ઓસ્ટ્રેલિયન સરકારના ધ ન્યુ કોલંબો પ્લાનનો ઉદ્દેશ ઈન્ડો - પેસિફિક પ્રદેશના રાષ્ટ્રો સાથે વિવિધ ક્ષેત્રે સંબંધ મજબૂત બનાવવાનો છે. દરવર્ષે જયારે લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે આવે છે, તેવા સંજોગોમાં શિક્ષણના માધ્યમથી આ પ્રદેશના રાષ્ટ્રોને - તેમની સંસ્કૃતિને સમજવાનો અને આ રાષ્ટ્રો સાથે વ્યક્તિગત ધોરણે અને સંસ્થાકીય ધોરણે નવા સંબંધો વિકસાવવાનો આ એક પ્રયાસ છે
આ કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયાના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને વિવિધ 40 દેશોમાંથી પોતાના પસંદગી દેશમાં અભ્યાસ, ઇન્ટર્નશિપ અને તાલીમ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ કાર્યક્રમ એક વર્ષ સુધીનો છે, જેમાં ભાગ લેવા વિદ્યાર્થીની ઉંમર 18 થી 28 વર્ષ હોવી જોઈએ. દર વર્ષે સરકારના આ કાર્યક્રમનો લાભ અંદાજે 10,000 જેટલા વિદ્યાર્થીઓ લે છે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓમાં ભારત પ્રિય ડેસ્ટિનેશન છે. આ કાર્યક્રમના આગામી પડાવમાં 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ, તાલીમ અને ઇન્ટર્નશિપ માટે ભારતની મુલાકાત લેશે.
એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના કાર્યકારી ઉચ્ચાયુક્ત શ્રી રોડ હિલ્ટને જણાવ્યું કે, "ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય પાર્ટનરોમાં ભારતનું સ્થાન અગ્રીમ છે, મને ખુશી છે કે ઓસ્ટ્રેલિયાની 27 યુનિવર્સીટીઓના 1,261 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2019માં ભારતમાં ઇન્ટર્નશિપ, મેન્ટોરશીપ અને સંશોધનમાં ભાગ લેશે."
ભારતના ખાનગી અને જાહેર સંસ્થાનો સાથે ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ કાયદા, ક્રિમિનોલોજી, વ્યાપાર, આંતરરાષ્ટ્રીય સંબંધો અને ખેલ જેવા અનેક વિષયો પર તાલીમ - અભ્યાસ કરશે. ઇન્ડિયન લો સોસાયટી, અને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સસેલન્સ (જે પ્રકાશ પાદુકોણ અને રાહુલ દ્રવિડ જેવા નામાંકિત ખેલાડીઓ દ્વારા ચલાવવામાં આવે છે) જેવી અનેક નામાંકિત સંસ્થાનો ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર છે.
શ્રી હિલ્ટને ઉમેર્યું હતું કે, "આ કાર્યક્રમ હેઠળ ભાગ લેતા વિદ્યાર્થીઓ નવું નવું શીખે છે, જીવનભરના દોસ્ત બનાવે છે અને જેના કારણે ભારત વિશેની સમજણ વધુ સ્પષ્ટ અને મજબૂત બને છે, આ સાથે જ બંને દેશો આર્થિક સંબંધો ક્ષેત્રે પણ નજીક આવે છે. "
આગામી ધ ન્યુ કોલંબો પ્લાન હેઠળ ઓસ્ટ્રેલિયાની 40 યુનિવર્સીટીઓના 11,817 વિદ્યાર્થીઓ 36 દેશોમાં, 792 પ્રોજેક્ટ પર કામ કરશે.
આ વિદ્યાર્થીઓ જયારે પરત ઓસ્ટ્રેલિયા આવે છે ત્યારે ઈન્ડો - પેસિફિક પ્રદેશના રાષ્ટ્રો પાસે શીખેલ ભાથું લઈને આવે છે, અને અહીં તેને વહેંચે છે. આ વિદ્યાર્થીઓના એલુમ્ની એસોસિયેશનના સભ્યોની સંખ્યા 40,000 થશે.
Share

