એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા વધુ વાઇન આપવાની મનાઇ ફરમાવતા ગુસ્સે થયેલી હ્યુમન રાઇટ્સ વકીલે સ્ટાફ સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરીને તેમને અપશબ્દો બોલ્યા હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઇ છે.
વીડિયોમાં દેખાયા પ્રમાણે, આઇરીશ મહિલા એર ઇન્ડિયાના સ્ટાફ સાથે ઉંચા અવાજમાં તેમને ધમકાવી રહી હોય તેમ જણાઇ રહ્યું છે. તેણે પોતાની ઓળખ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ વકીલ તરીકેની આપતા એર ઇન્ડિયાના કર્મચારીઓને જણાવ્યું હતું કે, "હું તમારા જેવા લોકો માટે કામ કરી રહી છું, રોહિંગ્યાસ, એશિયન લોકો માટે ચાર વર્ષથી કામ કરુ છું. તે માટે મેં એક પણ પૈસો લીધો નથી."
"અને, તમે મને વાઇનનો એક ગ્લાસ આપી રહ્યા નથી, શું આ યોગ્ય છે?"
એર ઇન્ડિયાનો બહિષ્કાર કરવાની ધમકી
ત્યાર બાદ તે મહિલાએ વાઇન આપવાની ના પાડવા બદલ એર ઇન્ડિયાનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેણે એર ઇન્ડિયાના સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા.
જ્યારે કોઇએ તેને જણાવ્યું કે તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે ત્યારે તે ફરીથી ગુસ્સે થઇ ગઇ હતી.

"હું હ્યુમન રાઇટ્સની વકીલ છું, હું આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ બાબતની વકીલ છું. તમને શું લાગે છે હું ડરી ગઇ છું? તમે મને કાર્યવાહીની ધમકી આપો છો?"
અપશબ્દો બોલ્યા બાદ તે પોતાની બિઝનેસ ક્લાસની સીટ પર જઇને બેસી ગઇ હતી.
આ ઘટના 10મી નવેમ્બરે એર ઇન્ડિયાના મુંબઇથી લંડન જતા વિમાન AI 131 માં બની હતી. લંડન એરપોર્ટ પર ઊતરાણ કર્યા બાદ તે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, તે મહિલાએ નક્કી કરેલી માત્રાથી વધુ પ્રમાણમાં દારૂનું સેવન કર્યું હતું. તેણે રેડ વાઇનની ચાર બોટલ પીધી હતી. ત્યાર બાદ પણ તેણે વધુ વાઇનની માંગ કરતાં સ્ટાફે તેને મનાઇ ફરમાવી હતી.
ગુસ્સે થયેલી મહિલાએ સ્ટાફની પરવાનગી લીધી વિના જાતે જ ઉભા થઇને વાઇનની બોટલ લઇ લીધી હતી.
વારંવાર ચેતવણી આપવા છતાં પણ તે શાંત થઇ નહોતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રીપોર્ટ્સ પ્રમાણે, તેણે એર ઇન્ડિયાના કર્મચારીનો હાથ મરોડ્યો હતો અને તેને ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ તેની સાથે ઝઘડો કર્યો હતો.

