ભારતીય ક્રિકેટ ટીમ કોરોનાવાઇરસની મહામારીના કારણે લગભગ 9 મહિના પછી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઊતરી રહી છે.
ગણતરીના કલાકોમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વન-ડેમાં એકબીજા સામે ટકરાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ છેલ્લા 14 દિવસથી આઇસોલેશનમાં હતા અને તેઓ શુક્રવારે પ્રથમ વખત રમવા ઊતરી રહ્યા છે.
ભારતીય ટીમે જ્યારે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેણે ટેસ્ટ મેચમાં 2-1થી, વન-ડેમાં 2-1થી વિજય મેળવ્યો હતો તથા ટી20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી.
ભારત આ વખતે પણ યજમાન ટીમ સામે વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઊતરી રહ્યું છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ટીમ 2 વર્ષ અગાઉ ભારત સામે મળેલા પરાજયનો બદલો લેવા માટે આતુર રહેશે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણા ખેલાડીઓ શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેઓ દેશ માટે મેચ જીતી શકે છે.
તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મેચ જીતવા માટે તેને આઉટ કરવો જરૂરી છે.
રેકોર્ડ્સ અને આંકડા
- ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ઉમદા રેકોર્ડ્સ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે 5 સદી તથા 50.17 રનની એવરેજ સાથે કુલ 1154 રન કર્યા છે. જોકે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેનો રેકોર્ડ્સ ખાસ રહ્યો નથી. તેણે સિડનીમા માત્ર 9 રનની એવરેજથી જ રન નોંધાવ્યા છે. જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 21 રહ્યો છે.
- ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં રમેલી છેલ્લી 4માંથી 3 મેચમાં વિજય મેળવ્યો છે. જોકે, સિડની ખાતે ભારતનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતે 2 મેચ જીતી છે અને 14 મેચમાં પરાજય મેળવ્યો છે.
- ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને વન-ડે ક્રિકેટમાં 5000 રન પૂરા કરવા માટે માત્ર 17 રનની જરૂર છે.

Indian players celebrate the dismissal of New Zealand's Martin Guptill during the Cricket World Cup warm up match between India and New Zealand. Source: AAP Image/ AP Photo/Aijaz Rahi
પિચ અને હવામાન -
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી છેલ્લી સાતમાંથી છ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. અને તેમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 312 રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચમાં પણ પિચ હાઇસ્કોરીંગ રહે તેવી શક્યતા છે.
હવામાન ગરમ તથા સ્વચ્છ અને તાપમાનનો પારો 25 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
ભારતીય ટીમ (સંભવિત) - શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ- કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમ (સંભવિત) - ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવન સ્મિથ, માર્નસ લબુશેન, માર્કસ સ્ટોઇનીસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ.
Share

