ભારત અને ઓસ્ટ્રેલિયા 26મી જાન્યુઆરીએ અનુક્રમે પ્રજાસત્તાક દિવસ અને ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણી કરી રહ્યા છે.
ભારત વર્ષ 1950ની 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક બન્યું હતું જ્યારે વર્ષ 1788ના રોજ પ્રથમ બ્રિટીશ જહાજ ઓસ્ટ્રેલિયાના કિનારે પહોંચ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની શુભેચ્છા
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતા સંદેશ પાઠવ્યો હતો. જેમાં તેમણે ભારતને તેમની આઝાદી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવાની પળોને યાદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ એક સંયોગ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને પોતપોતાના રાષ્ટ્રીય તહેવારો 26મી જાન્યુઆરીએ ઉજવી રહ્યા છે.
સ્કોટ મોરિસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એકબીજા સાથે જોડાયેલા છે. લોકશાહી અને આઝાદી બંને દેશોના પ્રતિક સમાન છે.

Source: PMO/Scott Morrison
તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે “ગહેરી દોસ્તી” એટલે કે ગાઢ મિત્રતા હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાને ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો દ્વારા અપાતા યોગદાનને પણ બીરદાવ્યું હતું. અને, સમગ્ર ઓસ્ટ્રેલિયા તરફથી ભારતને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીયોને શુભેચ્છા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીયોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટરના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે દેશવાસીયોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન બ્રાઝિલના પ્રમુખ
ભારતના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારો ભારત આવ્યા છે. તેમની ભારત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ વેપાર ક્ષેત્રો, આરોગ્ય અને સાઇબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં કરાર પણ કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસની પરેડના આકર્ષણ
ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશના સુરક્ષાબળો દ્વારા વિવિધ પ્રકારના કરતબ દર્શાવવા ઉપરાંત, દેશનો સમૃદ્ધ કલાવારસો, સંસ્કૃતિ તથા સામાજિક – આર્થિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવશે.
26મી જાન્યુઆરીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાની નવી દિલ્હીમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
Share



