ભારતનો ક્રિકેટ મેળો તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝન રવિવારે રમાનારી ફાઇનલ સાથે સમાપ્ત થશે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તથા સનરાઇઝર્સ આમને-સામને થશે.
ચેન્નાઇ સુપર કિંગ્સે અત્યાર સુધી સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને તે તમામ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોના મતે આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સ જ ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે.
ભારતીય ક્રિકેટ ચાહકોનું ઇન્ડિયન પ્રીમિયર લીગ ફાઇનલ અંગે શં માનવું છે આવો જાણીએ....

મેલ્બોર્નમાં રહીને અભ્સાસ કરી રહેલા સોનુ પાટીલના જણાવે છે કે, "હું ક્રિકેટનો મોટો ચાહક છું. હું તમામ મેચો નિહાળું છું. ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ ત્યારથી જ હું ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમને સપોર્ટ કરું છું. તેમા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, અંબાતી રાયડુ તથા ઓસ્ટ્રેલિયન સ્ટાર શેન વોટસન જેવા મજબૂત બેટ્સમેન છે."
"તેઓ કોઇ પણ ટીમને ધરાશાયી કરવાની ક્ષમતા ધરાવે છે. મને લાગે છે કે આ વખતે તેમની પાસે ચેમ્પિયન બનવાની અનોખી તક છે. "
ચેન્નાઇ સુપર કિંગ્સ માટે સકારાત્મક પાસું તેમના ટોચના ક્રમના ખેલાડીનું ફોર્મમાં હોવું છે. અંબાતી રાયડુ અત્યારે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એક સદી સાથે 586 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર શેન વોટસને પણ 438 રન નોંધાવ્યા છે.
કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના તથા વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ખેલાડી ડવેન બ્રાવોની હાજરી ટીમને મનોવૈજ્ઞાનિક ફાયદો પહોંચાડે છે.

બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદે શુક્રવારે મોડીરાત્રે રમાયેલી બીજી ક્વોલિફાયરમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રશીદ ખાને બેટિંગ, બોલિંગ તથા ફિલ્ડીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કોલકાતા નાઇટ રાઇડર્સને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દઇને સનરાઇઝર્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
કેન વિલિયમ્સની આગેવાની હેઠળની “ઓરેન્જ આર્મી” ના નામથી જાણિતી સનરાઇઝર્સની ટીમમં ઘણા મેચવિનીંગ ખેલાડીઓ ઉપસ્થિત છે જે ગમે તે પરિસ્થિતિમાં મેચનું પાસું પલટી શકવાની ક્ષમતા ધરાવે છે. ઓપનર શિખર ધવન, કેપ્ટન કેન વિલિયમ્સન પાસે ટીમને મજબૂત શરૂઆત અપાવવાની ક્ષમતા છે.

ઓલરાઉન્ડર કાર્લોસ બ્રાથવેઇટ અને રશીદ ખાન ઉપરાંત બોલર ભુવનેશ્વર કુમાર અંતિમ ઓવર્સમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મુશ્કેલી સર્જી શકવા સક્ષમ છે. સનરાઇઝર્સે ફાઇનલમાં “યલો બ્રિગેડ ” સામે જીતવા શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
અન્ય એક ક્રિકેટ ચાહક કરણ શાહ જણાવે છે કે ચેન્નાઇએ સાબિત કર્યું છે કે તેઓ સુપર કિંગ્સ કેમ કહેવાય છે.

"ચેન્નાઇ માટે અત્યાર સુધીની સફર રોમાંચક રહી છે. બે વર્ષના પ્રતિબંધ બાદ પણ તેઓ શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે. હું ફાઇનલમાં ચેન્નાઇને સપોર્ટ કરું છું. મને લાગે છે કે તેઓ તેમનું ત્રીજું ટાઇટલ જીતવામાં સફળ રહેશે. " તેમ કરણે જણાવ્યું હતું.
ચેન્નાઇ રેકોર્ડ સાતમી ફાઇનલ રમશેચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ સિઝનથી લઇને અત્યાર સુધી સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. તેઓ તેમની નવમી ટૂર્નામેન્ટમાંથી સાતમી વખત ફાઇનલ રમશે. તેમણે સતત બે વર્ષ 2010,2011 ટાઇટલ જીત્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
ગ્રાન્ડ ફાઇનલ વ્યુઅરશીપના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવનાઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. તેમની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ એટલી જ છે. 2017માં રમાયેલી ફાઇનલ સૌથી વધુ જોવાયેલી ફાઇનલ બની હતી. 39.4 મિલિયન વ્યુઅરશીપ સાથે આ ફાઇનલ ટોચના સ્થાને છે. ક્રિકેટ પંડિતોના માનવા પ્રમાણે 2018 સિઝનની ફાઇનલ વ્યુઅરશીપના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.
ભારતીય રમત ક્ષેત્ર માટે આઇપીએલ એક તહેવાર જેવુંઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી સૌથી સફળ ક્રિકેટ ટૂર્નામેન્ટ છે અને તેને ભારતીય રમત ક્ષેત્રમાં તહેવાર જેવો દરજ્જો પ્રાપ્ત છે.
આઇપીએલની સફળતાએ ફૂટબોલમાં ઇન્ડિયન સુપર લીગ, હોકીમાં ઇન્ડિયન હોકી લીગ તથા બેડમિન્ટનમાં પ્રીમિયર બેડમિન્ટન લીગ એક નવી દિશા આપી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ટુરિઝમ અને ઇવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળી છે.

