શુક્રવારે સવારે ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યે ચક્રવાત "ફેની" ઓડિશા રાજ્યના પુરીના દરિયાકાંઠે ટકરાયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચક્રવાત જ્યારે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ્યું હતું ત્યારે તેની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી હતી.
વાવાઝોડાની અસર લગભગ બે કલાક સુધી રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.
અગાઉ, ભારતના પૂર્વી સમુદ્ર તટ પર “ફેની” વાવાઝોડાના ભયના કારણે લગભગ એક મિલિયનથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. ફેની ચક્રવાતના કારણે શુક્રવારે ઓડિશા તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
ઓડિશા સરકારના જણાવ્યા પ્રમાણે રાહત – બચાવ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1317 જેટલી ગર્ભવતી મહિલાઓ સહિત એક મિલિયન જેટલા નાગરિકોને હોસ્પિટલ તથા આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
શાળા- કોલેજ બંધ રહેશે
રાજ્ય સરકારે વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને વિવિધ સુરક્ષા ટુકડીઓની તૈનાત કરી છે. જ્યારે રાજ્યની શાળા – કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ડોક્ટર્સ અને આરોગ્ય અધિકારીઓને 15મી મે સુધી રજા પર નહીં જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સે આંદામાન – નિકોબાર વિસ્તાર સહિત ઓડિશામાં વાવાઝોડામાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે 54 જેટલી ટીમ ઊતારી છે.

Locals and fishermen take shelter in a makeshift shelter home at Konark in Puri district on the eve of cyclone Fani's landfall in Odisha coast, India. Source: AAP/EPA/STR
વર્ષ 1999માં પણ ઓડિશા રાજ્ય વાવાઝોડાનો ભોગ બન્યું હતું. લગભગ 20 વર્ષ પહેલા આવેલા ભયાનક વાવાઝોડાએ 30 કલાકમાં લગભગ 10 હજાર જેટલા નાગરિકોનો ભોગ લીધો હતો. 2013માં આવેલા વાવાઝોડામાં લગભગ 1 મિલિયન જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પૂર્વીય તટ પર એપ્રિલથી ડિસેમ્બર મહિના સુધી વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાઓ રહે છે. જેના કારણે ખેતી અને માછીમારીના વ્યવસાયોને વિશેષ નુકસાન પહોંચે છે.

In this satellite image acquired from the Indian Metrological Department, shows Cyclone Fani in the Bay of Bengal on Thursday, May 2, 2019. Hundreds of thousand Source: Indian Metrological Department via AP
પ્રધાનમંત્રીએ બેઠક યોજી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે કેબિનેટ કક્ષાની બેઠક યોજી હતી અને આપાતકાલિન સેવાઓને તત્કાલ પગલાં લેવા માટે જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડાના કારણે ઉભા પાકને નુકસાન થવા ઉપરાંત, સમુદ્રતટ પાસે આવેલા મકાનો અને જાહેર રસ્તા પરના ટેલીફોન – વિજળીના થાંભલાને નુકસાન થઇ શકે છે.
આ ઉપરાંત, ઉંચા મોજા ઉછળી શકવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Share

