ચોથા યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વની સાથે સાથે ઓસ્ટ્રેલિયા પણ યોગના રંગે રંગાયું છે ત્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં ૧૭ જૂન થી ૨૩ જૂન દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં યોગ દિનની ઉજવણી કરાઈ રહી છે.
પર્થમાં માત્ર એક દિવસની ઉજવણી નહીં પરંતુ પાંચથી છ સ્થળોએ તો વર્ષ દરમિયાન નિયમિત યોગાનો અભ્યાસ ચાલે છે.
સામાજિક સંસ્થાઓ દ્વારા ચાલતા યોગા ક્લાસિસમાં દરેક ઉંમરના નાગરિકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ યોગ કલાસ માટે કોઈ ફી લેવાતી નથી.
ભારત સરકારના કોન્સુલેટ જનરલ ઓફિસ તથા આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંયુક્ત રીતે ગવર્નમેન્ટ ગાર્ડન ખાતે ચોથા ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજે 200થી વધુ ભારતીય, ઓસ્ટ્રેલિયન, એશિયન મૂળના લોકોએ વિવિધ આસનો તથા યોગ ધ્યાનનો અભ્યાસ કર્યો હતો.

Yoga session was organised by ISWA in Perth. Source: Amit Mehta
હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા વર્ષ દરમિયાન નિયમિત યોગ ક્લાસ ચાલે છે. ઇન્ડિયન સોસાયટી ફોર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (ISWA) ભૂતપૂર્વ પ્રમુખ રામકૃષ્ણભાઈ બંસલના જણાવ્યા અનુસાર,
"આ યોગા કલાસીસ ડિસેમ્બર ૨૦૧૪થી શરૂ થયા છે. અનૂકુળતા મુજબ વર્ષમાં ત્રણથી ચાર વખત આઠ અઠવાડિયાના એક એવા ત્રણથી ચાર સત્ર યોજવામાં આવે છે. શનિવારે સવારે ૯થી ૧૧.૩૦ દરમિયાન ૬૦ થી ૮૦ લોકો નિયમિત યોગા કરે છે."
જેમાં ૧૦થી ૬૫ ઉંમરના નાગરિકો યોગના અભ્યાસ સાથે સૂર્યનમસ્કાર ઉપરાંત અનેક આસનો કરે છે.
હિન્દુ કાઉન્સિલ દ્વારા શનિવારે વિલેટન પાર્કમાં ૪૫ થી ૫૦ નાગરિકો નિયમિત યોગ કરે છે. આ યોગામાં ૭ વર્ષથી ૭૦ વર્ષના સ્ત્રી-પુરુષો જોડાય છે. આ યોગાના માર્ગદર્શક દામજીભાઇ કોરિયા જણાવે છે કે,

People practicing Yoga in Perth. Source: Amit Mehta
"અહીં અષ્ટાંગ યોગના નિયમ પ્રમાણે યમ, નિયમ, આહાર, પ્રત્યાહાર, આસાન, પ્રાણાયામ, ધ્યાન, સમાધિના સિદ્ધાંતો મુજબ અભ્યાસ કરાવાય છે."
આ ઉપરાંત રવિવારે હેરિસડેલ વિસ્તારમાં ૧૮ વર્ષની આસપાસની વયના યુવાનો માટે, નોર્થ પર્થના ઓસ્બોર્ને પાર્ક વિસ્તારમાં, લેન્સડેલના વારડેલ કોમ્યુનિટી હોલમાં અને લેક મોંગરની પ્રાયમરી સ્કૂલમાં વિના મુલ્યે યોગા ક્લાસ ચાલે છે અને હવે તેની લોકપ્રિયતા વધતી જાય છે.

Yoga session at the Willeton Park in Perth. Source: Amit Mehta
"આ યોગામાં યમ-નિયમના પ્રથમ સિદ્ધાંતો તથા ત્રણ મુખ્ય સિદ્ધાંતની સત્ય , અહિંસા, ચોરીમાંથી એકનો અઠવાડિયા દરમિયાન પાલન કરશે એવો સંકલ્પ લેવાય છે અને તેને પાળવાનો પ્રયત્ન કરાય છે. બીજા અઠવાડિયે આ નિયમ પાળવા અંગે થયેલા અનુભવ વહેંચવામાં આવે છે."
જેમ કે ખોટું બોલવાથી લઇને માનસિક કે નાની શારીરિક હિંસા ઉપરાંત અન્ય રોજિંદા કાર્યોમાં જાણતા - અજાણતા ખોટું કામ થયું હોય તો તેની પણ ચર્ચા કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે હવે ૨૧ તારીખે ગુરુવારે સાંજે વાંગારા વિસ્તારના સ્વામિનારાયણ મંદિર માં, ૨૪મીએ રવિવારે હિન્દુ કાઉન્સિલ દ્વારા સવારે ૯.૩૦ થી ૧૧ દરમિયાન વનેરૂ રિક્રિએશન સેન્ટર ખાતે યોગાનું આયોજન કરાયું છે.