ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના સ્કેમવોચના જણાવ્યા પ્રમાણે, અંગ્રેજી સિવાયની ભાષા બોલતા સમુદાયના લોકોએ વર્ષ 2020માં છેતરપીંડીનો ભોગ બની 22 મિલીયન ડોલર ગુમાવ્યા છે.
વર્ષ 2019ની સરખામણીમાં તે 60 ટકા વધુ છે.
ACCC ના ડેપ્યુટી ચેર ડેલિયા રીકાર્ડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના લોકડાઉનના કારણે આ વર્ષે વધુ નુકસાન થઇ શકે છે.
કોવિડ-19ની છેતરપીંડી પર અસર
લોકો ઓનલાઇન માધ્યમ પર વધુ સમય વિતાવે છે, તેઓ વ્યક્તિગત રીતે ખરીદી કે અન્ય કોઇ નાણાકિય વ્યવહાર કરી શકતા નથી એટલે છેતરપીંડીની પ્રવૃત્તિ કરતા લોકોને નવી તક પ્રાપ્ત થઇ છે.
સ્કેમવોચને વર્ષ 2020માં કોવિડ-19 દરમિયાન છેતરપીંડીની 5400 ફરિયાદ મળી હતી. જેમાં 6 મિલીયન ડોલરનું નુકસાન ગયું હતું.
ઓસ્ટ્રેલિયાના લોકોને પપી (Puppy) સ્કેમમાં ઓસ્ટ્રેલિયાના લોકોએ 2 મિલીયન ડોલર ગુમાવ્યા જ્યારે કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી આરોગ્ય સુવિધા સાથે સંકળાયેલી છેતરપીંડીમાં 2000 ટકા જેટલો વધારો નોંધાયો છે.

વેપાર અને કોવિડ-19 - તમારી વ્યક્તિગત માહિતી મેળવવા માટેનો રસ્તો
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેટ માર્કેટીંગ સર્વિસના કેનાન એલ્બાસીટ જણાવે છે કે છેલ્લા 18 મહિનાથી ઓનલાઇન વેપારમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે.
અને તેના કારણે લોકો વ્યવહાર કરતી વખતે તેમના ડાટા ઓનલાઇન માધ્યમ પર વહેંચે છે.
તેઓ જણાવે છે કે, વેપાર - ઉદ્યોગો કેવી રીતે ગ્રાહકોની માહિતીનો સંગ્રહ કરે છે તે મહત્વપૂર્ણ છે.
વેપાર - ઉદ્યોગોએ વેબસાઇટ, QR કોડ બનાવતી વખતે, અથવા ઓનલાઇન શોપિંગ કાર્ટ દરમિયાન ગ્રાહકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ, કેટલાક વેપાર - ઉદ્યોગો આ બાબતોનું ધ્યાન રાખતા નથી.
સામાન્ય રીતે છેતરપીંડી આચરનારા લોકો વેપાર - ઉદ્યોગો પાસે રહેલું ઇમેલ એડ્રેસ મેળવી લે છે અને ત્યાર બાદ ખોટા ઇમેલ કરીને તમને તે લિન્ક પર ક્લિક કરવા માટે જણાવે છે.
લિન્ક પર ક્લિક કરવાથી સ્કેમર્સ પાસે તમારી માહિતી આવી જાય છે અને ત્યાર બાદ ઓનલાઇન બેન્કિંગ દ્વારા છેતરપીંડી કરે છે.

આ પ્રકારની છેતરપીંડીથી બચવાનો એકમાત્ર રસ્તો છે કે કોઇ પણ અજાણ્યા સ્ત્રોત દ્વારા આવેલી લિન્ક પર ક્લિક ન કરવું.
સ્કેમ એલર્ટ - સૌથી મોટી 3 છેતરપીંડી જેનો બહુસાંસ્કૃતિક સમુદાય ભોગ બને છે
કેનાન એલ્બાસીટના જણાવ્યા પ્રમાણે, ઓનલાઇન માધ્યમથી છેતરપીંડી કરતા લોકો બિનઅંગ્રેજી ભાષી સમુદાય તથા ઓછી આવક મેળવતા સમુદાયોને નિશાન બનાવે છે.
ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ
ACCC ના જણાવ્યા પ્રમાણે, બિનઅંગ્રેજી ભાષી સમુદાય ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનો સૌથી વધુ ભોગ બને છે.
નકલી સ્કીમ્સ જેમ કે ‘Hope Business’ એપ કે જેનો સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર થાય છે પરંતુ, તેના દ્વારા મોટા પ્રમાણમાં નાણાકિય નુકસાન થાય છે.
સ્કેમવોચને આ પ્રકારની 400 ફરિયાદ મળી હતી અને બિનઅંગ્રેજી ભાષી સમુદાયના લોકોએ તેમાં 1.5 મિલીયન ડોલર ગુમાવ્યા હતા, તેમ ડેઇલા રીકાર્ડે જણાવ્યું હતું.
કોઇ પણ પ્રકારનું રોકાણ કર્યા અગાઉ યોગ્ય નાણાકિય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
ગૂગલ અને એપલ તેમના સ્ટોરમાંથી આ પ્રકારની એપ્લિકેશન્સ હટાવવા પર કાર્ય કરી રહ્યા છે.
ધમકી દ્વારા છેતરપીંડી
મોટાભાગની છેતરપીંડી ફોન કોલ દ્વારા થાય છે.
છેતરપીંડી આચરનારા લોકો સરકારી સંસ્થા જેમકે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ, ઓસ્ટ્રેલિયન્સ ટેક્સેશન ઓફિસમાંથી સંપર્ક કરતા હોય તેમ કહે છે અને નાણાની માંગ કરે છે.
આ પ્રકારની છેતરપીંડીમાં વર્ષ 2019-20ની સરખામણીમાં હાલમાં 250 ગણો વધારો નોંધાયો છે.

