હાલમાં ગુજરાતમાં કોઈપણ પ્રકારની મોટી બીમારી ન હોય તેવા 2500 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે તેમના હ્ર્દયની ઉંમર એમની ઉંમર કરતા 10 વર્ષ વધુ છે.
યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના તબીબો દ્વારા ‘Are Gujarati Asian Indians older for their vascular age as compared to their chronological age?’ શીર્ષક હેઠળ એક અભ્યાસ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય તબીબી જર્નલ QJM, ઓસફોર્ડ યુનિવર્સીટી દ્વારા પ્રકશિત કરવામાં આવે છે તેમાં આ અભ્યાસ વિગતવાર રજુ કરવામાં આવ્યો છે. આ અધ્યયનના પ્રમુખ તરીકે યુ એન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટના એસોસિયેટ પ્રોફેસર ડો. કમલ શર્મા રહ્યા હતા, જયારે ડો. સાહુ, ડો.કે એચ શાહ, ડો. એ કે પટેલ, ડો. એન ડી જાદવ, ડો. એમ એમ પરમાર અને ડો. કે એચ પટેલ ટીમના સભ્ય હતા.
આ અધ્યયનના પ્રમુખ અને યુ એન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટના એસોસિયેટ પ્રોફેસર ડો. કમલ શર્મા જણાવે છે કે, આ અભ્યાસમાં પોતાના સ્વાસ્થ્ય સ્ટેટ્સ અંગે જાણવા 2,500 જેટલા સ્વસ્થ લોકો એ ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું કે , "હ્ર્દયની વાસ્કયુલર ઉંમર ફ્રેમિંગહામ વાસ્કયુલર એજ કેલ્ક્યુલેટર દ્વારા માપી શકાય છે. આ સાથે બ્લડ પ્રેશર, વધુ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, મેદસ્વીતા અને ધુમ્રપાન જેવા મુખ્ય જોખમો અંગે પણ માહિતી મેળવી શકાય છે."

Source: ahajournals.org
યુરોપમાં ફ્રેમિંગહામ કેલ્ક્યુલેટરની મદદથી કોકેશિયન સમુદાયના લોકો પર મોટાપાયે અધ્યયન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના હ્ર્દય અને શારીરિક ઉંમર સમાન છે તેવું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના અધ્યયનો વિચાર ક્યાંથી આવ્યો તે અંગે ડો. શર્મા જણાવે છે કે, " પાછળના કેટલાક વર્ષોમાં હ્રદયરોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 40% ની વૃદ્ધિ થઇ છે, આ પરિસ્થિતિ એલાર્મિંગ છે. વળી, આમાંના મોટાભાગના દર્દીઓની ઉંમર 30 થી 40 વર્ષની છે. અમને લાગ્યું કે ગુજરાતીઓના હ્ર્દયની ઉંમર ઝડપથી વધી રહી છે અને અમારા આ અંદાજને કમ્ફર્મ કરવા આ અભ્યાસ હાથ ધર્યો."
આ દરમિયાન ભાગ લેનાર લોકોના શરીરના મુખ્ય અંગોને રક્ત પહોંચાડતી રક્તવાહિનીઓ સમય કરતા વહેલી વૃદ્ધ થતી હોવાનું જાણવા મળ્યું.
ગુજરાતીઓએ આ બાબત ગંભીરતાથી લેવી
ડો. શર્મા જણાવે છે કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતીઓમાં હ્ર્દયની ઉંમર વધવા પાછળ કોલેસ્ટ્રોલનું ઉંચુ પ્રમાણ (60%), હાઈ બી પી (57%) અને કમરના ઘેરાવામાં થયેલ વધારો (પુરુષોમાં - 40% અને મહિલાઓમાં 29%) કારણભૂત છે.
અંતમાં ડો શર્મા જણાવે છે કે આ અભ્યાસથી જે નિર્દેશ મળે છે તે એમ છે કે ગુજરાતીઓએ હ્ર્દયને લગતી કોઈપણ પરિસ્થિતિને હળવાશથી ન લેવી. 30 વર્ષના દાયકામાં આયુ ધરાવતા લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું, નિયમિત રીતે આ વયજૂથના અને એથનિક જૂથના લોકોએ સ્ક્રીનિંગ કરાવવું સલાહભર્યું છે.
Share

