જો કોઇ તમે ક્યારેક સ્વિટ્ઝર્લેન્ડનું નામ સાંભળો તો બરફથી ઘેરાયેલા પહાડો, વિશાળ ઘાંસના મેદાનો, નદી, વળાંક લેતા રસ્તા તમારી આંખ સામે આવી જાય પરંતુ અત્યારે વાત સ્વિટ્ઝર્લેન્ડના કુદરતી સૌદર્યની નથી, ક્રિકેટની રમતની છે.
મોટાભાગે ફૂટબોલની લોકપ્રિયતા ધરાવતા સ્વિટ્ઝર્લેન્ડ પાસે પણ પોતાની નેશનલ ક્રિકેટ ટીમ છે અને તેની ખાસ વાત એ છે કે ટીમમાં મોટાભાગના ખેલાડીઓ એશિયન મૂળના છે.
ટીમમાં એશિયન મૂળના ખેલાડીઓ
સ્વિટ્ઝર્લેન્ડની ક્રિકેટ ટીમ મોટેભાગે એશિયન મૂળના ખેલાડીઓથી બનેલી છે. જ્યાં ક્રિકેટ ઘણું જ લોકપ્રિય છે તેવા ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ તથા પાકિસ્તાનની મૂળના ખેલાડીઓ ટીમમાં સામેલ છે. આ અંગે વાત કરતાં સ્વિટ્ઝર્લેન્ડની ટીમના ઓપનિંગ બેટ્સમેન અશ્વિન વિનોદે જણાવ્યું હતું કે, "અમારી ટીમમાં ભારતીય, પાકિસ્તાની તથા શ્રીલંકન મૂળના ખેલાડીઓ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના પણ ખેલાડીઓ રમી રહ્યા છે.
"વિવિધ દેશોના ખેલાડીઓ ભેગા મળીને એક ટીમમાં રમે છે અને સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રિકેટની રમત લોકપ્રિય બનાવવા માટે પ્રયત્ન કરે છે."
"મોટેભાગે અહીં ક્રિકેટ કરતાં અન્ય રમતો વધારે લોકપ્રિય હોવાથી અમે અહીંના મૂળ નાગરિકોમાં ક્રિકેટની રમત વિશેનું જ્ઞાન વધે તે માટે વિવિધ પ્રકારના સેશન્સ તથા કેમ્પનું આયોજન કરીએ છે," તેમ અશ્વિને જણાવ્યું હતું.

નેશનલ ટીમના પ્રેક્ટિસ સત્ર અંગે અશ્વિને જણાવ્યું હતું કે, "સ્વિટ્ઝર્લેન્ડની મોટાભાગની ક્રિકેટ ક્લબ્સ અઠવાડિયામાં એક વખત પ્રેક્ટિસ સેશન તથા એક ક્રિકેટ મેચનું આયોજન કરે છે."
સ્વિટ્ઝર્લેન્ડની ટીમમાં કેટલાક ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરવાની સાથે સાથે વિવિધ યુનિવર્સીટીઝમાં અભ્યાસ પણ કરી રહ્યા છે. લગભગ પાંચ ખેલાડીઓ ટીમમાં રમવા ઉપરાંત સ્ટુડન્ટ્સ પણ છે.
ક્રિકેટના વિકાસ સામે પડતી મુશ્કેલીઓ
બરફથી ઘેરાયેલા દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રિકેટ રમવા માટેના સ્ત્રોત તથા સુવિધાઓ ઓછી હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે વાત કરતાં અશ્વિને જણાવ્યું હતું કે તાજેતરમાં જ ક્રિકેટની રમતનું દેશમાં આગમન થયું છે. તેથી નાણાકિય મુશ્કેલી ઉપરાંત ટીમ પાસે ક્રિકેટ માટે યોગ્ય આર્ટીફિશિયલ પિચ ધરાતવા ગ્રાઉન્ડ્સની પણ કમી છે. આ ઉપરાંત નાના ગ્રાઉન્ડ અને વધુ પડતા ઘાંસના કારણે યોગ્ય રીતે ક્રિકેટ રમી શકાતું નથી.
"પરંતુ અમે ક્રિકેટના ચાહક છીએ અને દેશમાં ક્રિકેટની રમતને લોકપ્રિય બનાવવા માટે આતુર છીએ."
ટીમના અન્ય એક ઉભરતા ક્રિકેટ ખેલાડી અર્જુન વિનોદે જણાવ્યું હતું કે, "સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રિકેટની રમત એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી જ રમાય છે. બાકીના મહિનાઓમાં બરફ પડતા ઠંડીનું પ્રમાણ વધી જાય છે. ક્રિકેટની સિઝન દરમિયાન અમે સ્થાનિક લોકોને રમત સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી ક્રિકેટની રમત અહીં લોકપ્રિય બની શકે".

સ્થાનિક ગર્વમેન્ટને જોડવાનો પ્રયત્ન
અર્જુને જણાવ્યું હતું કે, અમે ક્રિકેટ પ્રત્યે લોકોની જાગૃતિ વધે તે માટે પ્રયત્નશીલ છીએ અને સ્થાનિક ગવર્મેન્ટને આ રમત સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. જેથી ટીમને ફંડ તથા ક્રિકેટ રમવા માટે જરૂરી સુવિધાઓ મળી રહે."
સેન્ટ્રલ યુરોપિયન વન-ડે સિરીઝમાં ચેમ્પિયન
જોકે સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રિકેટ રમવામાં મુશ્કેલી પડતી હોવા છતાં પણ ટીમે જૂન 2018માં રમાયેલી સેન્ટ્રલ યુરોપિયન વન-ડે સિરીઝ જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં અન્ય બે ટીમો લક્સમ્બર્ગ તથા ઝેક રીપબ્લિક હતી.

ઉજળું ભવિષ્ય
સ્વિટ્ઝર્લેન્ડ હાલમાં આઇસીસી સાથે સંલગ્ન નથી પરંતુ દેશમાં ક્રિકેટના ઉજળા ભવિષ્યની આશા વ્યક્ત કરતા અશ્વિને જણાવ્યું હતું કે, "વધુમાં વધુ ખેલાડીઓ અને ટીમો ક્રિકેટની રમતમાં આવે અને રમવાનું શરૂ કરે અને જો આઇસીસી દ્વારા પણ દેશને મદદ મળતી થાય તો આગામી સમયમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ક્રિકેટનું ભવિષ્ય ઉજળું થઇ શકે છે."
યુરોપમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા શૂન્ય ડિગ્રીમાં ક્રિકેટ
યુરોપમાં ક્રિકેટનો વિકાસ કરવાના ભાગરૂપે તાજેતરમાં જ વિવિધ દેશોના ભૂતપૂર્વ ખેલાડીઓએ સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝ ખાતે આવેલા સ્વિસ આલ્પ્સ રીસોર્ટમાં ક્રિકેટ રમ્યા હતા.
બરફથી બનેલા મેદાન તથા શૂન્ય ડિગ્રીના તાપમાનની વચ્ચે રમાયેલી મેચમાં ભારતના વીરેન્દ્ર સેહવાગ, ઝહિર ખાન, મોહમ્મદ કૈફ, જોગિન્દર શર્મા, ઓસ્ટ્રેલિયાના માઇક હસ્સી, શ્રીલંકાના લસિત મલિંગા, તિલકરત્ને દિલશાન, મહેલા જયવર્દને અને પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તરે ભાગ લીધો હતો.

