મુખ્ય મુદ્દા
- ન્યૂ સાઉથ વેલ્સમાં, જે લોકો વોટ આપવા માટે લાયક છે તેમણે કેન્દ્રીય તથા રાજ્યની ઉપરાંત સ્થાનિક સરકારી ચૂંટણીમાં ફરજિયાતપણે નામ નોંધાવવું તથા વોટ આપવો જરૂરી છે.
- અંગ્રેજી સિવાય ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશન અન્ય 20 ભાષાઓમાં ચૂંટણીલક્ષી માહિતી ઉપલબ્ધ કરાવે છે.
- ઓનલાઇન વોટિંગ પ્રણાલી iVote આ ચૂંટણીમાં ઉપયોગમાં નહીં લેવાય.
પ્રીમિયર ડોમીનિક પેરોટેયની સરકાર સતત ચોથી મુદ્દત માટે ન્યૂ સાઉથ વેલ્સમાં સરકાર રચવા માટે પ્રયત્ન કરી રહી છે.
પ્રીમિયરના મુખ્ય વિરોધ પક્ષ લેબર તરફથી નેતા ક્રિસ મિન્સ દાવેદારી નોંધાવી રહ્યા છે. તેઓ જૂન 2021માં પાર્ટીની આગેવાની મેળવીને પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સની સંસદ બે ગૃહની પ્રણાલી હેઠળ કાર્ય કરે છે. પ્રથમ છે લેજીસ્લેટીવ એસેમ્બલી (નીચલું ગૃહ) અને લેજીસ્લેટીવ કાઉન્સિલ (ઉપલું ગૃહ).
રાજ્યની ચૂંટણીમાં મતદારો 93 સીટ માટે મતદાન કરશે અને નીચલા ગૃહ માટે પોતાના ઉમેદવારની પસંદગી કરશે.
નીચલા ગૃહમાં 42 સભ્યો હોય છે અને રાજ્યની દરેક ચૂંટણીમાં 21 સભ્યો સંસદની 2 મુદ્દત માટે પસંદ થશે. મતલબ કે તેઓ 8 વર્ષ સુધી પદ પર રહેશે.
જો કોઇ સંજોગ અનુસાર મતદાર મતદાન મથકે જઇને મત ન આપી શકે તો તેઓ પોસ્ટલ વોટ દ્વારા પણ મત આપી શકે છે.
પોસ્ટલ વોટની અરજીઓ ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશનને 20મી માર્ચ સાંજે 5 વાગ્યા સુધીમાં મળે તે જરૂરી છે.
બેલેટ અને પોસ્ટલ વોટના સર્ટીફિકેટ ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશનને 6 એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધીમાં મળે તે જરૂરી છે.

iVote, ઓનલાઇન વોટિંગ પ્રણાલી આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે નહીં.
25મી માર્ચના રોજ ચૂંટણી માટે મતદાન
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ચર્ચ, શાળાઓ, સામુદાયિક કેન્દ્રો જેવા કુલ 2450 સ્થળોએ મતદાન મથક ઉભા કરવામાં આવશે.
મતદાન કેન્દ્રો સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
ક્યાં મતદાન કરવું તે વિશેની માહિતી ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશનની વેબસાઇટ પરથી મેળવી શકાશે.
મતદાન કેન્દ્રમાં પ્રવેશ કર્યા બાદ, કર્મચારી મતદારને તેમનું નામ, સરનામું તથા તેમનું કેન્દ્ર અને તેમણે આ ચૂંટણીમાં મત આપ્યો છે કે નહીં તે તપાસશે.
તમામ વિગતો મેળવી લીધા બાદ બેલેટ પેપર્સ આપવામાં આવશે.
મતદાર યાદીમાં મતદારનું નામ શોધી ન શકાય તો declaration vote (ડિક્લેરેશન વોટ) ભરવું જરૂરી છે.

મતદાન ફરજિયાત છે
ન્યૂ સાઉથ વેલ્સમાં, લાયક અને નામ નોંધાવ્યું હોય તેવા તમામ મતદારોએ કેન્દ્ર, રાજ્ય તથા કાઉન્સિલની ચૂંટણીમાં મત આપવો જરૂરી છે.
જે લોકો મત નહીં આપે તેમને દંડ ફટકારવામાં આવી શકે છે.
ઘરવિહોણા, દિવ્યાંગ, આંતરરાજ્ય કે વિદેશમાં હોય તો મત આપવાની પ્રક્રિયા
ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ કે જેમનું સરનામું નક્કી નથી, જેઓ કામચલાઉ ધોરણે આવાસમાં રહેતા હોય તેવા લોકો પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે.
આ શ્રેણીમાં આવતા લોકો જો મત નહીં આપી શકે તો તેમને દંડ કરવામાં આવશે નહીં.
દિવ્યાંગ લોકોને જો સહાયની જરૂર પડે તો તેઓ તેમના મિત્ર કે સંબંધીની મદદથી મતદાન મથકે જઇ મત આપી શકે છે અથવા તેઓ ચૂંટણી અધિકારીની મદદ મેળવી શકે છે.
વ્યક્તિગત રીતે મતકેન્દ્ર પર જઇને વોટ આપવામાં મુશ્કેલી નડે તો તેઓ વહેલું મતદાન પણ કરી શકે છે. જેમાં પોસ્ટલ વોટિંગ, ડિક્લેર ફેસિલિટી વોટિંગ અથવા ટેલિફોન વોટિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
જો મતદાર અન્ય રાજ્યમાં હોય તો તે વહેલા મતદાન માટે કેન્દ્રમાં જઇ શકે છે અથવા પોસ્ટલ વોટ દ્વારા મત આપી શકે છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં મતદાન માટે નામ નોંધાવનારા લોકો ચૂંટણીના સમય દરમિયાન જો વિદેશમાં હોય તો તેમણે પોસ્ટ દ્વારા મત આપવો જરૂરી છે.
ઘણી બધી ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ
ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશન કેવી રીતે મતદાર યાદીમાં નામ નોંધાવવું અને મત આપવો તે વિશેની માહિતી અંગ્રેજી સહિત 25 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવે છે.
મતદાન કેન્દ્ર પર ભાષાકિય મદદ માટે કર્મચારીઓ કે સ્વયંસેવકો ઉપલબ્ધ રહેશે.
યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવી ભાષા માટે કમિશન ટેલીફોન દુભાષિયાની સેવા મફતમાં ઉપલબ્ધ કરાવે છે.
ચૂંટણી અધિકારીઓ મતદારોને ભાષાંતર અને દુભાષિયાની સેવા (TIS National) સાથે જોડાણ કરી આપશે.
ચૂંટણી દરમિયાન સમુદાયમાં ખોટી માહિતી ન પ્રસરે તે માટે ન્યૂ સાઉથ વેલ્સ ઇલેક્ટોરલ કમિશને Disinformation Register શરૂ કર્યું છે.
જે ચૂંટણીની પ્રક્રિયા વિશે પ્રસરતી ખોટી માહિતી અને નિવેદનોને અટકાવશે.
Find out more about how to vote at elections.nsw.gov.au or call 1300 135 736.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

