ઓસ્ટ્રેલિયામાં ફેર વર્ક કમિશને અઠવાડિયે 18.80 ડોલરના પગાર વધારાની જાહેરાત કરતા હવે લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ વેતન મેળવી શકશે.
ફેર વર્ક કમિશને રાષ્ટ્રીય ન્યૂનત્તમ વેતનમાં 2.5 ટકાનો વધારો કરતા દર કલાકે 20.33 ડોલર તથા અઠવાડિયે 772.60 ડોલરની આવક થશે.
એવિયેશન, ફિટનેસ, ટુરિઝમ તથા અમુક રીટેલ ક્ષેત્રોમાં કાર્ય કરતા કર્મચારીઓને આ લાભ 1લી નવેમ્બર સુધી નહીં મળે.
સામાન્ય રીટેલ ક્ષેત્રોમાં કાર્ય કરતા કર્મચારીઓને તેમના વેતનમાં વધારા માટે 1લી સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે.
બાકીના 2.3 મિલીયન કર્મચારીઓનો રાષ્ટ્રીય લઘુત્તમ વેતન દર 1લી જુલાઇથી વધશે.
કમિશનના પ્રમુખ ઇયાન રોસે જણાવ્યું હતું કે, કોવિડ-19ની મહામારી બાદ ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર બેઠું થઇ રહ્યું છે પરંતુ હાલમાં દેશમાં વધી રહેલા કોરોનાવાઇરસના કેસના કારણે જોખમ ટળ્યું નથી.
આ ઉપરાંત, સુપરએન્યુએશનના દરમાં પણ 1લી જુલાઇથી વધારો થઇ રહ્યો છે. જે અંતર્ગત હવે સુપરએન્યુએશનને 10 ટકા કરવામાં આવ્યું છે.
યુનિયન્સે 3.5 ટકાનો વધારો એટલે કે અઠવાડિયે 26 ડોલરના વધારાની માંગ કરી હતી.

Fair Work announces $18.80-a-week minimum wage increase for lowest-paid workers. Source: AAP Image/Dan Peled
ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સના સેક્રેટરી સેલી મેકમનૌસે જણાવ્યું હતું કે રીટેલ ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓને આગામી 1લી જુલાઇથી વેતનમાં વધારો મળશે નહીં તે નિરાશાજનક છે.
વર્ષ 2020માં રાષ્ટ્રીય ન્યૂનત્તમ વેતન 1.75 ટકાના દરથી વધ્યો હતો એટલે કે 19.84 ડોલર પ્રતિ કલાક પ્રમાણે કર્મચારીને દર અઠવાડિયે 753.80 ડોલરનું વેતન મળતું હતું. વર્ષ 2020ની સરખામણીમાં 2021-22 માં વેતનના દરમાં વધારો કરાયો છે.
સરકારે વેતનમાં વધારો કરવાના દરનો બચાવ કરતા જણાવ્યું હતું કે જો વધારો કરવામાં આવશે તો કોરોનાવાઇરસની મહામારીમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા નાના વેપાર ઉદ્યોગોને વધુ અસર પહોંચશે.