વિક્ટોરીયાના રહેવાસીઓ ક્રિસમસ તથા ન્યૂ યરના દિવસે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાનો મફતમાં ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે લોકો તેમના પરિવારજનો અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
એક નિવેદનમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ક્રિસમસના દિવસે, મેટ્રોપોલિટન અને રીજનલ પબ્લિક ટ્રાન્સપોર્ટ જાહેર રજાના દિવસના સમય પત્રક પ્રમાણે કાર્યરત રહેછે અને સવારના રાત્રીના 3થી બોક્સિંગ ડેના 3 રાત્રીના 3 વાગ્યા સુધી રાજ્યના રહેવાસીઓ મફતમાં મુસાફરી કરી શકશે.
આ ઉપરાંત નાઇટ નેટવર્કની સુવિધા પણ સમગ્ર રાત્રી દરમિયાન કાર્યરત રહેશે.
myki નો ઉપયોગ કરતા મુસાફરોએ પ્લેટફોર્મમાં પ્રવેશતી તથા છોડતી વખતે તેને touch on અને off કરવાની જરૂર નહીં પડે. V/Line નો વપરાશ કરતા લોકોએ અમુક ચોક્સ સર્વિસમાં તેમની મુસાફરીની નોંધણી કરાવવી પડશે પરંતુ તેમને તે ટિકીટ મફતમાં આપવામાં આવશે.

Source: AAP
નવા વર્ષની પૂર્વસંધ્યાએ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી 1લી જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી તમામ ટ્રેન, ટ્રામ અને બસની સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોનાવાઇરસના કારણે વિક્ટોરીયામાં જાહેર સ્થળો પર લોકોના ભેગા થવા પર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેથી જ, રાજ્યના રહેવાસીઓને વધુ ભીડ થાય તેવા સ્થળો પર નહીં જવાની ભલામણ કરાઇ છે.
મેલ્બર્નના શહેરી વિસ્તારમાં આતશબાજી તથા અન્ય કોઇ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી આ વર્ષે ઓછી સંખ્યામાં લોકો શહેરમાં આવે તેવું અનુમાન છે.
લોકો ખાનગી રીતે મેળાવડા કરી શકે તેવી શક્યતા વચ્ચે નવા વર્ષની પૂર્વસંધ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત, મધ્યરાત્રી બાદ કેટલીક વધારાની સર્વિસ શરૂ કરાશે.

Metro Trains Melbourne Source: AAP
રાજ્ય સરકાર ભાડામાં વધારો નહીં કરે
વર્ષ 2020માં કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ષ 2021માં જાહેર વાહનવ્યવહારની સુવિધામાં ભાડું નહીં વધારવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2020 દરમિયાન કોરોનાવાઇરસના કારણે રાજ્યના પરિવારોને નાણાકિય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેથી જ, તેને ધ્યાનમાં રાખીને myki,તમામ રીજનલ ભાડા અને પાસમાં આ વર્ષે કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. અને, વર્ષ 2020ના નક્કી કરેલા દર પ્રમાણે જ મુસાફરી કરી શકાશે.
આ ઉપરાંત, કોરોનાવાઇરસનો ફેલાવો ન થાય તે માટે જાહેર વાહનવ્યવહારના ઉપયોગ દરમિયાન માસ્ક પહેરવાની રાજ્ય સરકારે અપીલ કરી છે.
Share

