ન્યૂ સાઉથ વેલ્સ સરકારે રાજ્યના રહેવાસીઓ માટે મફતમાં પ્રી-સ્કૂલની સેવા ચોથા સત્ર સુધી લંબાવી છે.
મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એન્ડ અર્લી ચાઇલ્ડહુડ લર્નિંગ સારાહ મિચેલે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, એક સંશોધન પ્રમાણે, શાળામાં પ્રવેશતા અગાઉ જો બાળક એક વર્ષમાં 600 કલાક જેટલો સમય પ્રી-સ્કૂલના વાતાવરણમાં પસાર કરે તો તેમને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં તે ઘણું લાભદાયી નીવડે છે.
તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસના કારણે મોટી સંખ્યામાં પરિવારો આર્થિક મુશ્કેલી સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમય દરમિયાન બાળકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ અને સંભાળ મેળવે તે પણ જરૂરી છે.
ટ્રેઝરર ડોમિનિક પેરોટેટે જણાવ્યું હતું કે, આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોને સરકારના આ નિર્ણયથી રાહત થશે અને બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થશે.
સરકારના આ ફંડ દ્વારા પ્રી-સ્કૂલને તેમની સેવાઓ યથાવત્ રાખવામાં મદદ મળશે અને જો બાળકોની સંખ્યામાં ઘટાડો થશે તો પણ પ્રી-સ્કૂલની સેવા બંધ થશે નહીં.
યોગ્ય લાયકાત ધરાવતી પ્રી-સ્કૂલ રાહત ફંડ મેળવવા હકદાર પણ બનશે. હાલમાં ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રી-સ્કૂલને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે પરંતુ જાહેર કરવામાં આવેલી નવી સહાય તેમને બાળકોની ફી અથવા સંખ્યા ઓછી થાય તેવી પરિસ્થિતીમાં મદદરૂપ બનશે.