર્ષે તો બધાને પ્રેરિત કર્યા છે પરંતુ તેઓ કોઇ સ્ટુડન્ટના પી.એચ.ડીનો વિષય પણ બને તેવું સાંભળ્યું છે ખરાં? તાજેતરમાં જ બરોડાના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ગુજરાતના રાજપીપળા ખાતે આવેલી છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા તનવીર શેખે ઇરફાન પઠાણની ક્રિકેટ કેરિયર પણ એક કેસ સ્ટડી બનાવ્યો છે અને તેમને ગુજરાત યુનિવર્સીટીમાંથી પીએચડીની પદવી એનાયત થઇ છે.
તનવીર શેખ, ઇરફાન તથા યુસુફ પઠાણના નાનપણના કોચ મહેંદી શેખના પુત્રી છે. તેઓ નાનપણથી જ ઇરફાન-યુસુફ સાથે પ્રેક્ટિસ કરતા અને ક્રિકેટ રમતા હતા. તનવીર એક પ્રોફેશનલ વિમેન્સ ક્રિકેટર પણ છે. તેમણે બરોડાની એમ.એસ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનુ 1997-2002 સુધી પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ ઉપરાંત તે બીસીસીઆઇના લેવલ - 1 ક્વોલિફાઇડ કોચ તથા અમ્પાયર પણ છે. તનવીરે (બી.કોમ, બી.એડ, એમપી.એડ, જી.સેટ) અને અંતમાં પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત કરી છે. પી.એચ.ડી માટે પોતાના અનોખા વિષય અંગે તનવીરે જણાવ્યું હતું કે ઇરફાન હંમેશાં ઓન ધ ફિલ્ડ તથા ઓફ ધ ફિલ્ડ ક્રિકેટ ફેન્સ તથા યુવાનો માટે એક આદર્શ રહ્યા છે. તેમના સંઘર્ષ તથા પર્સનલ લાઇફ પણ લોકો માટે પ્રેરણા બની છે. આ ઉપરાંત મેં ઇરફાનને નાનપણથી મહેનત તથા પ્રેક્ટિસ કરતાં જોયા હોવાથી જ મેં તેમની લાઇફજર્ની વિશે વધુ રીસર્ચ કરવાનું નક્કી કર્યું અને આ વિષય પસંદ કર્યો.
75 સવાલ અને 200 આન્સર પેપર દ્વારા રીસર્ચ કર્યું
તનવીર શેખના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાના અનોખા પી.એચડી વિષયના રીસર્ચ માટે 75 સવાલો બનાવ્યા હતા અને તેના 200 આન્સર પેપર બનાવીને ભૂતપૂર્વ આતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ, સાથી ક્રિકેટર્સ, ડોમેસ્ટીક ક્રિકેટર્સ, અમ્પાયર્સ, ફેમિલી મેમ્બર્સ અને યુવાનોને પોતાના મંતવ્યો આપવા જણાવ્યું હતું. જેમાંથી 180 જેટલા લોકોનો તેમને રીસ્પોન્સ મળ્યો હતો.
રીસર્ચનું પરિણામ
તનવીર શેખે વિષયના પરિણામ અંગે જણાવ્યું હતું કે મેં વિષયમાં ઇરફાન એક વ્યક્તિ તરીકે, એક પ્રેરણા તરીકે તથા તેમની કારકિર્દીમાં ક્યો સમય એવો આવ્યો કે અને તે કેમ ભારતીય ટીમમાં કમબેક કરવામાં નિષ્ફળ રહ્યા તે અંગે વિસ્તારથી અભ્યાસ કર્યો અને તેમાંથી તારણ નીકળ્યું કે તેમણે ઇજાના સમયે પ્રોફેશનલ ગાઇડન્સ નહીં પરંતુ ઘણા લોકોની સલાહ લીધી, બધા વ્યક્તિઓની અલગ સલાહ, ટેક્નીકના કારણે ઇરફાને પણ તેમને અનુસર્યા, કોઇ એક સ્ટાઇલ ટેક્નીકને વળગી નહીં રહેવાની ભૂલ ઇરફાને કરી અને વારંવાર ઇજા પહોંચતાં તે ટીમમાં કમબેક કરવામાં નિષ્ફળ રહ્યા. ઇરફાને પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને બોલિંગ ટેકનીક તથા વારંવાર થતી ઇન્જરીના કારણે તેમની ક્રિકેટ કારકીર્દીને અસર થઇ હોવાનું સ્વીકાર્યું હતું. ઇરફાને પોતાને પી.એચડીના વિષય તરીકે પસંદ થયા હોવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઘણા ઓછા સ્પોર્ટ્સપર્સનની લાઇફજર્ની પર પી.એચડી થયું છે તેમને એ બાબતનો ગર્વ છે કે મારી કેરિયર પર કેસ સ્ટડી બન્યો છે જ્યારે તનવીરે તેમની આ બાબતે પરવાનગી માંગી ત્યારે તેમને તરત જ પરવાનગી આપી દીધી હતી.
પરિવારના સપોર્ટથી જ પી.એચડી શક્ય બન્યું
37 વર્ષના તનવીર શેખ એક ચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવે છે, છતાં પણ તેમણે સંઘર્ષ કરીને પી.એચડીની ઉપલબ્ધિ મેળવી છે. પોતાના સંઘર્ષ અંગે વાત કરતા તનવીરે જણાવ્યું હતું કે એક મહિલા માટે લગ્ન બાદ અભ્યાસ કરવો શક્ય બનતો નથી પરંતુ મારા પતિ અને સસરાના સાથ-સહકારથી મેં લગ્ન બાદ પણ અભ્યાસ ચાલૂ રાખ્યો હતો અને લગ્ન બાદ મેં બી.એડ, એમ.પી.એડ, જી.સેટ તથા પી.એચડીની ડીગ્રી મેળવી છે. ત્રણ પુત્રીની માતા તનવીર બરોડાથી 80 કિ.મી દૂર આવેલા રાજપીપળામાં પોતાની એક વર્ષની પુત્રી સાથે રહે છ જ્યારે પતિ તથા બે પુત્રીઓ બરોડા રહે છે. તનવીર અઠવાડિયામાં એક જ વખત પોતાની પુત્રીઓને મળી શકે છે. પરિવારની સંભાળ રાખવી, નોકરી કરવી અને તેમાં પણ પી.એચડીની ડીગ્રી મેળવનાર તનવીર ખરેખર મહિલાઓ માટે એક ઉદાહરણ તથા પ્રેરણાસ્ત્રોત બન્યા છે.