ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુક પર લાઇક્સની સંખ્યા છુપાવી દેવાનો પ્રયોગ શુક્રવાર 27મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. એટલે કે હવે અન્ય યુઝર્સને જે-તે વ્યક્તિને તેણે કરી પોસ્ટ પર કેટલી લાઇક્સ મળી તેનો ચોક્કસ આંકડો જોવા મળશે નહીં.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા પણ કેટલાક દેશોમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને હવે, ફેસબુક દ્વારા આ પ્રયોગ ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત થઇ રહ્યો છે
વર્ષ 2019ના જુલાઇ મહિનાથી સાત દેશોમાં ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટ પર લાઇક્સની સંખ્યા દેખાતી બંધ થઇ ગઈ છે . જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે.
તે સમયે ફેસબુકે પણ જાહેરાત કરી હતી કે ઇન્સ્ટાગ્રામની જેમ ફેસબુક એકાઉન્ટ્સમાં પણ લાઇક્સની સંખ્યા નહિ દેખાડવાનો પ્રયોગ કરવામાં આવશે

Source: Pixabay Simon Steinberger
લાઇક્સ નહીં જોઇ શકાય
ફેસબુક દ્વારા કરવામાં આવેલા સુધારા પ્રમાણે હવે ફક્ત જે યુઝરે પોસ્ટ કરી હશે તે જ વ્યક્તિ તેની પોસ્ટ પર કેટલી લાઇક્સ અને કોમેન્ટ્સ જોઇ શકશે. તમામ લોકોને હવે કુલ લાઇક્સની સંખ્યા જોવા મળશે નહીં. આ ઉપરાંત, વીડિયો જોનારા લોકોની સંખ્યા પણ ફક્ત વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિ જ જોઇ શકશે.
માનસિક તણાવથી બચાવવા સુધારો કરાયો
કેટલાક કિસ્સામાં ફેસબુક પર વિવિધ ઉંમરના લોકોમાં એકબીજાની પોસ્ટ પર કેટલી લાઇક્સ મળી તે જાણવા સ્પર્ધા જામી હોય છે અને તેના કારણે તેમનામાં માનસિક તણાવ વધી શકે છે.
એકબીજા પ્રત્યે લાઇક્સ મેળવવામાં હોડ ન જામે અને માનસિક તણાવ પેદા ન થાય તે માટે ફેસબુકે કુલ લાઇક્સ ન દેખાય તે માટે સુધારો કર્યો છે.
ફેસબુક ઓસ્ટ્રેલિયાના નીતિ નિયામકે આ અંગે જણાવ્યું હતું કે અમે આ પરિવર્તનથી લોકોમાં ખાસ કરીને યુવાનોમાં માનસિક તણાવના પ્રશ્નો ઓછા થશે એવી આશા રાખીએ છીએ.

Social media apps Facebook, Twitter and Instagram Source: AAP
તેમણે વધુમાં નોંધ્યું હતું કે લાઇક્સ અને કોમેન્ટ્સની સરખામણી કરવાના બદલે, લોકો હવે પોસ્ટમાં શેર કરેલી વાત પર ધ્યાન આપશે.
જોકે, આજથી શરૂ થયેલો આ ટ્રાયલ કેટલો સમય ચાલશે કે પછી કાયમ માટે રહેશે તેની ફેસબુકે ચોખવટ કરી નહોતી.
Share



