ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને SBS ને આપેલા એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુંમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં પ્રવર્તી રહેલી વિવિધ પરિસ્થિતિઓ અંગે વિસ્તૃતમાં પોતાના મત તથા સરકારની આગામી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
- દુકાળની પરિસ્થિતિ સામે લડવાની યોજના રજૂ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "કેન્દ્રીય સરકાર આગામી દશકમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે 5 બિલિયન ડોલરના ફંડની જોગવાઇની યોજના બનાવશે. આ ફંડ પ્રાથમિક ઉત્પાદકો, બિન સરકારી સંસ્થાઓ અને સમાજને દુકાળની પરિસ્થિતિ ઉદભવે તે પહેલા અને તે દરમિયાન રાહત આપવા માટે ઉપયોગમાં લેવાશે."
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરિયામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. અને ન્યૂ સાઉથ વેલ્સ સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યનો 98 ટકા ભાગ દુકાળનો સામનો કરી રહ્યો છે.
- ઓસ્ટ્રેલિયાના બહારના ભાગમાં આવેલા નારૂ ખાતે અટકાયત કરાયેલા બાળકો અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં પ્રધાનમંત્રીએ વિરોધી પક્ષ અને પોતાના પક્ષના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે, "દેશની સરહદ સાથે કોઇ જ બાંધછોડ કરવામાં આવશે નહીં."
તેમના જણાવ્યા પ્રમાણે, "માનવ તસ્કરી કરનાર સાથે વાતચીત શક્ય નથી. આપણી નીતિઓ સ્પષ્ટ હોવી જોઇએ. અને આ પ્રકારનો પ્રશ્ન અહીં વારંવાર ઉદભવે છે. તેઓ સમજતા નથી કે આ પ્રકારના પ્રશ્નો સ્પષ્ટ અને સંપૂર્ણ શરતો સાથે જ ઉકેલવા જોઇએ."
નારૂ ખાતે રાખવામાં આવેલા બાળકોના છૂટવા અંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર આ અંગે ઝડપથી કાર્ય કરી રહી છે.
- ઓસ્ટ્રેલિયન સરકાર ચીન તથા પેસિફિકના અન્ય પડોશી દેશો સાથે સંબંધો સુધારવા પર ભાર મૂકી રહી છે. તે ક્ષેત્રમાં ચીનના વધતા જતા પ્રભાવ સામે પોતાની હાજરી મજબૂત કરવા માટે ઓસ્ટ્રેલિયા લશ્કરી કેમ્પ બનાવી રહ્યું છે. સ્કોટ મોરિસનના જણાવ્યા પ્રમાણે, "અમે હંમેશાં ચીન સાથે રચનાત્મક રીતે કાર્ય કર્યું છે અને કરતા રહીશું."
"તેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા વેપારી ભાગીદાર છે. શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધી બંને દેશની વેપારી ભાગીદારી પર આધારિત છે. ઓસ્ટ્રેલિયા વાતચીતના માધ્યમથી બંને વચ્ચેનો તણાવ ઓછો કરવાના પ્રયત્નો કરી રહ્યું છે."
- ઓસ્ટ્રેલિયન વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજ છેલ્લા છ વર્ષથી લંડનમાં આવેલા ઇક્વાડોરના દૂતાવાસમાં આશ્રિત છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ મુદ્દો તેમની પ્રાથમિકતામાં નથી."
પ્રધાનમંત્રીના જણાવ્યા પ્રમાણે, "દરેક ઓસ્ટ્રેલિયન નાગરિક સહયોગ મેળવવાની આશા ધરાવે છે પરંતુ લોકો જ્યારે વિદેશમાં હોય છે ત્યારે તેમણે પોતાના વર્તનની જવાબદારી લેવી જોઇએ. અમે ઘણી વખત જોયું છે કે વિદેશમાં જતા ઓસ્ટ્રેલિયાના નાગરિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે પરંતુ તેમણે એ યાદ રાખવાની જરૂર છે કે તેઓ જે દેશની મુલાકાત લઇ રહ્યા છે ત્યાંના કાયદામાંથી તેઓ બચી શકે નહીં અને તેનું સન્માન કરતા શીખે."
- પ્રધાનમંત્રી બન્યાના બે મહિના બાદ સ્કોટ મોરિસનને પક્ષના નેતૃત્વમાં થયેલા ફેરફારનો કોઇ જ પસ્તાવો નથી. તેમના જણાવ્યા પ્રમાણે, એક નેતાએ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા પડે છે અને તેમણે એમ જ કર્યું છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી ઓછા સમય માટે સત્તા પર રહેલા પ્રધાનમંત્રી બનવા માંગતા નથી.
ઉલ્લેખનીય છે કે વેન્ટવર્થ ખાતે તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પક્ષને ઇતિહાસનો સૌથી મોટો પરાજય સહન કરવો પડ્યો છે.