દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં 340,000 વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી મેળવે છે તેમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 33 ટકા જેટલી હોય છે.
વર્તમાન સમયમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કોરોનાવાઇરસની અસર તેમની કારકિર્દી પર પડે તેવી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયન્સને નોકરીની પ્રથમ તક
કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં વિવિધ વેપાર – ઉદ્યોગોનો ફટકો પડ્યો છે. જેના કારણે આગામી સમયમાં ઓસ્ટ્રેલિયન્સને જ નોકરીની પ્રથમ તક રહેશે તેવું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનું અનુમાન છે.
મેલ્બર્ન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કરનારા ડેડી ક્રિસ્ટીયાનોના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં બાંધકામ ક્ષેત્રમાં નોકરીની ઘણી વિશાળ તકો રહેલી છે પરંતુ કોરોનાવાઇરસની મહામારી બાદ વ્યવસાયો ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડેન્ટ્સને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ કરતા પ્રથમ તક આપશે.

Source: Flickr
યુવાનોને કોરોનાવાઇરસથી સર્જાયેલી પરિસ્થિતીની સૌથી વધુ અસર
એક અભ્યાસના તારણ પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે ઉદભવેલી પરિસ્થિતીની સૌથી વધુ અસર યુવાનો પર પડશે. આગામી છ મહિનામાં જો કોઇ પગલાં નહીં લેવામાં આવે તો જે યુવાનો તાજેતરમાં જ સ્નાતક થયા છે તેમને નોકરી મળવાની શક્યતા ઓછી છે.
કોરોનાવાઇરસ અગાઉ, યુવાનોમાં બેરોજગારી દર 11.5 ટકા જેટલો હતો. એપ્રિલ 2020માં તે આંકડો 13.8 ટકા સુધી પહોંચી ગયો હતો.કોરોનાવાઇરસના કારણે નોકરી ગુમાવનારા 600,000 લોકોમાં 35 ટકા લોકો 15થી 24 વર્ષની ઉંમરના છે.
રીપોર્ટના સહ લેખક અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટના પ્રોફેસર પૌલ ફ્લાટાઉએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં યુવાનોમાં બેકારીનો દર વધે તેવી શક્યતા છે. તેથી જ સરકારે યુવાનોને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો અમલમાં મૂકવાની જરૂર છે.
જોબમેકર પ્રોગ્રામ દ્વારા મદદનું અનુમાન
વડાપ્રધાન સ્કોટ મોરિસને કોરોનાવાઇરસની મહામારી બાદ નોકરીની તકોનું નિર્માણ કરવા માટે જોબમેકર પ્રોગ્રામની જાહેરાત કરી છે.
મોરિસનના જણાવ્યા પ્રમાણે, રાજ્યો અને ટેરીટરીએ તેમને અપાતા 1.5 બિલિયન ડોલરના ફંડનો ઉપયોગ કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવી જોઇએ.
બ્રધરહૂડ ઓફ સેન્ટ લૌરેન્સ સંસ્થા યુવાનોને નોકરીની તકો મળી રહે તે માટે વિવિધ ટ્રેનિંગ પૂરી પાડે છે. સંસ્થાના ટ્રાન્સિસન ટુ વર્ક પ્રોગ્રામ (Transition to Work program) ને કેન્દ્ર સરકારનું ફંડ પ્રાપ્ત થાય છે.
સંસ્થાને સૈલી જેમ્સે જણાવ્યું હતું કે બે અઠવાડિયામાં આ યોજનામાં ભાગ લેનારાની સંખ્યામાં 51 ટકાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં 9000 યુવાનો ટ્રાન્સિસન ટુ વર્ક પ્રોગ્રામ અંતર્ગત વિવિધ પ્રકારની ટ્રેનિંગ લઇ રહ્યા છે.
જે આગામી સમયમાં તેમને નોકરી મેળવવામાં મદદરૂપ બનશે તેમ જેમ્સે ઉમેર્યું હતું.