સૂરજ તપી રહ્યો છે અને શાળાનું વેકેશન નજીક આવી રહ્યું છે. આ સમયે ઓસ્ટ્રેલિયામાં સુરક્ષિત રીતે ઘરની બહાર સમય પસાર કરવો યોગ્ય છે
બિચ પર સુરક્ષિત રહેવું

ઓસ્ટ્રેલિયામાં લગભગ 10 હજાર જેટલા બિચ છે અને તેનો ઉપયોગ મફતમાં થઇ શકે છે.
ગયા વર્ષે ડૂબવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો તેમ છતાં, 249 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો તમને સ્વિમીંગ ન આવડતું હોય તો હંમેશાં એવા બિચ પર જવું જોઇએ જ્યાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા હોય. લાલ તથા પીળા ધ્વજની વચ્ચે જ રહેવું. આ જગ્યાએ લાઇફગાર્ડ્સ પેટ્રોલિંગ કરી રહ્યા હોય છે.
જો તમારે એ જાણવું હોય કે, કયા બિચ પર પેટ્રોલિંગ થાય છે અને ત્યાં કઇ સુવિધા ઉપલબ્ધ હોય છે તો ડાઉનલોડ કરો બિચસેફ એપ. તે 72 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે ઓસ્ટ્રેલિયાના દરેક બિચની માહિતી આપે છે.
પૂલ, નદી તથા બિચ પર તમારે હંમેશાં સતર્ક રહેવાની જરૂર છે. અને સીપીઆર શીખવું જોઇએ જેથી તમે તમારા પ્રિયજનોનો જીવ બચાવી શકો છો.
નેશનલ પાર્કમાં સુરક્ષિત રહેવું

નેશનલ પાર્કની મુલાકાત લેવી એ વેકેશન ગાળવાની એક અનોખી રીતે છે. ઓસ્ટ્રેલિયામાં રણ, જંગલો, પર્વતો અને નદીઓ મળીને કુલ 500થી પણ વધારે સ્થળો છે.
તેમાં સ્વિમીંગ, પર્વતારોહણ અને બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિઓ થાય છે. કેટલાક પાર્કમાં એન્ટ્રી ફી લેવાય છે જ્યારે કેટલાક પાર્ક ફ્રી હોય છે.
આ તમામ જગ્યાઓ પર સારો સમય પસાર કરવો હોય તો ત્યાં પહોંચ્યાં પહેલા તે જગ્યા વિશે રીસર્ચ કરવું જરૂરી છે.
"અમે જોઇએ છીએ કેટલાક લોકો અમારા પાર્કમાં કોઇ પણ પ્રકારનું રીસર્ચ કર્યા વિના આવે છે તેમની પાસે કેટલીક માહિતી હોય છે પરંતુ નક્શો કે અન્ય જરૂરી માહિતીનો અભાવ જોવા મળે છે," તેમ વિક્ટોરીયા ગ્રેમ્પીયન્સ નેશનલ પાર્કના રેન્જર ટીમ લીડર ટેમી સ્કૂએ જણાવ્યું હતું.
"હું સલાહ આપું છું કે મુલાકાત લીધા પહેલા ઓનલાઇન રીસર્ચ કરો. તેમાં પાર્ક વિશે માહિતી મેળવો, પાર્કમાં કઇ સુવિધા છે તેની જાણકારી રાખો. આ ઉપરાંત, ત્યાં મુલાકાત લેવાનો યોગ્ય સમય કયો છે, તે અંતરીયાળ વિસ્તારમાં આવેલું છે તો ત્યાં રોડ કેવા છે. તમારી મુલાકાતનું એવું આયોજન કરો કે અહીં આવ્યા બાદ તમે યોગ્ય રીતે તેનો આનંદ લઇ શકો."
જો તમે પર્વતારોહણ કરવા કે ચાલવા જઇ રહ્યો હોય તો કોઇને જણાવીને જાઓ અને તમારો પરત ફરવાનો સમય પણ કહો. રસ્તા પર જ ચાલો અને તમારી સાથે નાસ્તો, પાણી અને ગરમ કપડાં પણ રાખો.
ગરમીમાં સુરક્ષિત કેવી રીતે રહેવું

તમે બિચ પર હોવ કે પર્વત પર, તમારે હંમેશાં સૂર્યની જાણકારી રાખવી જોઇએ.
"ઓસ્ટ્રેલિયામાં ત્રણમાંથી બે વ્યક્તિઓને સ્કીન કેન્સર થાય છે. અને ઘણા લોકોને એકથી પણ વધારે પ્રકારનું કેન્સર થાય છે. ચિંતાની વાત એ છે કે તે મોટેભાગે ટાળી શકાય તેવું હોય છે. સ્કીન કેન્સર મોટાભાગે સફેદ ત્વચા ધરાવતા લોકોને વધારે થાય છે. તે ઘાટી ચામડી ધરાવતા લોકો તથા સ્વદેશી ઓસ્ટ્રેલિયન્સને પણ થાય છે," તેમ કેન્સર કાઉન્સિલના સીઇઓ સાન્ચિયા અરાન્ડાએ જણાવ્યું હતું.
તેમની સલાહ પ્રમાણે, ઉનાળાના સમયમાં જ્યારે UV index ઓછો હોય ત્યારે જ બહાર નીકળવું. વહેલી સવારે અથવા મોડી સાંજે.
જો તમારે UV index વધારે હોય તે સમયે બહાર જવાની જરૂર પડે તો બને ત્યાં સુધી છાંયડાંમાં રહેવું અને ટોપી પહેરવી, આ ઉપરાંત સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરવો.
તમારે બહાર જવાની 20 મિનિટ અગાઉ SPF30 કે તેથી ઉચ્ચ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ અને તેને દરેક બે-બે કલાકે લગાવવી જોઇએ (પાણી તથા પરસેવાની પરિસ્થિતિમાં વારંવાર તેનો ઉપયોગ કરવો જોઇએ).
"તમને જે સનસ્ક્રીન માફક આવતી હોય તેનો જ ઉપયોગ કરવો જોઇએ. વિવિધ પ્રકારની સનસ્કીનને અજમાવી જુઓ અને તમને જે સનસ્ક્રીન યોગ્ય લાગે તેનો જ ઉપયોગ કરો," તેમ અરાન્ડાએ જણાવ્યું હતું.
જો તમારો પરિવાર તમારા વતનથી આ ઉનાળામાં ઓસ્ટ્રેલિયા આવવાનો હોય તો તેમને પણ આ બાબતની જાણકારી આપો જેથી ઓસ્ટ્રેલિયામાં તેઓ આનંદમાં સમય પસાર કરી શકે.

