ભારતના ગુજરાત રાજ્યમાં 9મું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું 18થી 20 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના લગભગ 135 દેશોના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા મોટા, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોએ ભાગ લીધો હતો અને ગુજરાત તથા ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી કરીને વેપાર - રોજગાર વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના ગવર્નર ડેવિડ હર્લેએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં હાજરી આપી હતી અને જ્યાં ગુજરાત, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોની પાર્ટનરશીપ અંગે ચર્ચા કરી હતી.
ગવર્નર ડેવિડ હર્લેએ તેમની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના ગવર્નર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રીઓની મુલાકાત કરીને ન્યૂ સાઉથ વેલ્સની ગુજરાત સાથે શિક્ષણ, ટેક્નોલોજી તથા વેપાર - ઉદ્યોગો વિશે રહેલી સંભાવનાઓ અંગે વાતચીત કરી હતી.

ડેવિડ હર્લેએ પોતાની મુલાકાત અંગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ પાસે કૌશલ્ય અને નવીનતાના માધ્યમથી પરસ્પર ભાગીદારી નોંધાવવાની તક રહેલી છે અને તે રાજ્યોના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે લાભદાયી છે. ડેવિડ હર્લેએ વેસ્ટર્ન સિડની એરોટ્રોપોલીસના નિર્માણમાં ભારતીય તથા ઓસ્ટ્રેલિયન કંપનીઓ પાસે રહેલી તક અંગે પણ વિશેષ રસ દાખવ્યો હતો.
હર્લેએ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનું એક અગત્યનું ક્ષેત્ર પણ ગણાવીને વોકેશનલ ટ્રેનિંગ, ટેરીટરી એજ્યુકેશન, ઓનલાઇન એજ્યુકેશન જેવી ભારતની વિવિધ જરૂરિયાતો અંગે પણ પોતાના સહયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ન્યૂ સાઉથ વેલ્સના ગર્વનર ડેવિડ હાર્લે સાથેની પોતાની બેઠક દરમિયાન ડિફેન્સ ક્ષેત્ર, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાના ક્ષેત્રોમાં સાથે મળીને વધુ ઉજ્જવળ સંભાવનાઓનો અનુરોધ કર્યો હતો.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોની તજજ્ઞતાનો લાભ વાયબ્રન્ટ સમિટમાં તેના ભાગીદાર થવાથી મળશે.
મુખ્યમંત્રીએ ગુજરાતની જી.એફ.એસ.યુ તેમજ સ્પોર્ટ્સ યુનિવસિર્ટી ને ઓસ્ટ્રેલિયાના કૌશલ્યનો લાભ મળે છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગની સંભાવનાઓને અવકાશ છે.
ડેવિડે હાર્લેએ પણ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ તૈયાર કરેલી ઇન્ડિયા ઇકોનોમિક સ્ટ્રેટેજી 2035માં ઓસ્ટ્રેલિયા માટે પ્રાધાન્ય ધરાવતા રાજ્યોમાં ગુજરાતને સ્થાન અપાયું છે.
વાઇબ્રન્ટ ગુજરાત 2019 સમિટમાં 28,360 એમઓયુ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત 2019 સમિટના ત્રણ દિવસ દરમિયાન 28,360 એમઓયુ (Memorandum of Understanding) થયા હતા.
જેમાં સૌથી વધુ 21,889 એમઓયુ લઘુ તથા મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં થયા હતા. 1516 એમઓયુ અર્બન ડેવલોપમેન્ટ, 977 મિનરલ બેઝ્ડ પ્રોજેક્ટ્સ, 477 એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ તથા 197 એન્જીનીયરીંગ - ઓટો ક્ષેત્રમાં થયા હતા. વર્ષ 2017માં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 25,578 એમઓયુ નોંધાયા હતા.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવિધ કંપનીઓ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાના કારણે લગભગ 21 લાખ જેટલી રોજગારીની તકો ઉભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

