જે રીતે મેડિકેર એક્સપ્રેસ એપ દ્વારા મેડિકેર કાર્ડ ડીજીટલી ઉપલબ્ધ છે, તેવી જ રીતે ન્યુ સાઉથ વેલ્સ સરકાર ટૂંક સમયમાંજ સર્વિસ NSW એપ દ્વારા ડિજિટલ લાયસન્સ ઉપલબ્ધ કરાવશે.
ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના સેવા મંત્રી વિકટર ડોમિનેલૌ એ રવિવારે જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આવતા બે સપ્તાહમાં આ અંગે રાજ્ય સંસદમાં વિધેયક રજુ કરવામાં આવશે, ત્યાર બાદ રાજ્યભરમાં ડિજિટલ ડ્રાયવર લાયસન્સ અમલમાં મુકવામાં આવશે. આ પગલું ભરનાર ન્યુ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયાનું પ્રથમ રાજ્ય બનશે.
ડિજિટલ લાયસન્સ સર્વિસ NSW એપ દ્વારા મેળવી શકાશે. ડિજિટલ ડ્રાયવર લાયસન્સ માટે અરજ કરવાની રહેશે. સર્વિસ NSW એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. ડિજિટલ લાયસન્સ ઉંમરના પ્રમાણ તરીકે, જરૂરી ઓળખપત્ર તરીકે અને પોલીસ ચેક દરમિયાન ઉપયોગમાં લઇ શકાશે.
શ્રી વિક્ટરે જણાવ્યું કે, " દરેક વ્યક્તિના કિસ્સામાં સ્માર્ટફોન હોવો સામાન્ય બાબત છે, અને આપણે અત્યારે અત્યાધુનિક ટેક્નોલોજીના સમયમાં રહીએ છીએ તેથી રોજ બરોજના ઉપયોગમાં ડિજિટલ લાયસન્સનો ઉપયોગ થાય તે સરળ વિકલ્પ છે."
રાજ્યના સેવા મંત્રી શ્રી વિકટર જણાવે છે કે ડિજિટલ લાયસન્સનો ઉપયોગ યુઝર ફ્રેન્ડલી અને સલામત છે. ફોન ચોરાઈ જવાના કે ખોવાઈ જવાના કિસ્સામાં વ્યક્તિનો ડેટા સલામત રહેશે. ચોરાયેલ કે ખોવાયેલ ફોનમાંથી ડેટા પુનઃપ્રાપ્ત નહિ કરી શકાય, આ એપની ટેક્નોલોજી બેન્ક દ્વારા સુરક્ષા માટે વાપરવામાં આવતી ટેક્નોલોજી છે.

Source: Screen Shot service.nsw.gov.au/digital-driver-licence
આ સેવા શરુ કરતા પહેલા આ અંગે ગત વર્ષથી ડબ્બો ખાતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, જેમાં 1400 જેટલા વપરાશકારોએ ભાગ લીધો હતો. 83 ટકા લોકોએ ડિજિટલ લાયસન્સ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતા આ સેવા સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
જે લોકોએ ડિજિટલ ડ્રાયવર લાયસન્સ માટે માંગણી કરી હશે તેમને ફિઝિકલ કાર્ડ આપવામાં આવશે, જેને હંમેશા સાથે રાખવાની જરૂર રહેશે નહિ.
ગુજરાતી સમુદાયના પ્રત્યાઘાતો
આ જાહેરાત અંગે મોટાભાગના લોકો સકારાત્મક અભિગમ ધરાવે છે અને આ કદમને મહત્વનું માને છે. તો બીજીબાજુ વૃદ્ધ લોકો આ જાહેરાત થી ખાસ ખુશ નથી
વોલોન્ગોન્ગ ખાતે ટ્રાવેલ એજન્ટ તરીકે વ્યવસાય ધરાવતા નવનીત મિત્તલનું કહેવું છે કે ડિજિટલાઇઝેશન એક સારું પગલું છે, તેના કારણે પોકેટમાં એક કાર્ડ ઓછો રાખવો પડશે. તેઓ કહે છે કે," આ એક ઉત્તમ પગલું છે, કેમકે લોકો વારંવાર લાયસન્સ સાથે લેવાનું ભૂલી જાય છે, વળી ભવિષ્યમાં આ ક્ષેત્રે બધું જ લિંક થઇ જશે જેમકે તમારા ગાડીની પૂર્ણ માહિતી, લાયસન્સ રિન્યુ કરવા અંગે અને ઘણું બધું. આ કારણે સમયની પણ બચત થશે. ઓવરઓલ એક સરાહનીય પ્રયાસ છે. "
તેઓ એમ પણ ઉમેરે છે કે, " કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મેળવવા પણ જરૂરી છે - જેમકે શું ડિજિટલ લાયસન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લઇ શકાશે? જો ફોનની બેટરી પુરી થઇ જાય કે ફોન ઘેરથી લેવાનું ભુલાઈ જાય તેવા સંજોગો માં શું કરવું?
તો સિડની નિવાસી 59 વર્ષીય તરૂલતા રાવલ આ ખબર થી ખુશ નથી. તેઓનું કહેવું છે કે, " આપણે જાણવું રહ્યું કે 70 ટકા ઓસ્ટ્રેલિયનો વૃદ્ધ છે, હું કે મારા દોસ્તો સ્માર્ટફોન વાપરતા નથી, અમને આ ફોન ફાવતા પણ નથી. એ વાત સાચી છે કે હું મારુ લાયસન્સ ઘણીવાર ઘેર ભૂલી ગઈ છું, પણ મને નથી લાગતું કે ડિજિટલ લાયસન્સ આ સમસ્યાનો જવાબ છે. "
તરૂલતાજી સાથે સુજાવ આપતા જણાવે છે કે, " શું લાયસન્સ અને ગાડીના નમ્બરને જોડીને કાંઈ નવી વ્યવસ્થા ન કરી શકાય?"