ઓસ્ટ્રેલિયાના ચાર રાજ્યો – વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયામાં તાપમાન અને પવનના કારણે બુશફાયરની પરિસ્થિતી વધુ ખરાબ થઇ છે. અને આ સ્થિતી નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી ચાલૂ રહે તેવી શક્યતા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચાર રાજ્યોમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક છે અને તેના કારણે ફક્ત ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જ 900 ઘર બળીને ખાખ થઇ ગયા છે. નુકસાનના આંકડા વધે તેવી શક્યતા છે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સધર્ન રેન્જીસ, ઇલવારા અને તેની આસપાસના વિસ્તારોમાં બુશફાયરના કારણે ઘણું નુકસાન થયું છે અને ભારે પવનના કારણે રાજ્યની પૂર્વ બાજુએ દરિયા કિનારે આવેલા સ્થળો પર આગ ફેલાય તેવી શક્યતા છે.
વિક્ટોરિયા
બીજી તરફ વિક્ટોરિયામાં, પૂર્વ બાજુએ લાગેલી આગના કારણે પરિસ્થિતી વણસી છે. રાજ્યના ઇસ્ટ ગીપ્સલેન્ડ વિસ્તારમાં 200,000 હેક્ટર્સ જમીન આગની ઝપેટમાં આવી ગઇ છે.
સોમવારે સાંજે વધુ ગરમીના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઇ અને એક જ દિવસમાં 60 ટકા જેટલા વિસ્તારને આવરી લીધો હતો. હાલમાં, લગભગ 1000 જેટલા ફાયરફાઇટર્સ આગ બુઝાવવા માટે કામ કરી રહ્યા છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
વાતાવરણ ઠંડુ થતાં સાઉથ ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલી આગને કાબુમાં લાવવામાં ફાયરસર્વિસને થોડી મદદ મળી છે. જોકે, કાંગારુ આઇલેન્ડ આસપાસના વિસ્તારોમાં હજી પણ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના અપાઇ રહી છે.
અત્યાર સુધીમાં આગના કારણે કોઇ મકાન કે મિલકતને નુકસાન થયું હોય તેવા એક પણ અહેવાલ આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે સાઉથ ઓસ્ટ્રેલિયામાં લગભગ 120થી પણ વધુ સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જેના કારણે કંટ્રી ફાયર સર્વિસે 600 સ્વયંસેવકો અને 150 ફાયર ટ્રક ઘટના સ્થળે મોકલવી પડી હતી.
તાસ્માનિયા
તાસ્માનિયામાં સોમવારે પેલહામ તથા રાજ્યના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં લાગેલી આગના કારણે પરિસ્થિતી વણસી શકે તેમ હતી પરંતુ મોડી સાંજે ઠંડા વાતાવરણ અને વરસાદના કારણે આગ કાબૂમાં આવી ગઇ હોવાના અહેવાલ છે.
જોકે, કોઇ સ્થળે આગ લાગી છે કે કેમ તે અંગે મંગળવારે પણ નજર રાખવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
Share


