લાગે છે કે ગુજરાતમાં ભાજપની નવી સરકાર માટે એક પછી એક મુશ્કેલી લાઈન લગાવીને ઊભી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પછી હવે મત્સ્યોધોગ ખાતાના રાજ્ય પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ પણ પોતાને મળેલા વિભાગની ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી છે.
નીતિન પટેલને તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાલના તબક્કે ફરી નાણાં ખાતું આપી શાંત પાડી દીધા છે, જો કે આ પ્રકરણમાં જે કઈ થયું, જે રીતે થયું એનાથી ભાજપની એક શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ખરડાઈ છે.
-અને બાકી હોય એમ નવી સરકારને સત્તા પર આવ્યાને એક સપ્તાહ માંડ વીત્યું છે ત્યાં બીજું વિઘ્ન આવીને ઊભું રહ્યું છે.
મંગળવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સચિવાલયમાં જઈ બીજી મુદ્દત માટે સત્તાભાર સંભાળ્યો એ પછી તરત પુરુષોત્તમ સોલંકીએ એમને મળી પોતાને મત્સ્યોધોગ જેવા "ઓછા મહત્વનું" ખાતું ફાળવવા બદ્દલ અણગમો વ્યક્ત કર્યો હતો. સોલંકીએ પોતે જ પાછળથી આ વાત પત્રકારોને કહી.
સોલંકીના મતે એ છેલ્લી પાંચ મુદ્દતથી વિધાનસભામાં ચૂંટાતા હોવાથી પક્ષે એમને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવા જોઈએ. સોલંકીએ એમ પણ કહ્યું કે એમને આ વખતે પણ રાજ્ય કક્ષાના મંત્રી જ બનાવવાને કારણે કોળી સમાજને અન્યાય થયો છે. સોલંકી ભાવનગર ગ્રામ્ય વિસ્તારના વિધાનસભ્ય છે જ્યાં કોળી મતદારોની મોટી સંખ્યા છે.
સોલંકીની રજુઆતનું પરિણામ તો હજી જાણી શકાયું નથી, પણ ટૂંકમાં, મંત્રીઓને ખાતાં ફાળવવાની બાબતમાં પાટીદાર સમાજ પછી હવે કોળી સમાજને અન્યાય થયો હોવાની વાત ઊઠી છે, જેણે ભાજપ સરકારને ફરી અદ્ધરશ્વાસ કરી દીધી છે.
ગયા મંગળવારે બીજી મુદ્દત માટે વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા એ પછી તરત જ એમના અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વચ્ચે મતભેદની વાત બહાર આવી હતી. "એસબીએસ"ના ગયા શુક્રવારના બુલેટિનમાં પણ આપણે આ વાત જાણી હતી.
નીતિન પટેલને અગાઉ એમના પાસે જે નાણાં અને નગરવિકાસ મંત્રાલય હતા એની બદલે આરોગ્ય, તબીબી શિક્ષણ અને માર્ગ તથા મકાન જેવા પ્રમાણમાં ઓછા મહત્વનાં ખાતાં આપવામાં આવ્યા હતા. એ સામે વિરોધ વ્યક્ત કરવા નીતિન પટેલે કાર્યભાર સ્વીકાર્યો જ નહોતો. બે દિવસ તો એમણે ગાંધીનગર સચિવાલય જવાનું સુદ્ધાં ટાળ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપરાંત ત્રણ વરિષ્ઠ પ્રધાનોએ નીતિન પટેલના મનાવવા પ્રયાસ કરી જોયા, પણ એ ટસના મસ થયા નહોતા.
એમનું કહેવું હતું કે ખાતાની ફાળવણી વખતે પક્ષે એમની સિનિયોરીટીને ધ્યાનમાં રાખવી જોઈતી હતી. એક તબક્કે કહેવાય છે કે નીતિન પટેલે બીજા દસેક પાટીદાર વિધાનસભ્યો સાથે મળી ભાજપ છોડવાની પણ વાત વહેતી કરી હતી. એ સંજોગમાં કોંગ્રેસ ભલે સરકાર ન બનાવી શકે, પણ ભાજપ સરકાર જરૂર લઘુમતીમાં મુકાઈ જાય.
આવી શક્યતા નિવારવા છેવટે પક્ષ પ્રમુખ અમિત શાહે થોડું નમતું જોખીને નીતિન પટેલને એમની પાસે અગાઉ હતું એ નાણાં ખાતું ફરી આપવાનું સ્વીકાર્યું હતું. ગયા ગુરુવારે આ ખાતું બીજા એક પાટીદાર આગેવાન સૌરભ પટેલને આપવામાં આવ્યું હતું, પણ બે જ દિવસમાં એમની પાસેથી લઈ આ ખાતાનો અખત્યાર નીતિન પટેલને સોંપવામાં આવ્યો હતો.
ભાજપે આ રીતે નારાજ નીતિન પટેલને મનાવી લીધા, પણ એના લીધે આવી નારાજગી રૂપી માંગણીનો દાબડો ભાજપે ખોલી કાઢ્યો હોવાનું ઘણાને લાગે છે. આમ પણ આ વખતે પક્ષ પાસે પાતળી બહુમતી છે એટલે પક્ષને કોઈ રીતે વિધાનસભ્યોનાં રિસામણાં પાલવે એમ નથી. જો કે આજે નહીં તો કાલે, કોઈ વિધાનસભ્ય પક્ષની આ મજબૂરીનો લાભ પણ લઈ શકે છે.