ટર્નબુલ સરકારે પેરેન્ટ વિસા(પરિવારના પુનઃમિલન)માટે જણાવેલ એસ્યોરન્સ ઓફ સપોર્ટ માટે જુના નિયમો જાળવી રાખવાની વાત કહી છે. આ પગલું ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક માળખા માટે મહત્વનું માનવામાં આવે છે.
માઈગ્રન્ટ સમુદાય દ્વારા જ્યારથી બદલાવની જાહેરાત થઇ હતી ત્યારથી આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે ફક્ત એક જ મહિનામાં સમાજ સેવા મંત્રી ડેન તેહાનને બદલાવ પરત લેવાની ફરજ પડી હતી.

Source: youtube screen shot- DanTehanMP
નવા કાયદા પ્રમાણે ગરીબ પરિવારોએ પોતાના વાલીઓને સ્પોન્સર કરવા માટે બમણી આવક કમાવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ હતી.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં કરાયેલ બદલાવ મુજબ પ્રતિવર્ષ એક વ્યક્તિ માટે સ્પોન્સર આવક $45,185 થી વધારીને $86,606 કરવામાં આવી હતી અને દમ્પત્તિ કે બે વ્યક્તિના સમૂહ માટે $115,475 કરાઈ હતી.
માઈગ્રન્ટ સમુદાયમાં આ અંગે નારાજગી ફેલાયા બાદ, ગ્રીન સેનેટર નિક મેક કિમ દ્વારા બુધવારે આ પહેલ વિરુદ્ધ એક મોશન સંસદના ઉપરના ગૃહમાં (રાજસભામાં )રજુ થવાનો હતો, જેને લેબર અને સેનેટ ક્રોસબેન્ચર ડેરિન હીંચ, ટિમ સ્ટોરેર, સ્ટીરલીંગ ગ્રીફ અને રેક્સ પેટ્રિકનો ટેકો હતો.
ગ્રીન્સ પક્ષના પ્રવક્તા સેનેટર નિક મેક કિમના કહેવા અનુસાર, " સરકારના બદલાવોને લીધે પરિવાર પુનઃમિલન ફક્ત શ્રીમંતો પૂરતું સીમિત થયું, આવકમાં કરવામાં આવેલ ખુબ વધારાની માંગને કારણે ઓસ્ટ્રેલિયા આવવા ઇચ્છુકે ખુબ પૈસા કમાવવા ફરજીયાત બન્યા."

Source: SBS News
સમાજ સેવા મંત્રી ડેન તેહાને સ્વીકાર્યું છે કે સેનેટર મેક કિમનું મોશન જો સફળ નિવડત, તો વિસાની પ્રક્રિયા તરતજ અટકી જાત.
શ્રી તેહાને AAP ને જણાવ્યું કે, " સરકાર ઇચ્છે છે કે આ વિસા માટેની પ્રક્રિયા ચાલુ રહે, તે (સંદર્ભે) સેનેટર મેક કિમ સાથેની ચર્ચા એ કરાર પર પહોંચી છે જેથી અનિચ્છિત પરિણામથી બચી શકાય."
તેઓએ ઉમેર્યું કે, "સરકાર સેનેટર મેક કિમની ચિંતાને સંબોધિત કરીને એક દ્રઢ સંશોધિત સંકલ્પ પ્રસ્તુત કરશે, "
સેનેટર મેક કિમે આ પીછેહટને "બહુસાંસ્કૃતિક ઓસ્ટ્રેલિયા માટે મહત્વની જીત" ગણાવી છે. શ્રી મેક કિમે કહ્યું કે, " હું તેમનો (શ્રી તેહાનનો) આભારી છું કે તેઓએ જરૂરી આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને જુના પ્રાવધાન તરફ પરત ફરવા પ્રતિબદ્ધતા દાખવી છે. " "મહત્વની વાત છે કે, તેઓએ મને લેખિત આશ્વાસન આપ્યું છે કે જો કોઈ વ્યક્તિએ આ આ બદલાવના સમયગાળામાં આ વિસા શ્રેણી હેઠળ અરજી કરી હશે તો તેમની અરજી ફરી જુના કાયદા પ્રમાણે એસેસ કરવામાં આવશે."
એ નોંધવું રહ્યું કે આ બદલાવના કારણે માતા -પિતા, વૃદ્ધ આશ્રિત, કોન્ટ્રીબ્યુટરી પેરેન્ટ અને સંબંધીઓને બોલાવવા અંગેની વિવિધ વિસા શ્રેણી પ્રભાવિત થઇ હતી.