સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ બે મેચમાં પરાજય મેળવ્યા બાદ ભારતીય ટીમ બુધવારે કેનબેરા ખાતે રમાનારી ત્રીજી વન-ડે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આશ્વાસન વિજય મેળવવા માટે પ્રયત્ન કરશે.
બીજી તરફ, પ્રથમ બે વન-ડે મેચમાં આસાન વિજય મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ શાનદાર ફોર્મમાં છે અને તે ત્રીજી મેચ જીતીને ભારતનો વ્હાઇટવોશ કરવા આતુર હશે.
બુધવારે કેનબેરાના માનુકા ઓવલ ખાતે રમાનારી મેચ હાઇસ્કોરિંગ રહે તેવી શક્યતા છે. અહીં છેલ્લી સાત મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે વિજય મેળવ્યો છે. જેમાં છ મેચમાં 320થી વધુનો સ્કોર નોંધાયો હતો.
ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન એરોન ફિન્ચ, સ્ટિવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ શાનદાર ફોર્મમાં છે. અને, તેઓ ત્રીજી મેચમાં પણ મોટો સ્કોર કરે તેવી શક્યતા છે.
જોકે, ઓપનર ડેવિડ વોર્નર બીજી મેચમાં ફિલ્ડીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હોવાથી તે વન-ડે અને ટી20 શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયાને ડેવિડ વોર્નરની ખોટ પડશે.

Australia won second ODI cricket match against India at the SCG in Sydney, Sunday, November 29, 2020. (AAP Image/Dan Himbrechts) Source: AAP
ભારતીય ટીમના બેટ્સમેનોનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. બંને મેચમાં ટોચના બેટ્સમેન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યા નથી. આ ઉપરાંત, જસપ્રિત બુમરાહ સહિતના બોલર્સ પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે.
તેથી, ત્રીજી મેચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
છેલ્લી પાંચ મેચમાં બંને ટીમનું પ્રદર્શન
- ઓસ્ટ્રેલિયા - છેલ્લી ચાર મેચમાં વિજય, એક મેચમાં પરાજય
- ભારત - તમામ પાંચેય મેચમાં પરાજય
પિચ અને હવામાન
કેનબેરાના માનુકા ઓવલ મેદાનની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી છે. અહીં મોટાભાગની મેચમાં 300થી વધારે રન નોંધાય છે. કેનબેરામાં બુધવારે વાતાવરણ ગરમ અને તાપમાનનો પારો 26 ડિગ્રી જેટલો રહેશે.
આંકડા
- કેનબેરાના માનુકા ઓવલનો વન-ડેમાં રન રેટ 6.36 રન પ્રતિ ઓવર છે.
- ભારતે અગાઉ કેનબેરામાં રમેલી મેચમાં પરાજય મેળવ્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 1 વિકેટે 277 રન હતો અને 75 બોલમાં 72 રનની જરૂર હતી. પરંતુ ભારતનો ધબડકો થયો હતો અને તેણે 46 રનમાં જ 9 વિકેટ ગુમાવી હતી.
- ભારતના કેપ્ટન વિરાટ કોહલીને વન-ડે મેચમાં 12,000 રન કરવા માટે વધુ 23 રનની જરૂર છે. જો, તે બુધવારે આ આંકડો પાર કરી જશે તો વિશ્વમાં સૌથી ઝડપી 12 હજાર રન કરનારો ખેલાડી બની જશે.
- ભારતીય બોલર મોહમ્મદ શમીને વન-ડેમાં 150 વિકેટ મેળવવામાં માત્ર 2 વિકેટની જરૂરિયાત છે.
સંભવિત ટીમ -
- ઓસ્ટ્રેલિયા - એરોન ફિન્ચ, મેથ્યુ વેડ - ડી આર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્નસ લબૂશેન, મોઇસીસ હેનરિક્સ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, સીન એબોટ્ટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ.
- ભારત - મયંક અગ્રવાલ, શીખર ધવન - શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર - મનીષ પાંડે - સંજુ સેમસન, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર - નવદીપ સૈની - મોહમ્મદ શમી - જસપ્રિત બુમરાહ - ટી. નટરાજન, યુઝવેન્દ્ર ચહલ - કુલદીપ યાદવ.
Share


