ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, જૂન ક્વાર્ટર દરમિયાન ઓસ્ટ્રેલિયન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) માં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જે ત્રિમાસિક સત્રનો સૌથી મોટો ઘટાડો છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના હેડ ઓફ નેશનલ એકાઉન્ટ્સ માઇકલ સ્મેડ્સે જણાવ્યું હતું કે વર્ષ 1959માં જ્યારથી જીડીપીની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો છે.
આંકડા પ્રમાણે, માર્ચ સુધીના ત્રણ મહિનામાં પણ GDP 0.3 ટકા સુધી ઘટ્યો હતો. એટલે કે, ઓસ્ટ્રેલિયાએ સતત બે ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિનો સામનો કર્યો છે. જે મંદી માટેનો સામાન્ય માપદંડ છે.
ઓસ્ટ્રેલિયામાં ત્રણ દાયકાની સૌથી મોટી મંદી જાહેર થયા બાદ ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારીની ઓસ્ટ્રેલિયન અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે અને સતત 28 વર્ષથી દેશમાં નોંધાઇ રહેલી આર્થિક વૃદ્ધિનો સત્તાવાર રીતે અંત આવ્યો છે.

Prime Minister Scott Morrison and Treasurer Josh Frydenberg during Question Time at Parliament House in Canberra. Source: AAP
જોકે, કેન્દ્રીય સરકારે કોરોનાવાઇરસની મહામારી દરમિયાન દેશના રહેવાસીઓને સહયોગ આપવા માટે શક્ય તમામ પગલાં લીધા હોવાનું ફ્રેડનબર્ગે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સની તુલનામાં સખત લોકડાઉન અમલમાં મૂક્યું નહોતું અને પોતાની રીતે એક અલગ રસ્તો અપનાવીને બિલિયન ડોલરના સહાય પેકેજની મદદથી દેશના રહેવાસીઓને મદદ કરી હતી, તેમ ફ્રેડનબર્ગે ઉમેર્યું હતું.
કોરોનાવાઇરસના લોકડાઉનની અસર
કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે વેપાર ઉદ્યોગોને મોટી અસર પહોંચી છે. જેના લીધે સૌથી મોટો ઘટાડો ખાનગી ક્ષેત્રોમાં નોંધાયો છે.
ઘરેલું વપરાશમાં 12.1 ટકાનો ઘટાડો જ્યારે વાહન વ્યવહાર, હોટલ, કેફે, રેસ્ટોરન્ટ્સ જેવી વિવિધ સર્વિસના ઉપયોગમાં 17.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કોરોનાવાઇરસનો ફેલાવો ન થાય તે માટે વિવિધ પ્રતિબંધો અમલમાં મૂકાયા અને પરિવારોએ વિવિધ સર્વિસનો ઉપયોગ ઓછો કરી ઘરેલું ખર્ચમાં કાંપ મૂકતા જૂન ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો છે, તેમ સ્મેડ્સે ઉમેર્યું હતું.
નવા આંકડા પ્રમાણે, આ સમયગાળા દરમિયાન વેતનમાં 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જ્યારે, દેશમાં મોટી સંખ્યામાં લોકો બેરોજગારીના લાભો પર નિર્ભર રહ્યા હોવાથી વિવિધ સહાય પેકેજની ચૂકવણીમાં 41.6 ટકાનો વધારો નોંધાયો છે.
બુધવારે રજૂ કરવામાં આવેલા આંકડા અગાઉ, નાણા મંત્રી મેથિહાસ કોર્મેને જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારી દરમિયાન અર્થતંત્ર પર આવેલા સંકટ સામે ઓસ્ટ્રેલિયાએ વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણો સારો મુકાબલો કર્યો છે.
ઓસ્ટ્રેલિયામાં જોબકિપર સહાય પેકેજને વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી 1500 ડોલરની ચૂકવણીનો સપ્ટેમ્બર મહિનામાં અંત આવી રહ્યો છે.
કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ તે અગાઉ અઠવાડિયામાં 20થી ઓછા કલાક કાર્ય કરતા કર્મચારીઓને પખવાડિયે 750 ડોલરની ચૂકવણી થશે જ્યારે અન્ય લોકોને 1200 ડોલર ચૂકવવામાં આવશે.