કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયાની કાયમી સ્કિલ્ડ માઈગ્રેશન પદ્ધતિમાં બદલાવ કરવા અંગે ચર્ચા કરાઈ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ આ બદલાવ હેઠળ કાયમી નિવાસી તરીકે અરજી કરનાર પાસે જરૂરી પ્રોવિઝનલ વિસા હશે, તો તેને કાયમી નિવાસી વિસા આપવામાં આવશે.
ફેરફેક્સ મીડિયાને મળેલ "સંવેનદશીલ " અને "પ્રોટેક્ટેડ" માર્ક કરેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ એ આ દસ્તાવેજો થોડા મહિનાઓ અગાઉ ચકાસ્યા છે, આવતા વર્ષના આરંભે આ પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે.
આ બદલાવના પ્રસ્તાવનો મુખ્ય ઉદેશ નવા આવનાર આગંતુકો ઓસ્ટ્રેલિયાની સામાજિક કલ્યાણ લાભકારી યોજનાનો સીમિત ઉપયોગ કરી શકે તે ચોક્કસ કરવાનો છે જેથી આર્થિક દ્રષ્ટિએ દેશને મજબૂત બનાવવાના પ્રયાસોને બળ મળે.
આ સાથે એવી ચિંતા પણ વ્યક્ત થઇ રહી છે કે આ બદલાવ થી ઓસ્ટ્રેલિયન સમાજમાં ભાગલા પડી શકે. DIBP ના વડા અને સમાજસેવા વિભાગના વડા વચ્ચે થનાર બેઠક માટે તૈયાર કરાયેલ ચર્ચાપત્ર માં જણાવાયું છે કે," આ પ્રસ્તાવિત બદલાવથી ઓસ્ટ્રેલિયનસમાજના બે ભાગ થશે. નવા આંગતુકોને ઓસ્ટ્રેલિયન નાગરિકો કરતા અલગ ટ્રીટમેન્ટ મળશે. આ પ્રસ્તાવથી ઓસ્ટ્રેલિયાના સામાજિક મેળાવડા અને સહકારને અસર થઇ શકે છે જે અંતિમવાદ તરફ દોરી જઈ શકે."
નવા આવનાર આગંતુકો પ્રત્યે શંકાની દ્રષ્ટિ રાખવાથી તેઓ ઓસ્ટ્રેલિયન સમાજમાં પોતાનું યોગદાન આપતા ખચકાટ અનુભવશે.
આ ચર્ચાપત્રમાં એમ પણ જણાવાયું છે કે આ પ્રસ્તાવ લોકપ્રિય નહિ નીવડે કેમકે દર બે ઓસ્ટ્રેલિયન માંથી એક ઓસ્ટ્રેલિયન વિદેશમાં જન્મેલ છે અથવા તેના વાલીઓ વિદેશમાં વસે છે. આ પ્રસ્તાવથી જરૂરતમંદ આગંતુકોને મદદ કરવાના ઓસ્ટ્રેલિયાના મૂલ્યોનો જ વિરાધભાસ સર્જાશે.