ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉનો માહોલ જોઈએ તો વડાપ્રધાન દ્વારા લગભગ દર અઠવાડિયે કોઈને કોઈ કાર્યક્રમ માટે ગુજરાતના ચક્કર, ચૂંટણીલક્ષી વચનોની ભરમાર, જુદી જુદી જ્ઞાતિ કે સમાજના આગેવાનોને પોતાની પડખે લેવા બોલતા ભાવતાલ, સામસામી આક્ષેપબાજી અને આ બધા વચ્ચે મોંઘવારી, બેરોજગારી તથા નોટબંધી અને જીએસટીના બેવડા મારમાં પીસાતી સામાન્ય પ્રજા.
૧૯૯૦ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય બહુમતી ન મેળવી શકેલી કોંગ્રેસને આ વખતે ભાજપ સામેના વધતા અસંતોષથી ફરી સત્તા મેળવવાની તક દેખાય છે તો ભાજપ સતત છઠ્ઠી મુદત માટે રાજ્યમાં વિજયપતાકા લહેરાવવા માંગે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા અગાઉ રાજ્યની જનતા અત્યાર સુધી ક્યારેય ન ભજવાઈ હોય એવી ભવાઈના ખેલ જોઈ રહી છે. ૧૯૯૦ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય બહુમતી ન મેળવી શકેલી કોંગ્રેસને આ વખતે ભાજપ સામેના વધતા અસંતોષથી ફરી સત્તા મેળવવાની તક દેખાય છે તો ભાજપ સતત છઠ્ઠી મુદત માટે રાજ્યમાં વિજયપતાકા લહેરાવવા માંગે છે. બંને પક્ષે સામસામા મોરચા મંડાયા છે અને એમાં રોજ નવા ફણગા ફૂટે છે.
વર્ષોથી બે જ પક્ષ વચ્ચે ફરતા રહેલા ગુજરાતના રાજકારણમાં અચાનક ત્રણ નવા ખેલાડી પ્રવેશી ગયા છે.
વર્ષોથી બે જ પક્ષ વચ્ચે ફરતા રહેલા ગુજરાતના રાજકારણમાં અચાનક ત્રણ નવા ખેલાડી પ્રવેશી ગયા છે. એ છે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં સંયોજક હાર્દિક પટેલ, યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તથા ઓબિસિ એટલે અન્ય પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ-જનજાતિ એકતા મંચના આગેવાન અલ્પેશ ઠાકોર. આમાંથી અલ્પેશ ઠાકોર સોમવારે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ હાજી સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનું ટાળ્યું છે. જો કે આ બંને પણ ભાજપવિરોધી મોરચામાં ભળે તે નિશ્ચિત છે.
કહેવાય છે કે હાર્દિક પટેલે ગુજરાત આવેલા કોંગ્રેસ ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીની મુલાકાત લઇ પક્ષને પોતાનો ટેકો જાહેર કરવા અમુક શરતો મૂકી છે. હાર્દિકે પોતે આવી કોઈ મુલાકાત કર્યાનું નકાર્યું છે. વરુણ પટેલ અને રેશ્મા પટેલ સહીત હાર્દિક પટેલના અમુક સાથીદારો છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાયા છે અને એમણે હાર્દિક પટેલ સામે વાગ્યુદ્ધ છેડ્યું છે.
હાર્દિક પટેલના એવા એક સાથીદાર નરેન્દ્ર પટેલે રવિવારે ભાજપમાં જોડાઈ ત્રણ જ કલાકમાં પોતાનો નિર્ણય બદલી કાઢ્યો અને પત્રકારો સામે એ વિષે ખુલાસો કર્યો કે ભાજપે એને એક કરોડ રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી અને એના ભાગ રૂપે એને દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ભાજપ પર બીજી વાર આવું આળ આવ્યું છે.
બે મહિના પહેલા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો ચૂંટવા માટે મતદાન થયું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને હરાવવા ભાજપે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ખરીદ્યા હોવાના આક્ષેપ થયા હતા એ પછી ભાજપ પર બીજી વાર આવું આળ આવ્યું છે. મોદીની જેમ ઉપરાઉપરી ગુજરાત મુલાકાત લઇ રહેલા રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉછાળી સોમવારની પોતાની જાહેરસભામાં કહયું હતું કે ગુજરાતની પ્રજા એવી બિકાઉ નથી જેને ભાજપ ખરીદી શકે.
મોદી સરકારે થોડા મહિના પહેલા અમલમાં મુકેલા જીએસટી એટલે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ફિલ્મ શોલેના વિલન 'ગબ્બર સિંહ ટેક્સ' એવું નામ આપી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ કરમાળખાએ નાના વેપારી તથા કારખાનેદારોને ખતમ કરી નાખ્યા છે.
સોમવારે રાહુલ ગાંધી ગુજરાતમાં હતા તો એના આગલા દિવસે વડાપ્રધાન નરેદ્ન્ર મોદીએ વડોદરા અને ભાવનગર નજીકના ઘોઘા બંદરે એમ બે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઘોઘાથી ભરૂચ પાસેના દહેજ બંદર વચ્ચેની ફેરી સર્વિસનું મોદીએ ઉદ્ઘાટન કર્યું તો વડોદરામાં એમણે કુલ સાડા ત્રણ હાજર કરોડ રૂપિયાના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું.

