કેન્દ્રીય સરકારે કોરોનાવાઇરસના સમયમાં અમલમાં મૂકેલી હોમબિલ્ડર (HomeBuilder) યોજનાને વધુ સમય માટે લંબાવવાનું નક્કી કર્યું છે.
અગાઉ આ યોજના 31મી ડિસેમ્બર 2020ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને 1લી જાન્યુઆરી 2021થી 31મી માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.
સરકારના અનુમાન પ્રમાણે, યોજના લંબાવ્યા બાદ 15,000 ઘરોમાં સમારકામ કે નવું બાંધકામ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 27,000 જેટલા ઘરની મરામત કે બાંધકામ માટે હોમબિલ્ડર સ્કીમનો લાભ લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા 1 મિલિયન જેટલા ઓસ્ટ્રેલિયન્સને આ યોજના દ્વારા તેમની નોકરી ચાલૂ રાખવામાં મદદ મળી છે અને હજારો ઓસ્ટ્રેલિન્સ તેમના પોતાના ઘરના સપનાને પણ પૂરું કરી શક્યા છે.

HomeBuilder scheme extended. Source: AAP
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસની મહામારી દરમિયાન સરકારે આર્થિક વૃદ્ધિ થઇ શકે તે માટે હોમબિલ્ડર યોજના અમલમાં મૂકી હતી.
બાંધકામ ક્ષેત્ર દર વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 100 બિલિયન ડોલરનો ફાળો આપે છે. અને, યોજના લંબાવવાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓને કાર્યની વધુ તક પ્રાપ્ત થશે, તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસને ઉમેર્યું હતું.
મિનિસ્ટર ફોર હાઉસિંગ એન્ડ આસિસ્ટન્ટ ટ્રેઝરર માઇકલ સક્કરે જણાવ્યું હતું કે, હોમબિલ્ડર બિલ્ડીંગ અને હાઉસિંગ માર્કેટની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તથા બાંધકામ ક્ષેત્રો સાથે વાતચીત બાદ નક્કી કરવામાં આવશે.
1લી જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 દરમિયાન નક્કી થયેલા કોન્ટ્રાક્ટ માટે...
- લાયક હશે તેવા ખરીદદારો હોમબિલ્ડર હેઠળ 15,000 ડોલરની સહાયતા મેળવશે
- ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં નવા બાંધકામ માટેની મિલકતોની કિંમત અનુક્રમે 950,000 ડોલર તથા 850,000 ડોલર નક્કી કરવામાં આવી છે.
4 જૂન 2020 ના રોજ કે ત્યાર બાદ નક્કી કરવામાં આવેલા લાયક કોન્ટ્રાક્ટને શરૂ કરવાની અંતિમ તારીખ ત્રણ મહિનાથી વધારીને છ મહિના કરવામાં આવી છે.
મંત્રી માઇકલ સક્કરે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના સમયગાળા દરમિયાન આ યોજના સફળ સાબિત થઇ છે. ઓક્ટોબર સુધીના છેલ્લા ત્રણ મહિનામાં ગયા વર્ષની સરખામણીએ નવા ઘરના વેચાણની સંખ્યામાં 31.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Share


