ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તે માટે અમેરિકાના ટેક્સાસ શહેરમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રવિવારે સાંજે ટેક્સાસના હ્યુસ્ટન સિટીના NRG (એનઆરજી) સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50,000 જેટલા ભારતીય અમેરિકન અને નોન-રેસીડેન્ટ ઇન્ડિયન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય મૂળના સ્પર્શ શાહે ભારતીય રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું
16 વર્ષીય ભારતીય અમેરિકન સ્પર્શ શાહે હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય ગીત પ્રસ્તુત કર્યું હતું.
કાર્યક્રમ અગાઉ ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં સ્પર્શે જણાવ્યું હતું કે હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય રાષ્ટ્રીય ગીત ગાવું તે મારા માટે ગર્વની વાત છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. મેં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેડિસન સ્ક્વેયર ગાર્ડન ખાતે જોયા હતા. અને, આજે હું તેમને મળવા જઇ રહ્યો છું.
સ્પર્શના જણાવ્યા પ્રમાણે, તેણે અત્યાર સુધીમાં 20 હજાર લોકોની સામે પર્ફોર્મન્સ આપ્યું હતું. પરંતુ રવિવારે સાંજે 50 હજાર લોકોની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય રાષ્ટ્રીય ગીત ગાવાનો અનેરો ઉત્સાહ હતો.
ઉલ્લેખનીય છે કે મૂળ ગુજરાતના સુરતના સ્પર્શને ઓસ્ટિયોજિનેસિસ ઇમ્પેર્ફેક્ટા છે. પરંતુ, સ્પર્શે નાની ઉંમરમાં ઘણી મોટી સિદ્ધી મેળવી છે. તેણે ક્લાસિકલ મ્યુઝીકનો અભ્યાસ પણ કર્યો છે અને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ લોકપ્રિયતા મેળવી છે.
બંને દેશના વડાઓએ એકબીજાની પ્રશંસા કરી
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ ટ્રમ્પના ભરપૂર વખાણ કર્યા હતા અને વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાના તેમના નિર્ણયની પ્રશંસા પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે આવનારા સમયમાં સંબંધો વધુ મજબૂત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે પણ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર બની રહ્યું છે તેમ જણાવી નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવ્યું હતું.
Share


