ગુજરાતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)માં ટોપ રેન્ક મેળવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો છે. માનવે તાજેતરમા જ સર્બિયાના બેલગ્રેડ ખાતે યોજાયેલી ટેબલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ગુજરાતના સુરત શહેરના માનવ ઠક્કરે 2017ની સર્બિયન જૂનિયર કેડેટ ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ફાઇનલ સુધીની સફર કરી હતી. ફાઇનલમાં તેનો રસાકરી બાદ પરાજય થતા તે રનર્સ અપ રહ્યો હતો. જોકે તેણે ભારત તરફથી ટોચનો ક્રમ મેળવ્યો છે. માનવના હાલમાં 3455 પોઇન્ટ્સ છે જ્યારે બીજા ક્રમે અમેરિકાનો કનક જ્હા છે. તેના 2590 પોઇન્ટ્સ છે.
ટોપ 5 રેન્ક મેળવનાર ખેલાડીઓ
રેન્ક ખેલાડી દેશ પોઇન્ટ્સ
1 માનવ ઠક્કર ભારત 3455
2 કનક જ્હા અમેરિકા 2590
3 ફ્રાન્સિસ્કો સાંચી આર્જેન્ટિના 2895
4 બેસ્ટિયન રેમ્બર્ટ ફ્રાન્સ 2880
5 ફેંગ યિ-સીન ચાઇનીસ તાઇપેઇ 2706
પ્રથમ ક્રમ મેળવી વર્લ્ડ જૂનિયર સર્કિટમાં ક્વોલિફાય
સુરતનો 17 વર્ષીય માનવ ઠક્કર પ્રથમ ક્રમે રહેતા તે વર્લ્ડ જૂનિયર સર્કિટ માટે ક્વોલિફાય થઇ ગયો છે. જ્યાં તે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ જૂનિયર સર્કિટ આગામી ફેબ્રુઆરી 2018માં લક્સનબર્ગ ખાતે રમાવાની છે. છેલ્લા કેટલાક સમયથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા માનવ ઠક્કરની પસંદગી આઇટીટીએફની ટીમમાં થઇ છે. જે આગામી વર્ષે આર્જેન્ટિનાના બ્યુનોસ એરિસ ખાતે યૂથ ઓલિમ્પિકમાં ભાગ લેશે.

માનવમાં વિશાળ પ્રતિભા, આગામી સમયમાં શ્રેષ્ઠ પ્રદર્શન જાળવશે: જીએસટીટીએ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના માનદ મંત્રી હરેશ સંગતાનીએ એસબીએસ ગુજરાતી સાથે માનવની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે માનવ ઠક્કરમાં વિશાળ પ્રતિભા છે. તેણે છેલ્લા કેટલાક સમયથી ટેબલ ટેનિસની રમતમાં વિવિધ સ્તરે મેડલ્સ જીત્યા છે તેની વર્તમાન સિદ્ધિથી તેની કારકિર્દીમાં નવો વેગ આવશે. આગામી સમયમાં પણ તે ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ જીતવા માટે કટિબદ્ધ છે.
માનવની ટેબલ ટેનિસની સફર વિશે તેના પિતા વિકાસ ઠક્કરે એસબીએસને જણાવ્યું હતું કે માનવે પાંચ વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમવાનું શરુ કર્યું. માતા તથા પિતાને ટેબલ ટેનિસનો શોખ હોવાથી માનવે ટેબલ ટેનિસની રમત અપનાવી હતી. આઠ વર્ષની વયે તે ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો. ત્યાર બાદ ફક્ત નવ વર્ષની ઉંમરે માનવ નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-14 ગુજરાત ટીમમાં પસંદ થયો હતો. તે સમયે માનવ નેશનલ રમનારો ભારતનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
નેશનલ રમનારો ભારતનો સૌથી યુવા ખેલાડી

અત્યાર સુધી માનવ અંડર - 12, અંડર - 15 અને અંડર -18માં સ્ટેટ લેવલ પર 30 જેટલા મેડલ જીત્યા છે. 2011માં 11 વર્ષની વયે માનવે નેશનલ રેન્કિંગમાં રમવાનું શરૂ કર્યું હતું જેમાં તેણે 3 વખત ચેમ્પિયનશીપ જીતી છે. ઇન્ટરનેશનલ લેવલે માનવે 2014માં પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે રમાયેલી સાઉથ એશિયન જૂનિયર ટૂર્નામેન્ટમાં ગોલ્ડ, 2015માં દિલ્હી ખાતે રમાયેલી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ, 2016માં પોલેન્ડ અને સ્લોવાક ઓપન જૂનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા હતા. 2017માં માનવે થાઇલેન્ડ ઓપનમાં સિલ્વર, સ્લોવાક ઓપનમાં ગોલ્ડ અને સર્બિયા ઓપનમાં સિલ્વર મેડલ જીત્યા છે.આ ઉપરાંત માનવને સ્પોર્ટ્સમાં શાનદાર પ્રદર્શન બદલ 2015ના વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે નેશનલ ચાઇલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

