1લી સપ્ટેમબર 2019થી ભારતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જંગી દંડ ભરવા અંગેનો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.
તેથી હવે, ભારતમાં વાહન ચાલકોએ વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા જેવા રાજ્યોમાં ફટકારવામાં આવતા દંડ જેટલી રકમ ભરવી પડી શકે છે. ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરિયા રાજ્યમાં આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન બાંધવો, ઇમરજન્સી વાહનો કે ટ્રામ, પોલીસની વાનને સાઇડ ન આપવા બદલ જંગી દંડ ફટકારવામાં આવે છે.
ભારતમાં પણ હવે આ ટ્રાફિકને લગતા આ પ્રકારના ગુના કરવા બદલ વાહનચાલકોને ભારે રકમ ભરવી પડી શકે છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ, હેલ્મેટ વિના વાહન ચલાવવા, ઇમરજન્સી વાહનને યોગ્ય જગ્યા ન આપવા બદલ, લાઇસન્સ વિના વાહન ચલાવવા જેવા ગુનાઓ બદલ હવે વાહન ચાલકોએ ભારે દંડ ભરવો પડશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ભરવી પડતી દંડની રકમ (આશરે ડોલરમાં)

Source: Supplied
વિવિધ રાજ્યોએ નિયમ લાગૂ કર્યો નથી
ભારતમાં ડ્રાઇવિંગના નિયમોના ઉલ્લંઘન બદલ લાગૂ કરવામાં આવેલા જંગી દંડની પ્રક્રિયાને કેટલાક રાજ્યોએ લાગૂ કરી નથી. વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવેલા અહેવાલોના જણાવ્યા પ્રમાણે, પંજાબ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાને હજી સુધી આ નિયમ લાગૂ કર્યો નથી.
આ ઉપરાંત ગુજરાતે પણ નવો નિયમ લાગૂ કરવો સંભવ ન હોવાનું કારણ દર્શાવ્યું હતું અને કોઇ પણ સુધારો રીજનલ ટ્રાન્સપોર્ટેશન ઓફિસની સલાહ બાદ જ લાગૂ કરવાનું નિવદેન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ લોકસભામાં મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 63 જેટલા સુધારાઓ કરવામાં આવ્યા છે અને દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં આ નવા સુધારાનો રવિવાર 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરાયો છે.
Share


