વિક્ટોરીયા રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જોકે, કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને મત આપવા માટે વોટિંગ સેન્ટર પર જવાની જરૂર નથી. મતદાતાને એક પોસ્ટ દ્વારા એક બેલટ પેપર મોકલવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પોતાનો મત આપી શકે છે.
વિક્ટોરીયામાં યોજાઇ રહેલી કાઉન્સિંલની ચૂંટણી વિશેની તમામ જરૂરી બાબતો પર એક નજર...
બેલટ પેપર દ્વારા મત આપી શકાશે
વિક્ટોરીયામાં યોજાઇ રહેલી કાઉન્સિંલની ચૂંટણીમાં મત આપવા માટે સેન્ટર પર જવાની જરૂર નથી. રાજ્યમાં હાલમાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને અગાઉથી જ રજીસ્ટર્ડ થયેલા મતદાતાઓને પોસ્ટ દ્વારા 6થી 8 ઓક્ટોબર 2020ની વચ્ચે બેલટ પેપર મોકલવામાં આવશે.
જેમાં મતદાતાએ 23મી ઓક્ટોબર 2020 શુક્રવાર, સાંજે 6 વાગ્યા સુધીમાં તેમનો મત આપીને બેલટ પેપર પરત કરવાનું રહેશે.
બેલટ પેપરમાં કાઉન્સિલ કે વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો ફોટો અને નિવેદન તથા મત માટેની તમામ માહિતી આપવામાં આવી છે.
કોણે વોટ કરવો ફરજિયાત છે?
28મી ઓગસ્ટ 2020, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્ય અથવા સિટી ઓફ મેલ્બર્ન કાઉન્સિલના મતદારની યાદીમાં નામ હોય તેવા તમામ લોકોએ વોટ કરવો ફરજિયાત છે.
વોટ નહી આપનારી વ્યક્તિને દંડ થઇ શકે છે.
સિટી ઓફ મેલ્બર્ન કાઉન્સિલ સિવાયની કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોય તેવા મતદાતાને વોટ કરવા પ્રોત્સાહિત કરાય છે. જોકે, તેઓ વોટ નહીં કરી શકે તો તેમને દંડ થશે નહીં.
70 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિએ વોટ કરવો જરૂરી છે?
70 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિ માટે વૈકલ્પિક વોટનો નિયમ હાલમાં લાગૂ નથી. વર્ષ 2020 માટેની સ્થાનિક કાઉન્સિંલની ચૂંટણી માટે નિયમમાં ફેરફાર કરાયો છે. જો તમે વોટ નહીં કરો તો દંડ પણ થઇ શકે છે.
તમે બહાર છો અથવા ઘરનું સરનામું બદલાયું છે
તમે જો રાજ્યની બહાર હોય અથવા ઘરનું સરનામું બદલાયું હોય તેવા સંજોગોમાં તમે ચૂંટણી માટેની સ્થાનિક ઓફિસનો સંપર્ક કરી બેલટ પેપર બદલાવી શકો છો.
વોટિંગની અવધિ પૂરી થાય ત્યાં સુધી જો તમે વિક્ટોરીયામાં ન હોય તો તમે ચોક્કસ પૂરાવા સાથે 'Away from Victoria' ફોર્મ ભરીને તમારી પરિસ્થિતીની જાણ કરી શકો છો.
આ માહિતી વોટિંગની દેખરેખ રાખતી ટીમ પાસે જશે અને તેઓ ચકાસણી બાદ નિર્ણય લેશે.
આ ઉપરાંત, અંગ્રેજી સિવાયની અન્ય 20 ભાષામાં પણ જાણકારી ઉપલબ્ધ છે. જો તમારી ભાષામાં ચૂંટણી વિશેની માહિતી ઉપલબ્ધ ન હોય તો મફતમાં દુભાષિયાની સર્વિસ મેળવી શકાય છે.
Share

