વૈશ્વિક ઇન્ટરનેટ સર્ચ એન્જિન સાઇટ ગૂગલ દ્વારા #MeToo કેમ્પેઇન અંતર્ગત સૌથી વધુ સર્ચ કરનારા દેશોની બહાર પાડવામાં આવેલી યાદીમાં ભારત સૌથી ટોચના સ્થાને છે. રસપ્રદ રીતે, નક્શામાં દર્શાવ્યા પ્રમાણે ભારત અત્યારે #MeToo કેમ્પેઇન વિશે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરનારો દેશ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે #MeToo ચળવળ ગયા વર્ષે અમેરિકામાં શરૂ થઇ હતી જેમાં મહિલાઓએ રાજકારણી, મીડિયાકર્મી તથા અન્ય પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા થતી શારીરિક છેડછાડ અંગે વિરોધ શરૂ કર્યો હતો.
ગૂગલ બ્લોગ પોસ્ટના જણાવ્યા પ્રમાણે, દુનિયાના 195 દેશો તથા 300 શહેરોએ #MeToo કેમ્પેઇન અંગે ઇન્ટરનેટ પર શોધખોળ કરી છે અને તે રોજના ટોચના 5 શહેરોની યાદી બહાર પાડે છે જ્યાં આ વિષય પર સૌથી વધુ શોધ કરવામાં આવી હોય.
નક્શામાં જણાવ્યા પ્રમાણે, ટોચના તમામ પાંચ શહેરો ભારતીય છે અને જેના કારણે ગૂગલ મેપ પર ભારતનો નક્શો વધારે પ્રકાશિત દેખાય છે.
ગુરુવારના આંકડા પ્રમાણે #MeToo અંગે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરનારા શહેરોની યાદમાં ભારતનું કટક, ભાનવરેલી, સંભલપુર, ઉજ્જૈન તથા દેવાસ મોખરે છે.
ઉલ્લેખનીય છે કે આ કેમ્પેઇન હેઠળ હાલમાં જ પ્રખ્યાત બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2008માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના સહ-કલાકાર નાના પાટેકર પર ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યાર બાદથી જ #MeToo કેમ્પેઇને ભારતમાં ઝડપ પકડી છે અને અન્ય ઘણી મહિલાઓએ રાજકારણીઓ, મીડિયાકર્મીઓ તથા ફિલ્મઉદ્યોગના કલાકારો પર શારીરિક હેરાનગતિના આરોપ લગાવ્યા છે. ગૂગલના નક્શા પર ભારત પ્રથમ આવ્યું તે અંગે આ પણ એક કારણ હોઇ શકે છે.
ગૂગલ ટ્રેન્ડ્સના જણાવ્યા પ્રમાણે, દુનિયાના દરેક દેશના લોકોએ આ ચળવળ અંગે ઇન્ટરનેટ પર તપાસ કરી છે પરંતુ 130 કરોડની વસ્તી ધરાવતો ભારત દેશ તેમાં મોખરે છે.
ગૂગલે તેનો આ નક્શો એપ્રિલ મહિનામાં પ્રસારિત કર્યો હતો. એપ્રિલ મહિનાને શારીરિક છેડછાડ સામે જાગૃતિ ફેલાવવા ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. જોકે આ નક્શો અત્યાર સુધીમાં #MeToo કેટલી વખત ઇન્ટરનેટ પર સર્ચ થયું છે અંગેની માહિતી પૂરી નથી પાડતું પરંતુ અન્ય સર્ચ સામે તે કેટલી વધુ વખત સર્ચ થયું તેની માહિતી આપે છે.
12મી ઓક્ટોબરે ભારત ટોચના સ્થાને હતું. ત્યાર બાદ 13મી, 14મી તથા 17મી ઓક્ટોબરે પણ ભારત આ યાદીમાં ટોચના ક્રમે હતું. આશ્ચર્યજનક રીતે, 1.4 બિલિયનની વસ્તી ધરાવતા ચીનનું આ યાદીમાં નામ નથી કારણ કે ત્યાં ગૂગલ પ્રતિબંધિત છે