વિક્ટોરીયાના રહેવાસીઓને કોરોનાવાઇરસથી વધુ સુરક્ષિત કરવા માટે હવે ફેસમાસ્ક પહેરવા પર નવો નિયમ લાગૂ કરાયો છે.
અગાઉ રાજ્યના રહેવાસીઓ નાક અને મોં ઢાંકવા માટે સ્કાફ અને ફેસશિલ્ડનો ઉપયોગ કરતા હતા. જોકે નવી માર્ગદર્શિકા પ્રમાણે તેનો વપરાશ કરી શકાશે નહીં.
અગાઉ 27મી સપ્ટેમ્બરે રાજ્યના પ્રીમિયર ડેનિયલ અન્ડ્યુસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચહેરો યોગ્ય રીતે ઢંકાય અને ફીટ રહે તેવા જ ફેસમાસ્કના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે.
બે અઠવાડિયાની અવધિ પૂરી થયા બાદ વિક્ટોરીયા પોલીસે આ નિયમ લાગૂ કરી દીધો છે. 11મી ઓક્ટોબર રાત્રે 11.59 વાગ્યાથી નવો નિયમ અમલમાં આવી ગયો છે.
શું છે નવો નિયમ?
12મી ઓક્ટોબર મધ્યરાત્રિના 12 વાગ્યાથી વિક્ટોરીયાના તમામ રહેવાસીઓએ ચહેરો યોગ્ય રીતે ઢંકાય તેવા ફેસમાસ્ક પહેરવા જરૂરી છે.
આ નવો નિયમ મેલ્બર્ન સહિત સમગ્ર વિક્ટોરીયા રાજ્યમાં લાગૂ થયો છે.
સ્કાફ, બંદાના અને ફેસશિલ્ડનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તમારું મોં અને ચહેરોના બંને તરફ યોગ્ય રીતે ઢંકાય તેવું શિલ્ડ ધારણ કરી શકો છો પરંતુ, તેની સાથે માસ્ક પહેરવું જરૂરી છે.
માસ્ક નહીં પહેરવા બદલ 200 ડોલરનો દંડ થઇ શકે છે.

Scarves, bandanas and face shields are no longer considered acceptable face coverings in Victoria. Source: Facebook, Pixabay
કેવા પ્રકારના માસ્ક પહેરી શકાય?
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. તેથી લોકોનું હલનચલન વધ્યું છે અને, એટલે જ વધુ સારી સુરક્ષા મળી રહે તે માટે નાક અને મોઢું યોગ્ય રીતે ઢંકાય તેવા માસ્ક પહેરવા જરૂરી છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના જણાવ્યા મુજબ, ત્રણ સ્તરવાળું માસ્ક સૌથી વધુ સુરક્ષિત છે.
ફેસમાસ્ક પહેરવા પર કોને છૂટછાટ મળી શકે?
કેટલાક સંજોગોમાં વિક્ટોરીયા રાજ્યમાં ફેસમાસ્ક પહેરવા પર છૂટછાટ મળી શકે છે.
- 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ફેસમાસ્ક પહેરવા પર છૂટ
- શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા પર ગંભીર અસર થતી હોય તથા દિવ્યાંગ અથવા માનસિક આરોગ્ય સાથે ઝઝૂમતા લોકોને
- રમતગમત માટે ટ્રેનિંગ અથવા સ્પર્ધા દરમિયાન
- જે-તે વ્યક્તિને નોકરી દરમિયાન તેમનું મોંઢુ યોગ્ય રીતે દેખાય તે જરૂરી હોય ત્યારે. દાખલા તરીકે, શિક્ષક અને જીવંત પ્રસારણકર્તા
- તમે એકલા કે તમારા ઘરના અન્ય સભ્ય સાથે કારમાં મુસાફરી કરતા હોય ત્યારે
- ભોજન કરતી વખતે ફેસમાસ્ક ન પહેર્યું હોય તો સ્વીકાર્ય છે પરંતુ ભોજન કર્યા બાદ તેને ધારણ કરવું જરૂરી છે.
Share


