ઓસ્ટ્રેલિયાના મોટાભાગના શહેરોમાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિવાળીની ઉજવણી મર્યાદિત કરવામાં આવી છે.
જોકે, બીજી તરફ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી કાબૂમાં આવી હોવાથી તાજેતરમાં જ ભારતીય સમુદાય દ્વારા પર્થમાં દિવાળીની ધામધૂમપૂર્વક સામુહિક ઉજવણી કરવામાં આવી હતી.
ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ અન્ય 50 સામાજિક સંસ્થાઓ સાથે મળીને 7 તથા 8 નવેમ્બરના રોજ ક્લેરમોન્ટ શો ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણીનું આયોજન કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, બે દિવસ સુધી ચાલેલી આ ઉજવણીમાં કોરોનાવાઇરસના તમામ નિયમો તથા સાવચેતીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને લગભગ 25,000 લોકોએ હાજરી આપી હતી.

ISWA organised Diwali celebrations in Perth Source: Amit Mehta
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવેને પણ સામૂહિક ઉજવણીમાં હાજરી આપીને હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
આ ઉપરાંત, રાજ્યના ટુરિઝમ મંત્રી પૌલ પાપલિયા, વિરોધ પક્ષના નેતા તથા પર્થ સ્થિત કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા દંતુ ચરણદાસી પણ ઉપસ્થિત રહ્યા હતા.

WA Premier Mark McGowan attended Diwali celebrations in Perth Source: Amit Mehta
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ
પર્થ ખાતે યોજાયેલી દિવાળીની ઉજવણીમાં ભારતના વિવિધ રાજ્યોના લોકોએ તેમની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક પરેડ દ્વારા થઇ હતી અને સ્પર્ધકોએ વિવિધ રાજ્યોની ઓળખ કરાવતા પહેરવેશ ધારણ કર્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા કુલ 62 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. રાજ્યના પ્રીમિયર માર્ક મેકગોવેને ગુજરાત રાજ્યના સ્ટોલ પાસે આવીને ગુજરાતી પહેરવેશ વિશે માહિતી મેળવી હતી.
દિવાળીની ઉજવણી દરમિયાન હિન્દુ ધર્મની ઝાંખી કરાવતા 'ક્રિષ્ણા' નાટકને પણ ભજવવામાં આવ્યું હતું.

Members of the Malayalee community attended Diwali celebrations in Perth. Source: Amit Mehta
બોલીવૂડના કલાકારોને શ્રદ્ધાંજલિ
કાર્યક્રમમાં વર્ષ 2020 દરમિયાન મૃત્યુ પામનારા બોલીવૂડના અભિનેતા - અભિનેત્રીઓને વિશેષ રીતે યાદ કરવામાં આવ્યા હતા અને એક પ્રસ્તુતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી હતી.