ગુજરાતમાં સામાજિક - આર્થિક વૃદ્ધિ થાય તથા નવું રોકાણ અને રોજગારીની તકો ઉભી થાય તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરે છે. 9મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 18થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન યોજાશે.
ગુજરાતના વિવિધ પ્રકારના વેપાર, શિક્ષણ તથા રમત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું એક પ્રતિનિધીમંડળ હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યું છે અને તેમણે સિડની કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શોમાં ભાગ લઇ ઓસ્ટ્રેલિયાના વિવિધ વેપારઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધીઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા.
વર્તમાન ગુજરાત સરકાર વિદેશી વેપાર - ધંધા ગુજરાતને ફક્ત રોકાણની જ નહીં પરંતુ તેને વેપાર તથા આયાત - નિકાસની દ્રષ્ટિએ જુએ તે ઉદ્દેશ્ય સાથે આગામી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવા જઇ રહી છે.

Delegates during the roadshow in Sydney Source: SBS Gujarati
વાઇબ્રન્ટ ગુજરાત 2019 સમિટ વિશે માહિતી આપતા, કાઉન્સિલર જનરલ બી.વનલાલવાવનાએ જણાવ્યું હતું કે, "ગુજરાત હાલમાં ભારતનું સૌથી ઝડપથી વિકસી રહેલા રાજ્યોમાનું એક રાજ્ય છે અને ઓસ્ટ્રેલિયાના વેપાર - ધંધા માટે આ સમિટમાં ભાગ લઇને રોકાણ કરવાની ઉત્તમ તક રહેલી છે."
"ભારત સરકાર વિદેશી વેપાર ગૃહો સરળતાથી ભારતમાં ધંધો કરી શકે તે માટેની સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે."
ઓસ્ટ્રેલિયા માટે ભારત નિકાસ માટેનું સૌથી મોટા દેશોમાનો એક દેશ છે અને 2017થી ઓસ્ટ્રેલિયાની નિકાસમાં 60 ટકા જેટલો વધારો નોંધાયો છે.
ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ પ્રીમિયર તથા ભારત માટેના વર્તમાન પ્રતિનિધી, બેરી ઓ' ફેરેલે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા માટે ભારત સાતેના સંબંધો ઘણા જ મહત્વના છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને ગંભીરતાથી લેવા માટેના ઘણા કારણો છે."
"ભારતમાં આર્થિક વૃદ્ધિની તક જ નહીં પરંતુ જે પ્રકારે ભારત સરકાર વ્યૂહાત્મક દિશા નક્કી કરે છે તે પ્રશંસનીય છે."
ઓસ્ટ્રેલિયામાં એક્સપેન્સ રીડક્શન એનાલિસ્ટ તરીકે કામ કરતા દીપેશ પરીખે જણાવ્યું હતું કે, "અમે અમારો વેપાર ભારત સુધી લંબાવવા માટે આતુર છીએ અને ગુજરાત તેમાનું મુખ્ય મથક છે. અમે અહીં ઘણા પ્રતિનિધીને મળ્યા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા અંગે વિચારી રહ્યા છીએ."

Indian delegation attended Vibrant Gujarat Summit Roadshow in Sydney. Source: SBS Gujarati
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 દરમિયાન ગુજરાત સરકાર વિશ્વભરના લગભગ 100થી પણ વધારે દેશોમાંથી 25,000 જેટલા પ્રતિનિધી ભાગ લે તેવી આશા વ્યક્ત કરી રહી છે.
ઓસ્ટ્રેલિયા ભારત કાઉન્સિલના બોર્ડના સભ્ય, શેબા નંદકેયોલયારે જણાવ્યું હતું કે, "વાઇબ્રન્ટ ગુજરાત એક આંતરરાષ્ટ્રીય સમિટ છે અને તેમાં વિશ્વના ઘણા દેશોના વેપાર તથા પ્રતિનિધિઓ ભાગ લે છે. તેથી ઓસ્ટ્રેલિયાના વેપાર અને ઉદ્યોગ માટે વિવિધ પ્રતિનિધિઓને મળવાની આ એક તક છે."
Share

