યુરોપિયન અને અમેરિકન એવિએશનના સંચાલકોએ ફ્લાઇટમાં બેટરી ફાટવાના ભયથી અમુક ઇલેક્ટ્રોનિક સંસાધનો લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાજેતરમાં, સિંગાપોર એરલાઇન્સે પણ તેમના ગ્રાહકોને સલાહ આપી હતી કે તેઓ ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન મેકબુક પ્રો (MacBook Pro) મોડલ લાવવાથી બચે.
સિંગાપોર એરલાઇન્સે SBS Hindi ને આપેલા એક પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઉત્પાદક કંપની તેમની ખામી ધરાવતી બેટરી ન બદલે ત્યાં સુધી મુસાફરોએ ફ્લાઇટમાં હેન્ડ બેગ અથવા તો ચેક ઇન બેગમાં આ મોડલ લાવવાથી બચવું જોઇએ.
ભારતમાં મોટા પાયે પોતાની સેવા પૂરી પાડતી થાઇ એરવેઝે પણ આ પ્રકારના લેપટોપ્સ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઇ પણ મોડલમાં કોઇ ખામી છે કે નહીં તે એપ્પલ કંપનીની વેબસાઇટ પરથી જાણી શકાશે.
મેકબુકની ઉત્પાદક કંપની એપ્પલે અગાઉ તેમના 15 ઇંચ મેકબુક પ્રો લેપટોપ વધુ ગરમ થાય અને આગ લાગવાની ફરિયાદના કારણે અમુક મોડલ્સ પરત ખેંચ્યા હતા.
એપ્પલે વધુમાં જણાવ્યું હતું કે ખામી ધરાવતા મોડલ્સ સપ્ટેમ્બર 2015થી ફેબ્રુઆરી 2017 દરમિયાન વેચવામાં આવ્યા હતા.
ચેતવણી મળ્યા બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી અને અમેરિકન ફેડરલ એવિએશન એડમિનીસ્ટ્રેશને તેમની એરલાઇન્સને સુરક્ષા અંગે વધુ સચેત રહેવા માટે જણાવ્યું છે.
અગાઉ થાઇ વાઇસ પ્રેસિડેન્ટ એવિએશન સેફ્ટી, સિક્યુરિટી એન્ડ સ્ટાન્ડર્સના ફ્લાઇટ લેફ્ટીનન્ટ પ્રાતાના પાતાનસિરીએ જણાવ્યું હતું કે આગ કે અન્ય કોઇ દુર્ઘટનાથી બચવા માટે પેસેન્જર્સે પોતાની કોઇ ઇલેક્ટ્રેનિક વસ્તુ ખામીવાળી, વધુ ગરમી પકડતી કે તૂટેલી છે કે નહીં, તે ચેક કરી લેવું.
ભારતીય એવિએશન રેગ્યુલેટર ડીરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ મુસાફરોને ટૂંક સમયમાં ગરમ થઇ જતા અને આગ લાગી શકે તેવા ઇલેક્ટ્રોનિક સંસાધનો સાથે મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

Source: Office of Director General of Civil Aviation (DGCA), Government of India
ફ્લાઇટમાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક પદાર્થો લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ, 2016માં સેમસંગ ગેલેક્સી નોટ 7 મોડલ પર પણ બેટરી ફાટવાના ડરથી પ્રતિબંધ મૂકાયો હતો.
Share

