ક્વોરન્ટાઇન હોટલમાં કાર્યરત કર્મચારીમાં યુનાઇટેડ કિંગડમ જેવો કોરોનાવાઇરસનો અતિ ચેપી પ્રકાર મળી આવતા ગ્રેટર બ્રિસબેનમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે
લોકડાઉન હેઠળના ગ્રેટર બ્રિસબેનના વિસ્તારો
- બ્રિસબેન સિટી કાઉન્સિલ
- લોગન સિટી કાઉન્સિલ
- ઇપ્સવિચ સિટી કાઉન્સિલ
- મોરેટન બે રીજનલ કાઉન્સિલ
- રેડલેન્ડ્સ સિટી કાઉન્સિલ
ઉપરોક્ત વિસ્તારના રહેવાસીઓએ સોમવારે સાંજે 6 વાગ્યા સુધી ઘરે જ રહેવું પડશે. તેઓ ફક્ત જરૂરી કાર્ય, કસરત, જીવન જરૂરીયાતના સામાનની ખરીદી તથા આરોગ્ય સુવિધાનો લાભ લેવા માટે જ ઘરની બહાર જઇ શકશે.
ગ્રેટર બ્રિસબેન વિસ્તારના લોકોએ ઘરની બહાર જતા તથા કાર્યસ્થળે અને જાહેર વાહનવ્યવહારની સુવિધાનો ઉપયોગ કરતા સમયે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ક્વિન્સલેન્ડના પ્રીમિયર એનાસ્ટેસિયા પેલશેય જણાવ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમમાં જોવા મળેલા અતિ ચેપી પ્રકારના વાઇરસને રોકવાના ભાગરૂપે બ્રિસબેનમાં કડક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિસબેનમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન
- કેફે, પબ, રેસ્ટોરન્ટ્સ ફક્ત ટેક- અવે સર્વિસ માટે જ કાર્યરત રહેશે
- અંતિમ સંસ્કારમાં 20 તથા લગ્નોમાં 10 લોકોને જ હાજરી આપવાની પરવાનગી
- ઘરદીઠ માત્ર 2 મુલાકાતીઓની છૂટ અને કસરત માટે અન્ય એક વ્યક્તિની પરવાનગી
- સિનેમા, મનોરંજનના સ્થળો, બ્યૂટી, હેર તથા પર્સનલ કેર સર્વિસ, જીમ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.
- લોકો લોકડાઉનના સમય દરમિયાન ગ્રેટર બ્રિસબેનમાં પ્રવેશ કરી શકશે પરંતુ તેમણે આ તમામ પ્રતિબંધોનું પાલન કરવું પડશે.
વડાપ્રધાને નિર્ણયને આવકાર્યો
વડાપ્રધાન સ્કોટ મોરિસને ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાસયના બ્રિસબેનમાં લોકડાઉનના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગને લોકડાઉનના કારણે વાઇરસનું સંક્રમણ રોકવામાં મદદ મળશે.
તેમણે રાજ્યના રહેવાસીઓનો પણ આગામી સમયમાં સહયોગ અને ધીરજ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
તાસ્મેનિયાએ બ્રિસબેનને અતિ-જોખમી વિસ્તાર જાહેર કર્યો
તાસ્મેનિયાએ બ્રિસબેનને અતિ-જોખમી વિસ્તારની શ્રેણીમાં મૂક્યું છે. જે મુસાફરે 2જી જાન્યુઆરી બાદ ગ્રેટર બ્રિસબેનની મુલાકાત લીધી હશે અને જો તે શુક્રવાર બાદ તાસ્મેનિયામાં પ્રવેશ કરશે તો તેને 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
નોધર્ન ટેરીટરીએ પણ ગ્રેટર બ્રિસબેનને હોટસ્પોટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાંથી જે કોઇ મુસાફર નોધર્ન ટેરીટરીમાં પ્રવેશ કરશે તો તેણે બે અઠવાડિયા ક્વોરન્ટાઇનમાં પસાર કરવા પડશે.
ન્યૂ સાઉથ વેલ્સ સરહદો બંધ નહીં કરે
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે ક્વિન્સલેન્ડ સાથેની સરહદો બંધ નહીં કરવાની જાહેરાત કરી છે પરંતુ 2જી જાન્યુઆરી બાદ ગ્રેટર બ્રિસબેનની મુલાકાત લેનારી કોઇ પણ વ્યક્તિ રાજ્યમાં પ્રવેશશે તો તેણે સોમવાર 11મી જાન્યુઆરી સાંજે 7 વાગ્યા સુધી આઇસોલેટ થવું જરૂરી છે.

