પ્રથમ વન-ડે મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે પરાજય મેળવ્યા બાદ ભારતની નજર બીજી વન-ડે મેચ જીતીને શ્રેણી બરાબર કરવા પર રહેશે.
શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતનો 66 રનથી પરાજય થયો હતો. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ શ્રેણીમાં 1-0થી પાછળ થઇ ગઇ છે.
સિરીઝની બીજી વન-ડે મેચ સિડનીમાં રવિવારે રમાશે. ઓસ્ટ્રેલિયા જો આ મેચ જીતી જશે તો તે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લેશે.
અગાઉ વર્ષ 2018માં ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં પરાજય મેળવ્યો હતો અને ત્યાર બાદ બંને મેચ જીતી લઇને સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
રવિવારે પણ ભારતીય ક્રિકેટ ટીમ આ પ્રકારનું પ્રદર્શન કરવા માટે આતુર રહેશે.
ભારતીય ટીમ હાલમાં શ્રેષ્ઠ લયમાં નથી અને તેણે રમેલી છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચમાં તેનો પરાજય થયો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે ઉત્કૃષ્ઠ ફોર્મમાં છે. છેલ્લી પાંચમાંથી તેણે ચાર મેચમાં વિજય મેળવ્યો છે.

Hardik Pandya of India during the first ODI cricket match between Australia and India at the SCG in Sydney, Friday, November 27, 2020. Source: AAP Image/Dean Lewins
પિચ અને હવામાન
રવિવારે સિડનીમાં ગરમી અનુભવાશે અને શહેરનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવું અનુમાન છે.
સિડની ખાતેની પ્રથમ વન-ડે મેચ હાઇસ્કોરિંગ રહી હતી. બીજી વન-ડે માટેની પિચ પણ બેટ્સમેનો માટે સ્વર્ગસમી હોય તેમ લાગી રહ્યું છે. તેથી રવિવારે પણ એક હાઇસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
રેકોર્ડ્સ અને સ્ટેટ્સ
વિરાટ કોહલીની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ એવરેજ માત્ર 11.40 રન છે. જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 21 રન છે. તેણે પ્રથમ વન-ડે મેચમાં પણ 21 રન કર્યા હતા.
ભારતીય ટીમ જો બીજી મેચમાં પરાજિત થશે તો તે વન-ડે શ્રેણી ગુમાવશે અને ઓસ્ટ્રેલિયામાં સતત બે વન-ડે શ્રેણી જીતવાનું સપનું રોળાઇ જશે.
સંભવિત ટીમ -
ઓસ્ટ્રેલિયા - ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, માર્નશ લબુશેન, એલેક્ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ.
ભારત - શીખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ટી. નટરાજન - સંદિપ સૈની, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ - કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
Share

