વિક્ટોરીયાના મેલ્બર્ન શહેરમાં એરપોર્ટ પાસે આવેલી હોલિ-ડે ઇન હોટલ સાથે સંકળાયેલા કોરોનાવાઇરસના કેસની સંખ્યા 13 થઇ જતા રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે સ્ટેજ 4ના કડક લોકડાઉનની જાહેરાત કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાવાઇરસના નવા 5 કેસ જોવા મળ્યા છે.
શુક્રવાર 12મી ફેબ્રુઆરી રાત્રે 11.59 વાગ્યાથી બુધવાર 17મી ફેબ્રુઆરી રાત્રે 11.59 વાગ્યા સુધી 5 દિવસ વિક્ટોરીયામાં લોકડાઉન અમલમાં રહેશે.
જે અંતર્ગત નીચે પ્રમાણેના પ્રતિબંધો અમલમાં રહેશે...
- અન્ય ઘરની કોઇ પણ વ્યક્તિ મુલાકાત લઇ શકશે નહીં.
- ઘરથી ફક્ત 5 કિલોમીટરના અંતરમાં જ ફરી શકાશે.
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, સાર સંભાળ લેવા કે આપવા, કસરત અથવા અભ્યાસ કે નોકરી સિવાયના ચાર કારણોસર ઘર છોડી શકાશે નહીં.
- ઇન્ડોર અને આઉટડોરમાં ફેસમાસ્ક પહેરવું ફરજિયાત રહેશે
- સુપરમાર્કેટ્સ, બોટલ શોપ તથા દવાની દુકાન સિવાયના તમામ રીટેલ સ્ટોર બંધ રહેશે.
- હોસ્પિટાલિટીમાં ફક્ત ટેક - અવેની સુવિધા જ આપી શકાશે.
- ઘરેથી કાર્ય કરતા કર્મચારીઓએ ઘરેથી જ કાર્ય કરવું.
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી સેવામાં કાર્ય કરતા કર્મચારીઓના બાળકો માટે સોમવાર, મંગળવાર અને બુધવારે શાળા ચાલૂ રહેશે. અન્ય બાળકો માટે શાળા બંધ રહેશે.
- ચાઇલ્ડહૂડ અને અર્લી ચાઇલ્ડહૂડ સેન્ટર ચાલૂ જ રહેશે.
- જાહેર મેળાવડા આયોજિત થઇ શકશે નહીં
- ધાર્મિક ક્રિયાઓ અને લગ્ન સમારંભોને પરવાનગી નહીં.
- અંતિમ સંસ્કારમાં ફક્ત 10 લોકો જ ભેગા થઇ શકશે.
- જીમ, સ્કૂલ, કમ્યુનિટી સેન્ટર્સ, લાઇબ્રેરી, મનોરંજનના સ્થળો બંધ કરવાનો આદેશ.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ યથાવત્ જ રહેશે પરંતુ તેમાં કોઇ પ્રેક્ષકને પ્રવેશ મળશે નહીં.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે જણાવ્યું હતું કે, અગાઉથી જ ઉડાન ભરેલી ફ્લાઇટ્સ સિવાય અન્ય કોઇ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને વિક્ટોરીયા પ્રવેશની મંજૂરી આપશે નહીં.