બિનઅંગ્રેજી ભાષી સમુદાયના લોકો વિસા કે ટેક્સ સંબંધિત બાબતોના કારણે આ પ્રકારની છેતરપીંડીનો સૌથી વધુ ભોગ બને છે.
ડેઇલા રીકાર્ડના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની છેતરપીંડીનો સૌથી વધુ ભોગ મેન્ડરીન ભાષા બોલતા લોકો બને છે.
ડેટિંગ સ્કેમ
બિનઅંગ્રેજી ભાષા સમુદાયના લોકો ડેટિંગ સ્કેમનો ભોગ બનીને 3.8 મિલીયન ડોલર ગુમાવ્યા છે. વર્ષ 2019 કરતા વર્તમાન સમયમાં આ પ્રકારની છેતરપીંડીમાં 100 ટકાનો વધારો નોંધાયો છે.
ડેટિંગ એપ દ્વારા લોકોને નાણા રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ત્યાર બાદ છેતરપીંડી કરાય છે. 35 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ પ્રકારની છેતરપીંડીનો સૌથી વધુ ભોગ બને છે.
‘Flubot’ - નવા પ્રકારની છેતરપીંડી
ACCCને છેલ્લા કેટલાક સમયમાં SMS દ્વારા ‘Flubot’ નામની છેતરપીંડી થઇ રહી હોવાની ફરિયાદો પ્રાપ્ત થઇ છે.
આ છેતરપીંડીમાં લોકોને એન્ડ્રોઇડ ફોનમાં એક સંદેશ આવે છે જેમાં લખ્યું હોય છે કે તમને મિસ્ડકોલ આવ્યો છે અને તેમાં તે સંદેશ સાંભળવા માટે એક લિન્ક હોય છે.
તે લિન્ક પર ક્લિક કરીને જો તેને ડાઉનલોડ કરવામાં આવે તો ‘Flubot’ તમારા ફોનમાં એક માલવેર ઇન્સ્ટોલ કરી દે છે અને ત્યાર બાદ તમારા કોન્ટેક્ટ્સને ફોન અને સંદેશ મોકલવામાં આવે છે.
જો પરવાનગી આપવામાં આવે તો છેતરપીંડી આચરનારા લોકો તમારી વ્યક્તિગત તથા સંદવેદનશીલ માહિતી જેમ કે બેન્કની વિગતો જેવી માહિતી મેળવી લે છે.

‘Flubot’ ને અવગણવો સરળ છે, તે સંદેશ ડિલીટ કરી દેવો. તેમાં આપવામાં આવેલી લિન્ક પર ક્લિક ન કરીને તે નંબર પર ફોન પણ ન કરવો.
ટેલ્ટ્રા અને ઓપ્ટસ ‘Flubot’ પર નિયંત્રણ મેળવવા કાર્ય કરી રહ્યા છે. તમે આ વિશે ટેલ્ટ્રાની વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકો છો.
સ્કેમ અને સોશિયલ મીડિયા
સાઇબરક્રિમીનલ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવી તમારી સાથે મિત્રતા કરે છે. અને ત્યાર બાદ તમારી વ્યક્તિગત માહિતી મેળવી લે છે.
મનોરંજનના ક્ષેત્ર સાથે સંકળાયેલા ટીમ જણાવે છે કે જો તમારું એકાઉન્ટ સાર્વજનિક હોય તો તમે ઓળખતા ન હોય તેવા લોકો પણ તમારી પ્રોફાઇલ સાથે જોડાય છે.
ટીમે ઉમેર્યું હતું કે તેમણે મહામારી દરમિયાન ફેસબુક પર મોટા પ્રમાણમાં ખોટી પ્રોફાઇલ જોઇ છે. નકલી અને સાચા એકાઉન્ટ વચ્ચેને ભેદ પારખવો મુશ્કેલ છે. મનોરંજનના ક્ષેત્રમાં નકલી એકાઉન્ટ ઘરાવતા ઘણા લોકો તેમની પ્રોફાઇલ સાથે સંકળાય છે.
છેતરપીંડીથી બચવા માટેની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ
- સ્કેમર કોઇ વ્યક્તિની નકલી ઓળખ સાથે સંપર્ક કરી શકે, જો તેઓ તમને લિન્ક આપે તો તેને ડિલીટ કરી દો.
- ઇમેલ મોકલનારી વ્યક્તિનું નામ તથા અન્ય બાબતો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરો.
- જાહેર સ્થળો પર Wi-Fi વાપરવાનો સમય મર્યાદિત કરો.
- યોગ્ય હોય તેવી વેબસાઇટ પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો.
- ઓનલાઇન માધ્યમ પર વેપાર કરતી વેબસાઇટ વિશે ગ્રાહકોના પ્રતિભાવ વિશે માહિતી મેળવો.
- ફોન પર કોઇ પણ વ્યક્તિને બેન્ક તથા સુપરએન્યુએશનની માહિતી ન આપો.
- તમારા કમ્પ્યુટરનો રીમોટ એક્સેસ ન આપો.


