ન્યૂ સાઉથ વેલ્સના હજારો ડ્રાઇવિંગ લાઇસન્સધારકોની અંગત માહિતી લીક થઇ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, ઓપન ક્લાઉડ સ્ટોરેજ પર રાજ્યના લાઇસન્સધારકોની માહિતી મૂકવામાં આવી છે. અને, જે આસાનીથી ઉપયોગમાં લઇ શકાતી હોવાનું યુક્રેનના સિક્ટોરિટી કન્સલ્ટન્ટ બોબ ડીયાચેન્કોએ જણાવ્યું હતું.
બોબના જણાવ્યા પ્રમાણે, જે ફોલ્ડરમાં આ તમામ માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેનો આસાનીથી વપરાશ થઇ શકે તેમ છે.
તેમાં લાઇસન્સની આગળ અને પાછળ એમ બંને બાજુની માહિતી તથા ટોલ નોટીસની પણ વિગતો આપવામાં આવી છે.
આ તમામ માહિતી અમેઝોનની ક્લાઉડ સર્વિસ પર અપલોડ કરવામાં આવેલી છે.
કઇ વિગતો લીક થઇ હોવાની શક્યતા?
લગભગ 54,000 જેટલા લાઇસન્સના કુલ 108,535 ફોટો આ માધ્યમ પર ઉપલબ્ધ છે. જેના દ્વારા વ્યક્તિનું નામ, ફોટો, જન્મ તારીખ, સરનામા સહિતની વિગતો આસાનીથી મળી રહે છે.
બોબે કેટલા સમય માટે આ તમામ ફાઇલનો વપરાશ થઇ શકતો હતો તે અંગે કોઇ ચોક્કસ માહિતી આપી નહોતી પરંતુ બદઇરાદો ધરાવતી વ્યક્તિ તેનો દૂરપયોગ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ વિભાગે Amazon Web Services S3 ક્લાઉડ સ્ટોરેજ પર અપલોડ થયેલી વિગતો લીક થઇ હોવાની શક્યતા વચ્ચે Cyber Security NSW સાથે મળીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

Source: AAP
વિવિધ પ્રકારની છેતરપીંડી થઇ શકે
Have I Been Pwned ના સાઇબર વિશેષજ્ઞ ટ્રોય હંટે જણાવ્યું હતું કે, જો આ પ્રકારની વિગતો આસાનીથી ઉપલબ્ધ થાય તો છેતરપીંડીની શક્યતા વધી જાય છે.
લાઇસન્સમાં નામ અને અન્ય ઉપયોગી માહિતી હોવાથી બદઇરાદો ધરાવતી વ્યક્તિ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને છેતરપીડી કરી શકે છે.
શેડો મિનિસ્ટર ફોર બેટર પબ્લિક સર્વિસ સોફી કોટ્સીસે જણાવ્યું હતું કે, સરકારે જે ડ્રાઇવરના લાઇસન્સની વિગતો ઉપલબ્ધ થઇ હોય તેમને સમગ્ર બાબતો વિશે જાણ કરવી જરૂરી છે.
અને, ડ્રાઇવર્સને પણ તે અંગે જાણવાનો હક રહેલો છે.
અગાઉ મે 2020માં 47 Service NSW ના કર્મચારીઓના એકાઉન્ટ્સ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેથી, લોકોની ખાનગી માહિતીનો દૂરપયોગ થવાનો ભય ઉભો થયો હતો.
21મી જૂન 2020 ના રોજ Transport for NSW ની સિસ્ટમ બંધ થઇ ગઇ હતી. કોઇ બદઇરાદો ધરાવતી વ્યક્તિએ આ કાર્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ડિસેમ્બર 2018માં ઓડિટર જનરલે જણાવ્યું હતું કે ન્યૂ સાઉથ વેલ્સની 47 ટકા સરકારી સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્ટોરિટી સેન્ટર દ્વારા સૂચિત સાઇબર સિક્ટોરિટી માટેના જરૂરી પગલાં લેતી નથી.
નવેમ્બર 2019માં ઓડિટર જનરલે નોંધ્યું હતું કે ન્યૂ સાઉથ વેલ્સની સરકારી સંસ્થાઓમાં માહિતીનો દૂરપોયગ થયો હોવાના 3324 કિસ્સા નોંધાયા છે.
Share



