ભારતે બુધવારે મિસાઇલ પરીક્ષણ કરીને લો-ઓર્બિટીંગ મિસાઇલને ધ્વસ્ત કરવાનો દાવો કરી વિશ્વના અન્ય સ્પેસ સુપરપાવર દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
દેશને કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતે મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં સ્થાન મેળવી લીધું છે.
ભારતના ઓરિસ્સા રાજ્ય ખાતેના મિસાઇલ પરીક્ષણ વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલે અવકાશમાં 300 કિલોમીટર દૂર રહેલા સેટેલાઇટ ઓર્બિટને તોડી પાડ્યો હતો. આ ઓપરેશન ત્રણ મિનિટ સુધી ચાલ્યું હતું.
સફળ પરીક્ષણ બાદ પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, "આ સમગ્ર ભારત માટે એક ગર્વની બાબત છે. ભારતે આ સાથે જ સ્પેસ સુપરપાવર દેશોની યાદીમાં નામ નોંધાવી લીધું છે."

Launch of Ballistic Missile Defense Interceptor missile during an Anti-Satellite missile test 'Mission Shakti' Source: SPACE RESEARCH ORGANIZATION
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિના અગાઉ થયેલા હવાઇ ઘર્ષણ બાદ ભારતે એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
ભારતના પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, સેટેલાઇટનું પરીક્ષણ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય શાંતિભગ કરવાનો નથી.
"હું વિશ્વને સૂચિત કરું છું કે ભારતની નવી ક્ષમતા કોઇને નુકસાન કરવા માટે નથી પરંતુ ઝડપથી વિકસી રહેલા ભારતની સુરક્ષા કરવા માટે છે."
અમેરિકા તથા સોવિયત યુનિયને એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ 1985માં કર્યું હતું. ચીને આ સફળતા 2007માં મેળવી હતી.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટના ડો.પ્રદીપ તનેજાએ જણાવ્યું હતું કે, "ભારતનું પગલું પાકિસ્તાનને પણ સ્પેસમાં મિસાઇલનું પરીક્ષણ કરવા માટે પ્રેરિત કરે તેવી શક્યતા છે. જોકે પાકિસ્તાને ભારતના સ્પેસ પરીક્ષણના બદલે અન્ય બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે."

An Indian family watches Indian Prime Minister Narendra Modi addressing the nation. Source: AAP
ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર સ્પેસ એન્ડ એન્જીનીયરીંગ રીસર્ચ ડાયરેક્ટર એન્ડ્ર્યુ ડેમ્પસ્ટેરે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા ભારતની જેમ સ્પેસ મિસાઇલનું પરીક્ષણ કરી શકે તેમ નથી."
"ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી દેશને આર્થિક રીતે મદદ કરે તેવા કાર્યક્રમ કરી રહી છે. અમે એવા ઉપગ્રહ બનાવવા માગીએ છીએ કે જેનાથી ખેતી ઉદ્યોગ, માઇનિંગ ઉદ્યોગને મદદ મળે અને દેશના અર્થતંત્રમાં પ્રગતિ થાય," તેમ તેમણે ઉમેર્યું હતું.
Share

