દિવાળીનો તહેવાર આ વખતે ભારતભરમાં ધંધા રોજગાર તેમજ ઉમંગ ઉત્સાહની રીતે ફિક્કો લાગે છે.
એક તરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષનો માર વેપારીઓ અને ગ્રાહકો અનુભવી રહ્યા છે તો બીજી તરફ ચીનની બનાવેલી તકલાદી છતાં સસ્તી ચીજ વસ્તુઓ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો તરફ ગ્રાહકો વળ્યા છે. આ આઈટમો દેશી કે અન્ય વિદેશી કરતા ફેન્સી અને દંગ થઇ જવાય તેવા ફીચર્સ ધરાવે છે .
આકાશમાં, કાન અને આંખોમાં ચાઈનાએ જ જાણે હવાઈ હુમલો કર્યો હોય તેવો નજારો લાગે છે.
દિવાળીની વાત કરીએ તો ચાઇનીઝ ફટાકડા અને આતશબાજીની રેન્જ તેમજ વેરાઈટી સ્થાનિક ઉત્પાદકો બનાવી શકે તેમજ નથી. પરંપરાગત ફટાકડા કરતાં પણ ૩૦ ટકા સસ્તા હોય છે ચાઇનીઝ ફટાકડા.ઘણાં શહેરોમાં પ્રતિબંધ છે તો પણ આકાશમાં, કાન અને આંખોમાં ચાઈનાએ જ જાણે હવાઈ હુમલો કર્યો હોય તેવો નજારો લાગે છે. તેવી જ રીતે તમને દુરથી એમ જ લાગે કે આ તો કુંભારે બનાવેલા માટીના કોડિયા છે પણ નજીક જઈ હાથમાં પકડો તો ખબર પડે અને નકલમાં ચાઈનાને સલામ કરવી પડે. ફાઈબાર પ્લાસ્ટિકનાં કોડિયા માટીના કોડિયા કરતા અડધા ભાવે મળે છે .
હવે રંગોળી માટે કસબ કે સમય નહિ ધરાવનારાઓ ધારે ત્યારે સહેલાઈથી જમીન પર પાથરી કે ઉખાડી શકાય તેવી ચાઇનીઝ સ્ટિકર રંગોળી જ ખરીદે છે. દેખાવે તો તમને એમ જ લાગે કે કોઈ કલાકારે રંગ પુરીને રંગોળી ના બનાવી હોય ..દિવાળીમાં ખરીદાતી ક્રોકરી, ગીફ્ટ આર્ટિકલનું બજાર પણ ચીને કબજે કર્યું છે .રોશની માટેનાં રંગબેરંગી બલ્બ, આખા ઘર કે શોપ, મોલને ટાઇમર વાળી રોશની, રંગ બદલાય તેવી રોશનીની લડીઓ ...નયનરમ્ય નજારો ખડી કરતી ચીનની પ્રોડક્ટ્સએ જાણે ભારતની ઇલેક્ટ્રિક બજારનો fuse ઊડાડી દીધો છે .
ચીનની પ્રોડક્ટ્સએ જાણે ભારતની ઇલેક્ટ્રિક બજારનો fuse ઊડાડી દીધો છે
આ ટ્રેન્ડનું પરિણામ એ આવ્યું છે કે સ્થાનીક ઉત્પાદકો અને તેવી જ પ્રોડક્ટ્સ માટે રોકાણ કરીને વેચનારાઓ રાતા પાણીએ રડી રહ્યા છે.સ્વદેશી ચીજ વસ્તુ , ફટાકડા જ ખરીદો તેવી સોશિઅલ મીડિયામાં ઝુંબેશ ચાલે છે પણ ગ્રાહકો તો મોંઘવારીમાં સસ્તું છતાં ફેન્સી અને ચકાચૌંધ થઇ જવાય તેવી ચાઇનીઝ પ્રોડક્ટ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. ચીની ઉત્પાદનો પાછળની દોટ જોઈ ને લાગે છે શું નજીકનાં ભવિષ્યમાં બજારમાં મીઠાઈ પણ 'મેડ ઈન ચાઈના' હશે?