"મારું મૂળ ભારત હોવાનો મને ગર્વ છે પરંતુ હું મારી જાતને ઓસ્ટ્રેલિયાના ખેલાડી તરીકે જોઉં છું," તેમ ભારતીય ઓસ્ટ્રેલિયન ગોલ્ફ ખેલાડી કુણાલ ભસીનનું માનવું છે. કુણાલ હાલમાં ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓઇ ઇન્ડિયા દ્વારા રમાઇ રહેલી કેન્સવિલે ઓપન
2018માં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
કુણાલ ઉપરાંત વિશ્વના અન્ય ચાર દેશોના ગોલ્ફર્સ પણ આ ટૂર્નામેન્ટમાં ભારતીય ગોલ્ફર્સને મુકાબલો કરી રહ્યા છે.
કેન્સવિલે ગોલ્ફ ટૂર્નામેન્ટ તથા અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા અંગે કુણાલે જણાવ્યું હતું કે, "હું જન્મથી જ ઓસ્ટ્રેલિયન નાગરિક છું અને મને એ વાતનો આનંદ છે કે હું વિવિધ પ્રકારની ટૂર્નામેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું."
ભારતમાં મૂળ મુંબઇના કુણાલના માતા પિતા ઓસ્ટ્રેલિયા 45 વર્ષ પહેલાં આવ્યા હતા અને નોધર્ન ટેરેટરીના ગોવમાં સ્થાયી થયા હતા. કુણાલે ત્યારથી જ ગોલ્ફની રમત અપનાવવાનું નક્કી કર્યું હતું અને ત્યાર બાદ તે પ્રોફેશનલ ગોલ્ફર બન્યા હતા.

Kunal Bhasin, an Australian golfer. Source: Kunal Bhasin
અત્યાર સુધીમાં ગોલ્ફની રમતમાં પોતાની સફર અંગે કુણાલે જણાવ્યું હતું કે, "મને પહેલેથી જ ગોલ્ફની રમત ગમતી હતી અને હું તેમાં કંઇક કરવા માગતો હતો. હું 2006માં પ્રો ગોલ્ફર બન્યો અને અત્યારે હું સમગ્ર સમય વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઇને ગોલ્ફ રમું છું."
ગોલ્ફ તરફ પોતાના પ્રેમને કારણે કુણાલે આ રમતમાં નવા આવનારા ખેલાડીઓ માટે ઓનલાઇન ટ્રેનિંગ તથા રમતનું જ્ઞાન વધારવાના ક્લાસ પણ શરૂ કર્યું છે.
તેમની પ્રોફેશનલ ગોલ્ફ કારકિર્દીમાં 39 વર્ષના કુણાલે 2010થી 2014 પાંચ વર્ષ સુધી એશિયન ટૂર રમી છે જ્યારે 12 વર્ષ સુધી PGTI ટૂર રમી છે. તેમણે 2009માં ક્રોમ્પટન ગ્રીવ્સ ચેમ્પિયશીપ, 2012માં PGTI પ્લેયર્સ ચેમ્પિયનશીપ તથા 2013માં ઇન્ડિયન ઓઇલ સર્વો માસ્ટર્સનું ટાઇટલ જીત્યું છે.
આ ઉપરાંત તેઓ ઘણી ટૂર્નામેન્ટમાં બીજા તથા ટોચના પાંચ ખેલાડીઓમાં પણ સામેલ થઇ ચૂક્યાં છે.
હાલમાં રમાઇ રહેલી કેન્સવિલે ગોલ્ફ ટૂર્નામેન્ટમાં કુણાલને ભારતીય ખેલાડીઓ તરફથી ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "ભારતીય ખેલાડીઓ તેમના ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને મને હું તેમની સામે રમી રહ્યો છું તેનો મને આનંદ છે. હાલમાં બે રાઉન્ડના અંતે હું 20મા ક્રમે છું."

Kunal Bhasin, an Australian golfer. Source: Kunal Bhasin
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ફની સંસ્કૃતિ
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રહેતા કુણાલ ઘણા સમયથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ફ કલ્ચરને અનુસરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાના લોકો ગોલ્ફની રમતને પસંદ કરે છે. ખેલાડીઓ ગોલ્ફને એક રમત તરીકે જ નહીં પરંતુ સામાજિક મેળાવડા તરીકે પણ જુએ છે.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ફર રમતમાં ઘણું સારું પ્રદર્શન કરવા માટે આતુર રહે છે."
ભારત અને ઓસ્ટ્રેલિયાની ગોલ્ફની પરંપરા અંગે કુણાલના અભિપ્રાય મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુખ્ય ભેદ રમત દરમિયાન કેડી (caddy)ની મદદ લેવાનો છે. ભારતમાં ગોલ્ફ ખેલાડીની આજુબાજુમાં caddy ઉભા હોય છે તે ખેલાડીને તેની બે ઉઠાવવામાં તથા રમત અંગે સલાહ આપતા હોય છે.
આ અંગે કુણાલે વિસ્તારથી જણાવ્યું હતું કે, "ભારતમાં દરેક ખેલાડી caddyની મદદ લે છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં ખેલાડી અને તેનો સાથી ખેલાડી જ રમત દરમિયાન કોર્સ પર જોવા મળે છે. તેમની આજુબાજુમાં કોઇ caddy હોતો નથી. બંને દેશની ગોલ્ફની રમત અંગે આ સૌથી મોટો ભેદ છે. "
"આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના ગોલ્ફર્સ રમત દરમિયાન સામાજિક વલણ અપનાવે છે જ્યારે ભારતીય ગોલ્ફર્સ રમત દરમિયાન મુકાબલો કરે છે અને રમત બાદ હળવાશી પળો માણે છે."
Share


