દિલ્હીમાં પ્રદુષણ તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં ડેન્ગ્યુ જેવી બીમારીઓનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે તેથી વિદેશવાસી ભારતીયોને ભારતની મુલાકાત લેતા અગાઉ ફેમિલી ડોક્ટર પાસેથી સલાહ લેવાની સૂચના છે. ભારતમાં ઉછરેલા લોકો માટે અમુક વર્ષ ઓસ્ટ્રેલિયામાં ગાળ્યા પછી રોગ પ્રતિકારક શક્તિઓ ઓછી થઇ હોવાની શક્યતા વ્યક્ત કરતા સિડની ખાતે પ્રેક્ટિસ કરી રહેલા ડો કમલ પ્રકાશ સિંઘે જણાવ્યું હતું કે ભારત જતા અગાઉ ઓસ્ટ્રેલિયામાં રહેતા પરિવારો પોતાના સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી લે તે હિતાવહ છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત જતી વખતે સામાનમાં જરૂરી દવા પણ લેવી જોઇએ. નાના બાળકો ધરાવતા પરિવારોએ તો વિદેશ પ્રવાસ વખતે વધુ કાળજી રાખવી જરૂરી છે.
બાળકોને યોગ્ય રસી મુકાવો
ડો. સિંઘે જણાવ્યું હતું કે માતા પિતાએ ભારત પ્રવાસ જતા અગાઉ પોતાના બાળકોને યોગ્ય રસી મુકાવવી જરૂરી છે. જેના વિષે તમારા ફેમીલી ડોક્ટર તમને વધુ માહિતી આપી શકશે.
આ ઉપરાંત, વયસ્ક લોકોએ પણ ફ્લુ, ટાઇફોઇડ અને હેપેટાઇટીસ-એ ની રસી મુકવી જરૂરી છે.

Hispanic boy getting a shot at doctor's office Source: Getty Images/JGI/Tom Grill
ગુજરાતમાં ડેન્ગ્યુની પરિસ્થિતી
ગુજરાત સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ડેન્ગ્યુનો રોગ કાબૂમાં આવી ગયો છે અને જાન્યુઆરીથી ઓક્ટોબર મહિના સુધીમાં રાજ્યમાં આઠ લોકોએ આ રોગના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, હજી પણ રાજ્યના કેટલાક ભાગોમાં ડેન્ગ્યુનો કહેર વર્તાય છે. તેથી વિદેશથી ગુજરાત જતા લોકોએ પોતાના આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી બની છે.
ડેન્ગ્યુથી બચવાના ઉપાય
- ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું જોઇએ.
- મચ્છરદાનીનો ઉપયોગ કરવો
- શરીર ઢંકાય તે રીતે યોગ્ય કપડાં પહેરવા.
જો તમે દિલ્હી ઊતરાણ કરવાના હોય...
ડો. સિંઘે જણાવ્યું હતું કે દિલ્હી ઊતરાણ કરવાના હોય તે વખતે N95 ફેસમાસ્ક લગાવવું જરૂરી છે. જેથી દિલ્હીના પ્રદુષણ તથા વાયુજન્ય રોગથી બચી શકાય.
જો તમારા બાળકોને ફેંફસામાં કે અસ્થમાને લગતી કોઇ બિમારી હોય અને તમારું વિમાન દિલ્હી ઉતરાણ કરવાનું હોય તો ફેમિલી ડોક્ટર્સની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, સગર્ભા મહિલાઓએ આગામી બે મહિના સુધી ભારત પ્રવાસ કરવો ન જોઇએ.
Image
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ઉકાળેલું પાણી પીવું, તથા ગરમ ખોરાક આરોગવો, ફળ યોગ્ય રીતે ધોઈને ખાવા અને શાકભાજી યોગ્ય રીતે રંધાયા હોય તેનું ધ્યાન રાખવું.
ડોક્ટરે જણાવ્યું હતું કે જે લોકોને સ્ટ્રીટ ફૂડ અને ભારતીય વાનગી આરોગવાની ઇચ્છા હોય તેમણે એવા સ્થાને જ જવું જોઇએ જ્યાં યોગ્ય સ્વસ્છતા તથા ગુણવત્તાનો ખ્યાલ રાખવામાં આવતો હોય.