ન્યૂ સાઉથ વેલ્સમાં આજથી સતત 12 દિવસ સુધી જાહેર વાહનવ્યવહાર (પબ્લિક ટ્રાન્સપોર્ટ)ની સેવા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ સેવા એપ્રિલ 14થી શરૂ થઇ છે અને, Anzac Day 25મી એપ્રિલ સુધી સતત 12 દિવસ તે લાગૂ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાજ્ય સરકાર તથા રેલ યુનિયન વચ્ચે પગારના મુદ્દે ચાલી રહેલા વિવાદના કારણે 24 કલાક સુધી ટ્રેન નેટવર્કને બંધ કરવાની ફરજ પડી હતી.

ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ મંત્રી ડેવિડ એલિયટે જણાવ્યું હતું કે, અર્થતંત્રને વેગ આપવા તથા વધુ લોકો શહેરમાં વિવિધ સ્થળોની મુલાકાત લે તે હેતૂ સાથે વેપાર - ઉદ્યોગોએ માંગ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે મફત ટ્રાન્સપોર્ટ ન્યૂ કાસલથી બ્લ્યૂ માઉન્ટન્સ તથા સાઉથ કોસ્ટ સુધી અમલમાં રહેશે.
જેમાં ટ્રેન, બસ તથા ફેરીનો સમાવેશ થાય છે. જોકે, મફત સેવામાં ખાનગી ફેરી, એરપોર્ટ લાઇન તથા પોઇન્ટ ટુ પોઇન્ટ બસ સર્વિસનો સમાવેશ થયો નથી.
સેવાનો લાભ કેવી રીતે મેળવી શકાશે
ગ્રાહકોએ મફત મુસાફરીનો લાભ લેવા માટે 14 એપ્રિલ (સવારે 4 વાગ્યાથી) થી 26 એપ્રિલ (સવારે 3.59 વાગ્યા) સુધી સામાન્ચ રીતે તેમનું ઓપલ કાર્ડ ટચ ઓન - ઓફ કરવું જરૂરી રહેશે.
મુસાફરો ઓપલ કાર્ડ ઉપરાંત, અમેરિકન એક્સપ્રેસ, માસ્ટર કાર્ડ તથા વિસા કાર્ડનો પણ ઉપયોગ કરી શકશે.

Park & Ride કાર પાર્ક્સમાં મફત પાર્કિંગ
Transport Park & Ride કાર પાર્ક્સ ખાતે મુસાફરો 18 કલાક સુધી મફતમાં પાર્કિંગ કરી શકશે. જોકે, તેમણે ઓપલ કાર્ડ અથવા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ટચ ઓન- ઓફ કરવું જરૂરી રહેશે.
જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ નહીં કરનારા તથા 18 કલાકથી વધુ સમય માટે કાર પાર્ક કરનારા મુસાફરોએ ફી આપવી પડશે.
ન્યૂ સાઉથ વેલ્સ રેલ, ટ્રામ, બસ યુનિયને અગાઉ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રાહકોને જૂન મહિના સુધી દરેક શુક્રવારે મફત સેવા ઉપલબ્ધ કરાવે તે માટે ઇન્ડ્રસ્ટ્રીયલ એક્શન પણ લેવાઇ શકે છે.
સરકારે મુસાફરોને અગાઉ હડતાલના કારણે ભોગવવી પડેલી મુશ્કેલીના કારણે 12 દિવસ સુધી ટ્રાન્સપોર્ટની મફત સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે, તેમ મંત્રી એલિયટે જણાવ્યું હતું.

