ઇન્ડોનેશિયામાં ભયાનક સુનામી આવ્યો છે અને પશ્ચિમ જાવા તથા દક્ષિણ સુમાત્રાના ટાપુઓ પર કોઇ પણ પ્રકારની ચેતવણી વિના ત્રાટકતા ભારે નુકસાન થયું છે.
છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ, સુનામીના કારણે 222 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને લગભગ 800 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને સરકારના અનુમાન પ્રમાણે, મૃત્યુઆંક વધી શકે છે.
સુનામીના કારણે ઉછળેલા ભયાનક મોજાએ ઘરો, હોટેલ તથા બિચ પાસેની ઉંચી ઇમારતોને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. સુનામીમાં બચવામાં સફળ થયેલા લોકોએ જણાવ્યું હતું કે સુનામી અગાઉ કોઇ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી.

"હું મારા ઘરે ટેલિવીઝન જોઇ રહ્યો હતો. ત્યારે મેં ભયાનક અવાજ સાંભળ્યો હતો, મને એમ લાગ્યું કે તે પવનનો અવાજ છે. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે પાણી મને ખેંચી ગયું. મેં જોયું તો દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા હતા. તેથી હું ઝડપથી ભાગ્યો હતો," તેમ એક નાગરિકે જણાવ્યું હતું.
ઇન્ડોનેશિયામાં આ વર્ષે બીજી વખત સુનામી આવ્યો છે.
28મી સપ્ટેમ્બરે સુલાવેસી ટાપુ પર આવેલા સુનામીએ 2500 લોકોનો ભોગ લીધો હતો. જોકે, તે સમયે ભૂકંપ પણ આવ્યો હતો. જેના કારણે લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા.
શનિવારે આવેલા સુનામીમાં ભૂકંપ આવ્યો નહોતો. અનક ક્રકાતાઉ નામનો જ્વાલામુખી સક્રિય થયો હતો.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જ્વાળામુખીના કારણે પેટાળમાં હલચલ થઇ અને સુનામી આવ્યો છે.

સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં યુનિવર્સિટી ઓફ સાઉથમ્પટનના નેશનલ ઓશેનોગ્રાફી સેન્ટરના ડો. સાઇમન બોક્સેલે જણાવ્યું હતું કે, "સુનામી અગાઉ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિના કારણે તેની ચેતવણી આપવી મુશ્કેલ હતી."
"સુનામીની ચેતવણી આપવી ખૂબ જ મુશ્કેલ હતી. લોકો આરોપ મૂકી રહ્યા છે કે કેમ કોઇ પણ પ્રકારની ચેતવણી અપાઇ નહોતી પરંતુ તે શક્ય નહોતું."
ઇન્ડોનેશિયાની જીયોફિઝીક્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે સુનામી આવ્યાની 24 મિનિટ પહેલા જ જ્વાળામુખી ફાટ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેમને પરિસ્થિતિની જાણ થઇ ત્યારે તેઓ સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા હતા.
કમ્યુનિટીના આગેવાન એન્ગરીહના જણાવ્યા પ્રમાણે, "અમે ભોગ બનનાર લોકોના દેહને એમ્બ્યુલન્સ દ્વારા સુરક્ષિત સ્થાને અને ઘાયલોને કાર મારફતે હોસ્પિટલ પર પહોંચાડવા લાગ્યા હતા."
સ્થાનિક હોસ્પિટલ અને દવાખાના ઘાયલ લોકોથી ઉભરાઇ ગયા છે.
ક્લિનિક વાઇસ ડીરેક્ટર ડો. રહેમદ ફિટ્રીયાદીના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમ વધી રહેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેની કાળજી રાખી રહી છે.

