ભારતીય ઓસ્ટ્રેલિયનમાં ઓસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલની રમત લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયન કલ્ચરલ કપ (Footy)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનારી ટીમોમાં તમામ ખેલાડીઓ ભારતીય મૂળના હશે.
ઇન્ડિયન કલ્ચરલ કપના આયોજન અંગે વાત કરતા ભારત ફૂટબોલ ક્લબના પ્રેસિડેન્ટ યાસિર હુસૈને SBS Gujarati ને જણાવ્યું હતું કે, "ભારતીય મૂળના લોકોમાં ઓસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલની લોકપ્રિયતા વધારવા તથા આગામી સમયમાં તેઓ આ રમતને અપવાને તેવા ઉદ્દેશ્ય સાથે આગામી રવિવાર 29મી જુલાઇના દિવસે ઇન્ડિયન કલ્ચરલ કપનું આયોજન કરવામાં આવ્યું છે. "
" જેમાં તમામ ટીમોમાં ભારતીય મૂળના ખેલાડીઓ જ હશે અને આગામી 25મી ઓગસ્ટના દિવસે ભારત તથા પાકિસ્તાનની ટીમો વચ્ચે ઓસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે."

ભારતીય ટીમના ખેલાડીઓ અંગે વાત કરતાં યાસિરે જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે ભારતીયોમાં ક્રિકેટની રમત વધારે લોકપ્રિય હોય છે. અમે જ્યારે ફૂટબોલ ક્લબની શરૂઆત કરી ત્યારે પણ મોટાભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન રુલ ફૂટબોલની રમતથી અજાણ હતા પરંતુ તેઓ ધીરે - ધીરે આ રમતમાં રસ દાખવતા ગયા અને અત્યારે ટીમમાં ગુજરાત, દિલ્હી, પંજાબ, રાજસ્થાન તથા તમિલનાડુના ખેલાડીઓ રમી રહ્યા છે."
ટૂર્નામેન્ટમાં રમી રહેલા ગુજરાતી ખેલાડી તારક શાહે SBS Gujaratiને જણાવ્યું હતું કે, "હું પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલ રમું છું અને અત્યારે મસાલા ફૂટબોલ ક્લબ તથા ભારત ફૂટબોલ ક્લબનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. આ રમતની સૌથી રસપ્રદ બાબત એ છે કે આ રમત ખૂબ જ ઝડપી છે અને તે માત્ર બે કલાકમાં જ પૂરી થઇ જાય છે."
"પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે હું ખૂબ જ આતુર છું. છેલ્લે જ્યારે અમે પાકિસ્તાન સામે રમ્યા હતા ત્યારે અમારી ટીમનો 9 પોઇન્ટ્સથી પરાજય થયો હતો," તેમ તારકે જણાવ્યું હતું.

ભારત ફૂટબોલ ક્લબે છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઓગસ્ટ 2017 બાદ પાંચ ટ્રોફી જીતી છે જેમાં સિડની ખાતે સુપર શીખ કપ, શીખ ગેમ્સ તથા મેલ્બોર્નમાં યુનિટી કપ, શ્રીલંકા સામે ANZAC Day કપ અને કમ્યુનિટી કપનો સમાવેશ થાય છે.
ભારતીય મૂળના લોકો આ રમતમાં વધુ રસ લેતા થાય તે માટે ભારત ફૂટબોલ ક્લબ વિક્ટોરિયાની યુનિવર્સિટી સાથે મળીને વિવિધ પ્રકારના સેશન્સનું આયોજન કરી રહી છે. યાસિરે આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, " અત્યારે અમને રમતનો વિકાસ કરવા માટે એએફએલ વિક્ટોરિયા તરફથી તમામ પ્રકારનું સમર્થન મળી રહ્યું છે."
"છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય લોકો આ રમતને રમતા તથા તેને અનુસરતા થયા છે તેથી મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન રુલ ફૂટબોલની રમતનું ભવિષ્ય ઉજળું છે."

