યોગના સંપૂર્ણ અભ્યાસ માટે અને તેના અભ્યાસ દ્વારા ઉત્તમ પરિણામ મેળવવા માટે તેના આઠ અંગોનો અભ્યાસ કરવો જરૂરી છે. આ અંગો અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે.
અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથીયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ કરવામાં આવે છે.
યોગાચાર્ય ભાવિન મહેતા જણાવે છે કે, મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા મુજ્બ ચિત્તવૃત્તિઓના નિરોધથી યોગની પ્રાપ્તિ થાય છે. તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ. આ આઠ સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને એને સમાધિ સુધીની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈને પરમ તત્વ સાથે એનું અનુસંધાન કરાવી શકાય છે.
આજકાલ આસન, પ્રાણાયમ અને ધ્યાન- આ ત્રણ અંગોનો વધુ અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ અન્ય પાંચ અંગોનું મહત્વ પણ એટલું જ છે જ જાણીએ આ અંગો વિષે સંક્ષિપ્તમાં

Source: By Renato yoga [CC BY-SA 4.0 (https://creativecommons.org/licenses/by-sa/4.0)], from Wikimedia Commons
અષ્ટાંગ યોગ
અષ્ટાંગયોગ નાઆ આઠ અંગ છે: 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7. ધ્યાન અને 8. સમાધિ.
અષ્ટાંગયોગનું પ્રથમ અંગ છે યમ:
યમના પાંચ વિભાગ છે - 1. સત્ય, 2. અહિંસા, 3. અસ્તેય, 4. અપરિગ્રહ અને 5. બ્રહ્મચર્ય.
ભાવિન ભાઈ જણાવે છે કે - ભારતીય સંસ્કૃતિમાં હંમેશા સત્ય બોલવા અને આચરવા પર ભાર મુકવામાં આવ્યો છે. મન, કર્મ , વચન થી કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે અંગે જાગૃત રહેવું, આ ઉપરાંત ચોરી ન કરવી અને ખોટો સંગ્રહ ન કરવો. વ્યક્તિ પોતાની ઈંદ્રિયો પર કાબુ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે.
1. સત્ય: મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું. સત્યનિષ્ઠાથી ચિત્તને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે.
2. અહિંસા: મન, વચન અને કર્મથી કોઈનું ખરાબ ન કરવું કે ન વિચારવું. અહિંસાનો સાચો અર્થ છે સર્વને પ્રેમ કરવો. કોઈને દુભવવા નહિ.
3. અસ્તેય: બીજાની માલિકીની વસ્તુ માલિકની પરવાનગી વિના ન લેવી. ટૂંકમાં ચોરી ન કરવી.
4. અપરિગહ: સંગ્રહ ન કરવો. સંશાધનોનો વહેંચીને ઉપયોગમાં લેવા
5. બ્રહ્મચર્ય: વ્યક્તિ પોતાની ઈંદ્રિયોપર કાબુ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે.
અષ્ટાંગયોગનું બીજું અંગ છે નિયમ :
નિયમના પણ પાંચ પ્રકાર છે: 1. શૌચ, 2. સંતોષ , 3. તપસ, 4.સ્વાધ્યાય અને 5. ઈશ્વરપ્રણિધાન. ભાવિન ભાઈ જણાવે છે કે - આ નિયમો છે જે જીવનને વધુ સરળ અને ખુશહાલ બનાવવામાટે વ્યક્તિએ પાડવા જોઈએ
1. શૌચ : શરીર અને મનને સ્વચ્છ રાખવું
2. સંતોષ: સંતોષી નર સદા સુખી તેવી કહેવત આપણા સમાજમાં પ્રચલિત છે, આવો જ અર્થ આ નિયનમો પણ થાય છે.
3. તપસ: શરીરને સહેજ કષ્ટ આપી તપાવવું, ઉદાહરણ તરીકે આપણે જ ઉપવાસ કરીએ છીએ તે તપસનો ભાગ કહી શકાય
4. સ્વાધ્યાય: સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય. વ્યક્તિ માટે આ નિયમ ખુબ જરૂરી છે. ભાવિન ભાઈ કહે છે કે, " વ્યક્તિએ દરરોજ પોતાના માટે થોડો સમય કાઢવો જ રહ્યો"
5. ઈશ્વરપ્રણિધાન: ભાવિન ભાઈ જણાવે છે કે આ અનિયમનું સરળ અર્થઘટન છે ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવી

Source: Freeimage
અષ્ટાંગયોગનું ત્રીજું અંગ છે આસન:
આપણે સૌ આસનથી અને તેના લાભથી પરિચિત છીએ. ભાવિનભાઈ જણાવે છે કે," આજે આસનો એટલા માટે પ્રચલિત થયા છે કે તેના અભ્યાસ દ્વારા લાંબો સમય નોરોગી જીવન જીવી શકાય છે અને આવરદા દેખાતી નથી. "
અષ્ટાંગયોગનું ચોથું અંગ છે પ્રાણાયામ:
આ અંગ પણ ખુબ પ્રચલિત છે. . પ્રાણાયામ એટલે પ્રાણોની કસરત. કપાલ ભારતી, અનુલોમ વિલોમ્બ જેવા પ્રાણાયમ વધુ લોકપ્રિય છે. પ્રાણાયમનો સરળ નિયમ છે - શ્વાસને અંદર ખેંચવો- શ્વાસને ફેફસામાં રોકી રાખવો-ધીરે-ધીરે શ્વાસને બહાર કાઢવો. શરીરમાં સ્ફૂર્તિ, ચિત્તને એકાગ્ર અને મનને પ્રસન્ન રાખવા માટે પ્રાણાયામ અનિવાર્ય છે.

Source: ShareAlike 2.0 Generic (CC BY-SA 2.0)
અષ્ટાંગયોગનું પાંચમું અંગ છે પ્રત્યાહાર:
ભાવિનભાઈ જણાવે છે કે પ્રત્યાહારનો અભ્યાસ સહેજ અઘરો લાગી શકે. અહીં વ્યક્તિએ પોતાની ઇન્દ્રિઓને કાબુમાં રાખી તેના મૂળ સ્ત્રોત સાથે ફરી જોડાય તે પ્રમાણે વાળવાની છે. ટૂંકમાં આંખો સારું-સારું જુએ , કાન સંગીત સાંભળે વગેરે.
અષ્ટાંગયોગનું છઠ્ઠુ અંગ છે ધારણા:
ધારણા એટલે ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવું.
અષ્ટાંગયોગનું સાતમું અંગ છે ધ્યાન:
ધ્યાન એટલે મેડિટેશન, આજકાલ આ શબ્દ ખુબ જાણીતો બન્યો છે, લોકો આ માટે ક્લાસીસ પણ કરતા હોય છે. પણ ટૂંકમાં ધ્યાન એટલે ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવું .

Source: Freeimages
અષ્ટાંગયોગનું આઠમું અંગ છે સમાધિ:
સમાધિ એ અષ્ટાંગયોગનું છેલ્લું સર્વોચ્ચ સોપાન છે.
અંતમાં ભાવિનભાઈ જણાવે છે કે , " વ્યક્તિને જે અનુકૂળ હોય તે અંગની સાધના કે અભ્યાસ કરીને પૂર્ણ યોગાભ્યાસની શરૂઆત કરવી જોઈએ, એકવખત શરૂઆત કર્યા બાદ વ્યક્તિ જરૂર શ્રેષ્ઠ બની શકે છે, શ્રેષ્ઠ પરિણામો મેળવી શકે છે. "